૪૩૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
વળી કેટલાક કહે છે-ઉપાદાનની અનેક યોગ્યતા છે. તેમાં જે કાળે જેવું નિમિત્ત મળે તે મુજબ યોગ્યતા પ્રગટરૂપ થઈ કાર્ય નીપજે છે. તેઓ કહે છે-વર્તમાન દશા એ દ્રવ્યનો પરિણમનસ્વભાવ છે, પણ વિકારરૂપે કે નિર્વિકારદશારૂપે થવું એ તો જેવો સંયોગ-નિમિત્ત હોય એના પર આધારિત છે. અરે ભાઈ! વસ્તુનો પરિણમન સ્વભાવ, પરિણામ અને પરિણમનનું થવું એ શું જુદી જુદી ચીજ હશે? શું થાય? કોઈ પણ રીતે આત્માની દશા પરને લઈને થાય એમ માને તો જ એને સંતોષ થાય છે. પરંતુ પ્રત્યેક પદાર્થ-જીવ અને રજકણ વગેરેના પરિણમનથી થતી દશા તે પોતાથી જ થાય છે, પરથી- નિમિત્તથી કદીય નહિ. પર-નિમિત્ત હો ભલે, પણ એનાથી આમાં પરિણમન અને એની દશા થાય છે એમ ત્રણકાળમાં નથી. ભાઈ! આ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથ તીર્થંકરદેવની વાણીમાં આવેલી વાત છે. અહીં કહે છે- નિમિત્તને-પરને લઈને એની દશા થાય એવી જેની માન્યતા છે તે નિમિત્તની-પરની લાલસાવાળો નિમિત્તની શોધમાં બહાર પરિભ્રમતો નાહક વ્યગ્ર થાય છે બસ; અર્થાત્ તે પોતાનો નાશ કરે છે બસ; કેમકે પોતાની પર્યાયનું સહજ સ્વતઃ અસ્તિત્વ છે તેની એને ખબર નથી.
પ્રશ્નઃ– અહીં આવીએ છીએ તો આવી તત્ત્વની વાત જાણવા મળે છે, બહાર બીજે કેમ નથી મળતી? (માટે જેવું નિમિત્ત મળે તેવું ઉપાદાનમાં કાર્ય થાય).
ઉત્તરઃ– અરે ભાઈ! પ્રત્યેક સમયે વસ્તુમાં થતું પરિણમન અને પરિણામ તે તેનો સ્વકાળ છે. બહારનો સ્વકાળ બીજો છે તેથી વર્તમાન તત્ત્વને જાણવારૂપ દશા પરથી થઈ છે (એમ તે) કેમ હોય? પ્રત્યેક સમયે થતી ભિન્ન ભિન્ન દશા તે પોતાના જ કારણથી છે, એનું કારણ કોઈ પર નથી. જો ભિન્ન ભિન્ન અવસ્થા પરના કારણે થાય તો પોતાના અસ્તિત્વનો જ નાશ થઈ જાય. સૂક્ષ્મ વાત છે ભાઈ! વસ્તુની પ્રત્યેક અવસ્થા સ્વથી થાય ને પરથી ન થાય એ અનેકાન્ત છે; અને પરથી જે તે દશા થવાનું માને તે એકાન્ત છે, મિથ્યાત્વ છે.
જુઓ, આ ભાષા થઈ રહી છે ને! તે ભાષા-વર્ગણાનું પરિણમન છે, તે એનો સ્વકાળ છે; આ જીવના બોલવાના વિકલ્પના કારણે એ થઈ છે એમ નથી. ભાષાનું અસ્તિત્વ-હોવાપણું એ એના કારણે છે, આ જીવના કારણે નથી. ભાઈ! આવું જ વસ્તુનું સ્વરૂપ છે બાપુ! પર નિમિત્ત હો, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી. વાસ્તવમાં તો પ્રત્યેક પર્યાય પોતાના ષટ્કારકપણે થઈને પોતે ઉપજે છે, તેને પરની કોઈજ સહાય- અપેક્ષા હોતા નથી. સમજાણું કાંઈ......?
પર્યાય થાય છે તો પોતામાં પોતાથી, પરંતુ તે સમયે લક્ષ નિમિત્ત પર હોવાથી અજ્ઞાનીને એમ ભાસ થાય છે કે બાહ્ય પદાર્થને લઈને આ દશા થઈ. તેથી હું બધાં બાહ્ય નિમિત્તો મેળવું- એમ અજ્ઞાની નિમિત્તોની લાલસારૂપ ચિત્ત વડે ભમે છે અને એ રીતે ખેદખિન્ન થઈ પોતાનો નાશ કરે છે.