થકો અજ્ઞાની-એકાંતી નાશ પામે છે. અહા! આલંબનના કાળે આલંબનરૂપ જે નિમિત્ત છે તેનાથી જ મારી અવસ્થા છે એમ માનીને અજ્ઞાની પોતાની હયાતીનો નિષેધ કરે છે. લ્યો, આનું નામ હિંસા છે. સ્વહિંસા કરી ને? સ્વહિંસા એ જ વાસ્તવમાં હિંસા છે.
અહા! ભગવાન! તું વસ્તુ પદાર્થ છો કે નહિ? છો. તો એમાં જ્ઞાનાદિ અનંત ગુણ છે. અહા! તે અનંત ગુણની વર્તમાન દશા જે થાય છે તે પોતામાં પોતાથી થાય છે. તે તે દશા તે વસ્તુનો સ્વકાળ છે. વર્તમાન જ્ઞાનની દશા તે એનો સ્વકાળ છે. છતાં વર્તમાન જ્ઞાનની દશા દેવ-ગુરુ કે શાસ્ત્રને લઈને થઈ એમ તું માને તે મૂઢપણું છે. ગુરુની વાણી સાંભળવાથી કે શાસ્ત્ર વાંચવાથી મારી જ્ઞાનની દશા ઉઘડી એમ માનનાર મૂઢ જીવો, અહીં કહે છે, આત્માની વર્તમાન અવસ્થાનો ઈન્કાર કરતા થકા પોતાનો નાશ કરે છે, પોતાનો ઘાત કરે છે. વસ્તુની પર્યાયના સ્વકાળને ન માનતાં નિમિત્તથી પોતાની દશા થઈ, ને જેવું નિમિત્ત આવે-મળે તેવી એની દશા થાય એમ માનનાર, અહીં કહે છે, મૂઢ છે, અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. તે મિથ્યાભાવ વડે પોતાનો ઘાત કરનારો છે. સમજાણું કાંઈ.....?
જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર, જિનપ્રતિમા, જિનમંદિર, સમ્મેદશિખર ને શેત્રુંજો એ બધુંય છે ખરું, પણ એ બધું પરજ્ઞેય છે, પરકાળ છે. એ પરકાળથી જ જે પોતાના જ્ઞાનનું અસ્તિત્વ જાણે છે, માને છે તે મૂઢ છે, અજ્ઞાની છે; કેમકે એવું વસ્તુસ્વરૂપ નથી.
પ્રશ્નઃ– તો પછી મંદિરમાં જાવું કેમ (શા માટે?) ઉત્તરઃ– અરે ભાઈ! પૂર્ણ વીતરાગદશા થઈ નથી ત્યાં સુધી ધર્મી-જ્ઞાની પુરુષને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય-ભક્તિ આદિનો શુભભાવ સહજ જ આવે છે, આવ્યા વિના રહેતો જ નથી. પણ એ રાગને લઈને કે દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને પોતાની જ્ઞાનની દશા ઉઘડી છે એમ તે માનતો નથી. શું કીધું? શુભભાવ પણ તેના કાળે પ્રગટ થયો છે, અને તે કાળે જ્ઞાનની દશા પણ પોતાની પોતાથી સ્વકાળે પ્રગટ થઈ છે એમ જ્ઞાની યથાર્થ માને છે. જિજ્ઞાસુ મુમુક્ષુ જીવને પણ અશુભથી બચી દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પ્રત્યે વિનય- ભક્તિએ પ્રવર્તવાનો ભાવ સહજ જ આવતો હોય છે. સમજાણું કાંઈ.....?
અહા! જેટલા ત્રણકાળના સમયો છે એટલી વસ્તુની ત્રણકાળની પર્યાયો છે. તે દરેક પર્યાય સમય સમય પ્રતિ ક્રમબદ્ધ થઈ રહી છે એમ ન માનતાં, બહારમાં જ નજર હોવાથી, તે પરકાળથી-પરનિમિત્તથી થઈ રહી છે એમ અજ્ઞાની માને છે અને એ રીતે તે પોતાની વર્તમાન અવસ્થાની પોતાથી નાસ્તિ માને છે. પોતાની અવસ્થાની નાસ્તિ માને છે એટલે શું? કે તેને વર્તમાન અધર્મદશા ઉત્પન્ન થાય છે. અહા! આ પ્રમાણે જેણે જ્ઞાનમાંથી વર્તમાન દશાનું અસ્તિત્વ ઉડાડયું તેને ત્રિકાળીનું અસ્તિત્વ પણ સિદ્ધ થતું નથી, દ્રષ્ટિમાં આવતું નથી; તેથી એને પણ તે ઉડાડે છે. આવી વાત!