રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે-એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.’
શું કીધું? કે પરક્ષેત્રનું જ્ઞાન સ્વક્ષેત્રમાં થવા છતાં આત્મા પોતાના જ ક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રરૂપે પોતે થયો જ નથી એમ જાણતો સ્યાદ્વાદી-ધર્મી ટકી રહે છે, નાશ પામતો નથી. પરક્ષેત્રને જાણવા છતાં પોતે તો સદાય સ્વક્ષેત્રના અસ્તિત્વમય જ છે એમ સ્વક્ષેત્રસ્થિત નિજસ્વરૂપને જાણતો-અનુભવતો ધર્મી જિવિત રહે છે.
આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે આઠમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशु’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘स्वक्षेत्रस्थितये पृथग्विध– परक्षेत्र–स्थित–अर्थं–उज्झनात्’ સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને છોડવાથી, ‘अर्थैः सह चिद्–आकारान् वमन्’ જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો) ‘तुच्छीभूय’ તુચ્છ થઈને ‘प्रणश्यति’ નાશ પામે છે;..........
શું કહે છે? આ આત્મા પોતાના અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં પોતાથી જ રહેલો છે. પોતાની પર્યાયમાં એને જે પરક્ષેત્રનું જ્ઞાન થાય છે એ તો એનો પોતાનો સ્વભાવ છે. પરક્ષેત્રને જાણવાપણે જ્ઞાનાકાર થયો તે સ્વક્ષેત્રસ્થિત પોતાની જ જ્ઞાનની દશા છે; એમાં કાંઈ પરક્ષેત્ર પેસી ગયું છે કે પોતે પરક્ષેત્રમાં ગયો છે એમ નથી. આમ વસ્તુસ્થિતિ હોવા છતાં, સ્વક્ષેત્રમાં રહેવાના આશયથી, પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયપદાર્થોનું જે પોતાનું જ્ઞાન તેને છોડી દઉં તો સ્વક્ષેત્રમાં રહી શકું એમ માનીને અજ્ઞાની-એકાંતવાદી જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને-નિજ જ્ઞાનાકારોને પણ વમી નાખે છે, છોડી દે છે. આ પ્રમાણે જ્ઞાનાકારોથી તુચ્છ થયો થકો તે પોતાનો નાશ કરે છે.
અહા! એકાંતી પોતાના આત્માને દ્રષ્ટિમાં લેતો નથી. તેને સંતો કહે છે- અરે ભગવાન! તું તો તારા, અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં જ રહ્યો છું ને! આ પરક્ષેત્રસંબંધી જ્ઞાન તો તારા જ્ઞાનસ્વભાવના કારણે થાય છે, પરક્ષેત્રના કારણે કાંઈ એ થાય છે એમ નથી, તારા ક્ષેત્રમાં કાંઈ પરક્ષેત્ર-પરજ્ઞેયો પેસી ગયા છે એમ નથી; વા તારું જ્ઞાન પરક્ષેત્રમય થઈ ગયું છે એમ નથી. પરક્ષેત્રને જાણનારું જ્ઞાન તે પોતાના સ્વપ્રદેશમાં થયેલી પોતાની જ જ્ઞાનની દશા છે. લ્યો, આવી વાત! તોપણ એકાન્તી પોતાની જ્ઞાનની