૪૧૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ કાળ પહેલાં તારી પાસે ન હતી અને થોડા કાળ પછી પણ નહિ હોય તો એ ચીજો હમણાં તને ઠીક ક્યાંથી થઈ ગઈ?
હા, પણ કોઈને પતિ-પત્ની બે જ હોય ને પત્ની મરી જાય તો પતિ એકલો પડી જાય કે નહિ?
આત્મા તો સદાય એકલો જ છે ભાઈ! પત્નીથી તેં ઠીકપણું માન્યું છે એ જ તારું પાગલપણું છે. શું થાય? હવે પોતે કોણ છે એની ખબર ન મળે ને એમ ને એમ પાગલની જેમ જિંદગી પૂરી થઈ જાય!
અહીં કહે છે- અજ્ઞાની પ્રત્યક્ષ આલિખિત એવાં પ્રગટ-સ્થૂલ અને સ્થિર-નિશ્ચલ પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો..... , જુઓ, ઇન્દ્રિય (આંખ વગેરે) વડે શરીર, સ્ત્રી, દીકરા, દીકરી ઈત્યાદિને સામે પ્રત્યક્ષ દેખીને એને લઈને હું છું, એનાથી મને ઠીક છે-એમ જે માને છે તે, કહે છે, ઠગાઈ ગયો છે. આ શરીર ઠીક-નિરોગી હોય, પત્ની-દીકરા-દીકરી સેવા કરતાં હોય, રહેવા મકાન અનુકૂળ હોય, ખાવા-પીવાની સામગ્રી ભરપુર હોય, ને મિત્રો-સાથીઓ ખબર પૂછનારા હોય એટલે મને ઠીક પડે છે એમ માનનાર પરથી ઠગાઈ ગયો છે. અને એના વિના મને ઠીક નથી એમ માનનાર પણ ઠગાઈ ગયા છે. અહા! આવા બધા પરના હોવાપણાથી પોતાનું હોવાપણું માને છે ને? વળી તેઓ તે પરદ્રવ્યોને થોડો કાળ સ્થિર દેખીને સ્થિર માને છે ને? અહા! તેઓ મોહવશ ઠગાઈ ગયા છે. કેમ? કેમકે પરદ્રવ્યો કદી નિજ આત્મરૂપ થઈ શકતા નથી ને તેઓ પર્યાયપણે સ્થિર પણ નથી. તેમનો સંયોગ રહ્યા જ કરશે એવા તેઓ સ્થિર નથી. સમજાણું કાંઈ....?
અહા! અતીન્દ્રિય પ્રત્યક્ષ એવું જે પોતાનું અવ્યક્ત (ઇન્દ્રિય-અપ્રત્યક્ષ) આત્મદ્રવ્ય- ત્રિકાળ જ્ઞાનાનંદમય-તેને અજ્ઞાની માનતો નથી, તેને જાણવા-દેખવાની કદી દરકાર પણ કરતો નથી. આમ પોતાના આત્મદ્રવ્યના અસ્તિત્વને નહિ દેખતો, સમસ્તપણે શૂન્ય થયો થકો, જે બાહ્ય ચીજોને જાણે છે તે જ હું છું એમ માને છે. શ્રીમદે કહ્યું છે ને કે-
જાણનારને માન નહિ, કહિએ કેવું જ્ઞાન?
અહા! જાણનારની હયાતીમાં-જ્ઞાનભૂમિકામાં આ બધી બાહ્ય ચીજો દેખીને, આ જાણનારો તે હું છું એમ ન માનતાં, આ બાહ્ય ચીજો તે હું છું એમ માનીને, પોતે શૂન્ય- અભાવરૂપ થયો થકો અજ્ઞાની પોતાનો નાશ કરે છે. અહો! મોહનો કોઈ ગજબ મહિમા છે. આખું જગત મોહથી મૂર્ચ્છા પામી ઠગાઈ રહ્યું છે. આચાર્યદેવે આખા જગતનો ચિતાર ખડો કર્યો છે.