‘સ્યાદ્વાદી તો પરજ્ઞેયોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે; તેથી જ્ઞેયોથી જુદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી.’
અહાહા...! સ્યાદ્વાદી તો મારી દશા મારાથી થઈ છે, પરથી-નિમિત્તથી નહિ એમ યથાર્થ જાણે છે. અહા! સાક્ષાત્ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા હો, કે ગુરુ કે શાસ્ત્ર હો, મારી અવસ્થા એનાથી નાસ્તિપણે જ છે, એને લઈને મારી દશા થઈ જ નથી-એમ માનતો ધર્મી પુરુષ, સ્વદ્રવ્યના આલંબને, આ હું જ્ઞાનપુંજ આત્મા છું એમ વર્તતો થકો, જિવિત રહે છે, નષ્ટ થતો નથી. અહાહા....! પોતાના એક ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરીને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તતો જ્ઞાની પોતાને જીવતો રાખે છે, અર્થાત્ સત્યાર્થ આનંદનું જીવન જીવે છે. મારી અવસ્થા પરથી છે એમ પરાશ્રયમાં તે પ્રવર્તતો નથી.
પ્રશ્નઃ– તો ક્ષાયિક સમકિત તીર્થંકર કેવળી આદિની સમીપમાં જ થાય એમ શાસ્ત્રમાં આવે છે તે શું છે?
ઉત્તરઃ– એ તો ભાઈ! યથાર્થ બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવનારું નિમિત્તની મુખ્યતાથી કરેલું વ્યવહારનયનું કથન છે. બાકી ક્ષાયિક સમકિતી, કેવળીની સમીપમાં હું છું માટે ક્ષાયિક સમકિત થયું છે એમ માનતા નથી. જ્ઞાનપુંજ પ્રભુ આત્માની સમીપતા જ મુખ્ય છે, કેવળીની સમીપતા કહેવી તે વ્યવહાર છે. સમજાણું કાંઈ....? ભગવાન કેવળીને જે કેવળજ્ઞાનની દશા પ્રગટી તે આત્માનો પૂર્ણ આશ્રય થતાં પ્રગટી છે; મનુષ્યપણું હતું ને શરીરનાં હાડકાં મજબુત હતાં, ને કર્મ ખસી ગયાં-નાશ પામી ગયાં માટે પ્રગટી છે એમ નથી; છતાં એમ કહેવું એ વ્યવહાર છે.
અહા! ધર્મીને કિંચિત્ રાગ હોવા છતાં રાગમાં ધર્મી નથી, એ તો નિરંતર પોતાના જ્ઞાન ને આનંદમાં છે, કેમકે તે આત્માની સમીપ છે; જ્યારે અજ્ઞાની સમોસરણમાં બેઠો હોય તોય એ રાગમાં છે, કેમકે તેને આત્મા સમીપ નથી, તે તો પરથી પોતાની અસ્તિ માને છે. સમજાણું કાંઈ....?
આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘परभाव–भाव–कलनात्’ પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી,)