૪૨૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ધર્મી આત્મામાં જ આકારરૂપ થયેલાં જ્ઞેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને ટકે છે-જીવે છે. એટલે શું? કે પોતાના સ્વક્ષેત્રમાં જ ઉત્પન્ન થયેલી જ્ઞાન પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન થવા છતાં, હું જ મારા જ્ઞાનમાં છું, મારા જ્ઞાનમાં પરક્ષેત્રનો પ્રવેશ નથી- એમ પોતામાં-પરક્ષેત્રને જાણવારૂપ વિશેષતા થઈ તેના વ્યાપારની શક્તિવાળો થઈને પોતે જીવે છે, નષ્ટ થતો નથી. બહુ ઝીણું ભાઈ! પરક્ષેત્રને જાણવા છતાં, પર્યાય પરની નથી, મારા સ્વક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી મારી પર્યાય છે, તે નિજ શક્તિના વ્યાપારરૂપ છે. લ્યો, આમ નિજશક્તિના વ્યાપારમાં (નિજશક્તિરૂપ પરિણમનમાં) રહીને ધર્મી પોતાના જીવનને ટકાવી રાખે છે.
આ બોલો તો ભાઈ! એકલા સૂક્ષ્મ ન્યાયથી ભરેલા છે. આમાં કોઈ દાખલો નથી. પશુ કહીને તો અજ્ઞાનનું ભારે માઠું ફળ બતાવ્યું છે, બાકી દાખલો નથી. અજ્ઞાની જીવો મિથ્યાત્વના આવરણથી બંધાય છે તે પશુ જેવા છે. એમ કે એમના પરિણામ પશુના જેવા છે. લ્યો, આવી વાત!
‘એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેયપદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને,) પોતાને નષ્ટ કરે છે;.........
અહાહા.....! શું કીધું? કે એકાંતવાદી ભિન્નક્ષેત્રમાં-પરક્ષેત્રમાં રહેલા શરીરાદિ જ્ઞેયપદાર્થોને જાણતાં મારી પર્યાય શરીરાદિના પરક્ષેત્રરૂપ થઈ ગઈ એમ માને છે. પરજ્ઞેયોને જાણવારૂપ આકારે પોતાની જ પર્યાય થઈ છે એમ ન માનતાં, જાણવાપણે પ્રવર્તતા જ્ઞાનને-આત્માને બહાર પડતો માનીને અજ્ઞાની પોતાના અસ્તિપણાનો લોપ કરે છે, નાશ કરે છે. અહા! પોતામાં જે પરજ્ઞેયનું જ્ઞાન થાય તે પરને લઈને છે એમ માનનાર અજ્ઞાની પોતાને પરક્ષેત્રરૂપ જ કરે છે; તે સ્વક્ષેત્રનો નાશ કલ્પીને પોતાનો નાશ કરે છે.
કેટલાક કહે છે ને કે-તીર્થક્ષેત્રમાં જઈએ તો શાન્તિ મળે, અહીં ધંધાના સ્થાનમાં તો અશાન્તિ જ અશાન્તિ રહે છે. તેને કહીએ-ભાઈ! તીર્થક્ષેત્રે જાય તોય ધૂળેય શાન્તિ ન મળે. તીર્થક્ષેત્રેય ભાઈ! તું અનંતવાર ગયો, ભગવાનના સમોસરણમાં પણ અનંતવાર ગયો, પણ પરક્ષેત્રથી એકત્વ ના ગયું તેથી બધું જ ફોગટ ગયું. અજ્ઞાની પરક્ષેત્રથી લાભ થવાનું માનીને, તેને જાણતાં પરક્ષેત્રમય થઈ જાય છે અને એ રીતે પોતાને જ નષ્ટ કરે છે. સમજાય છે કાંઈ......?
ભાઈ આ તો એકલા મિથ્યાત્વ, અને તેના અભાવરૂપ સમ્યક્ત્વની વાત છે. હવે કહે છે- ‘અને સ્યાદ્વાદી તો, પરક્ષેત્રમાં રહેલાં જ્ઞેયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં