૪૩૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ દશામાં પરક્ષેત્ર ઘૂસી ગયું છે એમ માનીને પરક્ષેત્રના નિમિત્તે થયેલી પોતાની જ્ઞાનાકાર પર્યાયને છોડી દે છે અને એ રીતે તુચ્છ થયો થકો પોતાનો નાશ કરે છે. સમજાણું કાંઈ......?
અહા! આવો મનુષ્યનો ભવ (આવો અવસર) ક્યારે મળે ભાઈ? ને એમાં તત્ત્વજ્ઞાનની વાર્તા સાંભળવાનું ક્યારે મળે? અરે ભાઈ! અનંતકાળ તારો મિથ્યાત્વને લઈને નર્ક-નિગોદાદિમાં જ ગયો છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા નર્ક-નિગોદના ભવ પડેલા છે. પહેલી નરકમાં ઓછામાં ઓછી સ્થિતિ દસ હજાર વર્ષ છે, ને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. અરે! મિથ્યાત્વને લઈને દસ હજાર વર્ષની સ્થિતિએ નરકમાં અનંતવાર ઊપજ્યો છે. તેવી રીતે દસ હજાર વર્ષને એક સમય, દસહજાર વર્ષને બે સમય એમ ક્રમશઃ તેત્રીસ સાગરોપમ પર્યંત વધતી સ્થિતિએ- પ્રત્યેક સ્થિતિએ અનંતવાર ઊપજ્યો-મર્યો છે. અને નિગોદમાં તો ત્યાં ને ત્યાં અનંતકાળ પર્યંત અનંતાં જન્મ-મરણ થયા કરે. અહા! તારા દુઃખની કથની શું કરીએ? તેથી કહીએ છીએ કે આ મનુષ્યભવનો એક સમય પણ મહા મૂલ્યવાન છે. તેની આગળ કૌસ્તુભમણિ પણ કાંઈ નથી. માટે આ અવસરમાં તત્ત્વદ્રષ્ટિ કરી લે ભાઈ!
અહીં હવે કહે છે - ‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો ‘स्वधामनि वसन्’ સ્વક્ષેત્રમાં રહેતો, ‘परक्षेत्र नास्तितां विदन्’ પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો, ‘त्यक्त–अर्थः अपि’ (પરક્ષેત્રમાં રહેલા) જ્ઞેય પદાર્થોને છોડતાં છતાં ‘परान् आकार कर्षी’ તે પરપદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) ‘तुच्छताम्–अनुभवति न’ તુચ્છતા પામતો નથી.
સામે અગ્નિ હોય તો અહીં અગ્નિનું જ્ઞાન થાય છે, પરંતુ તે અગ્નિના કારણે થાય છે એમ નથી; જ્ઞાનની દશામાં તે કાળે સ્વ-પરનું ને સ્વનું અગ્નિનું જ્ઞાન પોતાના સામર્થ્યથી થાય છે. અગ્નિ તો તે કાળે નિમિત્ત-બીજી ચીજ છે બસ. પરંતુ અજ્ઞાની જાણે પોતાના જ્ઞાનમાં અગ્નિ ઘૂસી ગઈ છે એમ માની પોતાનું તત્સંબંધી જે જ્ઞાનની દશા તેને છોડી દે છે, જ્યારે સ્યાદ્વાદી-જ્ઞાની તો નિજ અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રથી પોતાનું નાસ્તિત્વ જાણતો પરક્ષેત્રથી લક્ષ છોડતાં છતાં પરક્ષેત્રસંબંધી જે પોતાની જ્ઞાનની દશા તેને પોતાની જાણે છે. અહા! પરક્ષેત્ર-પરજ્ઞેયસંબંધી જે પોતાનો જ્ઞાનાકાર એ તો પોતાના જ સ્વભાવરૂપ છે એમ જાણતો ધર્મી તુચ્છતા પામતો નથી, નાશ પામતો નથી. અર્થાત્ ધર્મી બહાર ગમે તે ક્ષેત્રમાં હોય તોપણ તે પોતાના સ્વક્ષેત્રમાં-આનંદમાં જ રહે છે.
સમ્મેદશિખર હો કે ગિરનાર હો કે શેત્રુંજય હો, ધર્મી જાણે છે કે એ પરક્ષેત્રથી નાસ્તિરૂપ છું, ભિન્ન છું. સમ્મેદશિખરનાં દર્શન થયાં એ જ્ઞાનની દશા પોતાની પોતામાં