માનનારા બધા મૂઢ છે ભાઈ! શું અંતરંગમાં સ્વક્ષેત્રમાં પવિત્રતા પ્રગટે છે એ પરક્ષેત્રથી પ્રગટે છે? એમ છે નહિ. ઘરમાં રહે, ચાહે તીર્થક્ષેત્રે જાય, પરક્ષેત્રથી લાભ-ધર્મ થવો માનનારને, પરક્ષેત્ર મને ઠીક છે એમ માનનારને, કોઈ લાભ થતો નથી. તે મિથ્યાત્વથી જ બંધાય છે.
પ્રશ્નઃ– તો ધર્માત્મા પણ તીર્થક્ષેત્રની વંદનાએ જાય છે? ઉત્તરઃ– એ તો એવો એને શુભભાવ આવે છે. તે અસ્થિરતાજન્ય ધર્માનુરાગ છે, પણ એનાથી પોતાને ધર્મ થાય છે, પવિત્રતાની વૃદ્ધિ થાય છે એમ તે માનતા નથી. સમજાણું કાંઈ.....?
આત્માનું-પોતાનું સ્વક્ષેત્ર અંદરમાં છે. અહા! જેટલામાં પોતાનું જ્ઞાન અને આનંદસ્વરૂપ રહેલું છે તે એનું સ્વક્ષેત્ર છે અને ત્યાં જ એનું હોવાપણું છે. એના સ્વક્ષેત્રમાં જ એના ગુણો-ધર્મો રહેલા છે, પરક્ષેત્રમાં એના કોઈ ગુણો કે પર્યાયો નથી. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, બાગ-બંગલા, સમોસરણ કે તીર્થક્ષેત્ર ઇત્યાદિ પરક્ષેત્રમાં એના કોઈ ગુણ-પર્યાયો નથી. અહા! આવું બધું જ પોતાનું અસ્તિપણું સ્વક્ષેત્રમાં હોવા છતાં, ભિન્નક્ષેત્રે રહેલા પદાર્થો-જ્ઞેયો જ્ઞાનમાં જણાતાં હું પરક્ષેત્રથી છું, મને પરક્ષેત્રથી આનંદ છે એમ મૂઢ જીવ માને છે. તેને કહીએ -
અરે ભાઈ! લૌકિકમાં પણ કહે છે કે- બીજાને ઘેર ચૈન ન પડે, ત્યાં સરખી ઊંઘ ન આવે; એ તો ઘરે આવે ત્યારે જ ચૈન પડે ને નિરાંતે ઊંઘ આવે. તો પછી ભાઈ! આ તું પરક્ષેત્રમાં-શરીરાદિમાં ક્યાં ગરી ગયો? ત્યાં તને સુખ નહિ થાય, આનંદ નહિ મળે. આનંદનો ભંડાર અંદર તારું સ્વક્ષેત્ર છે, ત્યાં જા, તું સુખી થઈશ. આ સિવાય પરક્ષેત્રમાં તો ભટકી-ભટકીને મહાદુઃખી થઈશ, નાશ પામીશ. અરે! સ્વક્ષેત્રને છોડી પરક્ષેત્રમાં વ્યાપેલો છું એમ માની અજ્ઞાની પોતાનો નાશ કરે છે!
‘स्याद्वादवेदी पुनः’ અને સ્યાદ્વાદનો જાણનાર તો, ‘स्वक्षेत्र–अस्तितया– निरुद्ध–रभसः’ સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો), ‘आत्म–निखात–बोध्य–नियत–व्यापार–शक्तिः भवन्’ આત્મામાં જ આકારરૂપ થયેલાં જ્ઞેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, ‘तिष्ठति’ ટકે છે -જીવે છે (નષ્ટ થતો નથી).
શું કીધું? સાચો ધર્મ પામ્યો છે તે સ્યાદ્વાદી તો એમ જાણે છે કે-પરક્ષેત્રનું જાણપણું મારી પર્યાયમાં થતું હોવા છતાં હું પરમાં જતો નથી, હું તો મારામાં જ રહેલો છું જ્યાં મારો સચ્ચિદાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં હું મારામાં જ છું. આવું માનતો ધર્મી, જેનો વેગ પરક્ષેત્રમાં જતો અટકી ગયો છે તેથી સ્વક્ષેત્રમાં જ રહેતો થકો આનંદના પાકને પ્રગટ અનુભવે છે.