કોઈને ચાલીસ વર્ષની ઉંમરે પત્ની મરી જાય એટલે ખૂબ શોકાતુર ને વ્યગ્ર થાય. પછી વિચાર કરે કે આના કરતાં દસ વરસ પહેલાં મરી ગઈ હોત તો સારું; એમ કે ત્યારે બીજી તો પરણી શકાત. જુઓ, આ પહેલાં તો સ્ત્રીને મારી, મારી એમ કહીને તૂટી જતો હતો, ને હવે કહે છે-દસ વર્ષ પહેલાં મરી હોત તો સારું. જુઓ, આ સંસારની વિચિત્રતા! બધા આવા ને આવા મૂઢ ભેગા થયા છે. એ તો નિયમસારમાં એક કળશમાં આવ્યું છે કે -મા, બાપ, સ્ત્રી, દીકરા-દીકરી, કુટુંબ-પરિવાર ઈત્યાદિ બધાં ધુતારાની ટોળી છે. પેટ ભરવા બધાં ભેગાં થયાં છે; અનુકૂળ હોય ત્યાંસુધી સાથ આપે, બાકી કોઈ સામુંય ના જુએ. આ જોતા નથી? ઘરમાં પ૦ વરસની બા હોય ને બિમાર પડે, લકવો પડી જાય ને બિમારી લંબાય, ઘરમાં કાંઈ કામના ન રહે એટલે કોઈ સામુંય ના જુએ; બધાં એમ જ વિચારવા લાગી જાય કે બા ક્યારે મરે. લ્યો, બા, બા, બા એમ બાને જોઈને હરખ કરનારાં હવે વિચારે છે કે બા ક્યારે મરે? આ તો બધું જોયું છે બાપુ! બધાં સ્વાર્થના પૂતળાં છે ભાઈ! અહીં કહે છે- પરદ્રવ્યોથી મને ઠીક છે (વા એના અભાવમાં ઠીક નથી) એમ માનનારા ઠગાઈ ગયા છે; કેમકે પરદ્રવ્ય આ જીવસ્વરૂપ પણ નથી, ને સંયોગથી સ્થિર પણ નથી.
અહા! પોતાની ચૈતન્યવસ્તુ પોતાથી-સ્વદ્રવ્યથી છે એના ભાન વિના સ્વદ્રવ્યને નહિ દેખતો પરને લઈને મને ઠીક પડે છે, પરથી મારું હોવાપણું છે એમ અજ્ઞાની માને છે. હું સ્વદ્રવ્યથી સંપૂર્ણ છું એમ જાણવા-અનુભવવાને બદલે, પરવસ્તુઓ હોય તો ભરેલો દેખાઉં એમ માનીને અજ્ઞાની પોતાના ભાવથી ખાલી-શૂન્ય થયો થકો પોતાની અનાદિઅનંત નિત્ય સ્વદ્રવ્યરૂપ ચૈતન્યસત્તાનો નાશ કરે છે. વાસ્તવમાં તે સ્વદ્રવ્યનું ખૂન કરનારો ખૂની છે. સમજાણું કાંઈ.....? હવે કહે છે-
‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો, ‘स्वद्रव्य–अस्तितया निपुणं निरूप्य’ આત્માને સ્વદ્રવ્યને અસ્તિપણે નિપુણ રીતે અવલોકતો હોવાથી, ‘सद्यः समुन्मज्जता विशुद्ध–बोध– महसा पूर्णः भवन्’ તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો ‘जीवति’ જીવે છે-નાશ પામતો નથી.
અહાહા....! કહે છે-ધર્મી-સ્યાદ્વાદી તો શુદ્ધ ચૈતન્યસત્તામય સ્વદ્રવ્યથી હું સત્ છું એમ નિપુણપણે આત્માને અવલોકે છે. અહા! અસ્તિપણે હું પૂર્ણ છું એમ જ્યાં અંદરમાં પોતાના જ્ઞાન-શ્રદ્ધાનમાં સ્વીકાર થયો કે તત્કાળ અંદર અસ્તિમાંથી જ્ઞાન ઉછળ્યું, ને તે જ્ઞાનની દશામાં ભાસ થયો કે-અહો! આ પૂર્ણ જ્ઞાનઘનવસ્તુ હું મારાથી જ અસ્તિરૂપ છું. આમ તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો સ્યાદ્વાદી જીવે છે અર્થાત્ પોતાનું જેવું સત્યાર્થ જીવન છે તેને જીવતું રાખે છે, નિરાકુળ આનંદથી ધબકતું રાખે છે.