Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3871 of 4199

 

૪૨૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

હું પરને લઈને છું, પર વડે મારું સત્ત્વ છે-એમ માનીને અજ્ઞાની પોતાના ત્રિકાળી સ્વતત્ત્વનો શ્રદ્ધાનમાં નાશ કરે છે, જ્યારે ધર્મી પુરુષ, પોતાના જ્ઞાનઘનસ્વરૂપ પૂર્ણ દ્રવ્યને સ્વપણે અસ્તિરૂપ સ્વીકારીને આત્માને જેવો છે તેવો જીવતો-ટકતો રાખે છે. આવો મારગ! આ તો એકલો ન્યાયનો માર્ગ બાપા! અરે! એણે અંદર ઊંડા ઉતરીને કોઈદિ’ વિચાર જ કર્યો નથી; બહારમાં -સ્ત્રી-પુત્ર-પરિવાર, બાગ-બંગલા, ધન ને પરિજન ઈત્યાદિમાં-રોકાઈને કે ક્રિયાકાંડમાં રોકાઈને એ પોતાના ચૈતન્યના સત્ત્વરૂપ સ્વદ્રવ્યને ભૂલી ગયો છે, જાણે શૂન્ય થઈ ગયો છે.

સ્યાદ્વાદી, હું સ્વદ્રવ્યપણે સત્ છું એમ પોતાને નિપુણપણે અવલોકે છે એટલે શું? કે હું એક જ્ઞાયકભાવમાત્ર છું એમ પોતાને અભેદપણે અનુભવે છે. હું અને જ્ઞાયકભાવ એમ ભેદ પણ એમાં રહેતો નથી; અભેદ તન્માત્ર વસ્તુનો અનુભવ છે આવી ઝીણી વાત!

સમયસાર કળશટીકામાં આ કળશના અર્થમાં વિશેષ સૂક્ષ્મતાથી વાત કરી છે. ત્યાં નિર્વિકલ્પમાત્ર અભેદ વસ્તુ જેમાં ગુણભેદ પણ નહિ તેને સ્વદ્રવ્ય કહ્યું છે, આધારમાત્ર વસ્તુનો પ્રદેશ અર્થાત્ અસંખ્ય પ્રદેશી હોવા છતાં એવા ભેદથી રહિત એકક્ષેત્ર તેને સ્વક્ષેત્ર કહ્યું છે, વસ્તુમાત્રની મૂળ અવસ્થા-આખી ત્રિકાળસ્થિત એક વસ્તુ તેને સ્વકાળ કહ્યો છે અને વસ્તુની મૂળની સહજ શક્તિ તેને સ્વ-ભાવ કહ્યો છે.

વળી ત્યાં જ સવિકલ્પ ભેદકલ્પના કરવી અર્થાત્ અખંડ એક દ્રવ્યરૂપ વસ્તુમાં આ ગુણ ને આ ગુણી એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. શું કીધું? આ શરીરાદિ પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે, અહીં તો એક જ ચીજમાં ભેદકલ્પના કરવી તેને પરદ્રવ્ય કહ્યું છે. વસ્તુનો આધારભૂત પ્રદેશ-તેમાં સવિકલ્પ ભેદકલ્પનાથી આ અસંખ્યાત પ્રદેશ એમ ભેદને લક્ષમાં લેવું તે પરક્ષેત્ર થઈ ગયું. પંચાસ્તિકાયમાં અસંખ્ય પ્રદેશી આત્માને અસંખ્ય પ્રદેશ હોવા છતાં એકપ્રદેશી કહ્યો છે, કેમકે અસંખ્ય પ્રદેશ અભેદ એકવસ્તુપણે રહેલા છે. તેને અસંખ્ય પ્રદેશનો ભેદ પાડી સમજવું તે પરક્ષેત્ર છે. દ્રવ્યની મૂળ નિર્વિકલ્પ દશા અર્થાત્ એકરૂપ ત્રિકાળી વસ્તુ તે સ્વકાળ, તેમાં એક સમયની અવસ્થાનો ભેદ પાડવો તે પરકાળ છે. તેમ દ્રવ્યની મૂળની સહજ શક્તિ તે સ્વભાવ, તેમાં આ જ્ઞાન, આ દર્શન એમ ભેદ પાડવો તે પરભાવ છે.

ટુંકમાં ત્રિકાળી એકરૂપ વસ્તુ તે સ્વદ્રવ્ય, તે જ સ્વક્ષેત્ર, તે જ સ્વકાળ અને તે જ સ્વભાવ છે. એમાં જે ભેદકલ્પના કરવામાં આવે તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ છે. અહા! આવી ભેદકલ્પના રહિત અભેદ એક જે સ્વદ્રવ્ય વસ્તુ તેને સ્યાદ્વાદી નિપુણપણે અવલોકે છે-અનુભવે છે. શા વડે? નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશ વડે. સમજાણું કાંઈ....? લ્યો, આ ધર્મ અને આ સાચું જીવન.