Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3891 of 4199

 

૪૪૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ‘नित्यं बहिः –वस्तुषु विश्रान्तः’ સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, ‘स्वभाव– महिमनि एकान्त–निश्चेतनः’ (પોતાના) સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન (જડ) વર્તતો થકો, ‘नश्यति एव’ નાશ પામે છે;.......

વસ્તુ-આત્મા જે રીતે છે તે રીતે એની જેને દ્રષ્ટિ નથી, પરંતુ ઊંધી જ દ્રષ્ટિ છે તે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ પશુ છે. વર્તમાનમાં તે પશુ જેવો છે અને એના ફળમાં નિગોદરૂપ પશુગતિમાં જશે. આ (હમ્બગ) જૂઠ મૂઠ નથી, આ સત્ય વાત છે ભાઈ!

અહીં કહે છે- પશુ અર્થાત્ એકાન્તવાદી અજ્ઞાની ‘परभाव भाव कलनात्’ પોતા સિવાય બીજા અનંત આત્મા અને પરમાણુઓ આદિના ભાવ-શક્તિ-ગુણને તેનું જે પરિણમન તેને જાણતાં એ પરભાવો વડે પોતાનું અસ્તિત્વ છે તેમ માને છે. ખરેખર તો જે ભાવસ્વરૂપ (ગુણસ્વરૂપ) પોતે છે એનાથી પોતાની હયાતી છે, પરંતુ અજ્ઞાનીનું લક્ષ નિરંતર પર ઉપર હોવાથી, આ પરભાવ જે જણાય છે તે વડે હું છું એમ તે માને છે. પોતાના જ્ઞાન આદિ અનંતગુણનું અનંત સામર્થ્ય છે. અને એમાંથી પોતાની પર્યાય પ્રગટે છે, છતાં એમ ન માનતાં પરભાવ જે જગતની અનંતી ચીજો -મન, વાણી, ઇન્દ્રિય, દેવ, ગુરુ, શાસ્ત્ર, ધન-સંપત્તિ ઈત્યાદિ લક્ષમાં આવે છે તે વડે મારા જ્ઞાનનું અસ્તિત્વ છે એમ અજ્ઞાની માને છે. ઓહો! પોતાના અનંતગુણમય અસ્તિત્વનું અજ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધાન નથી. અહા! અનંત સામર્થ્યયુક્ત ઈશ્વરને લઈને મારા ભાવની પ્રગટતા થશે, પર ઈશ્વરથી મારામાં ઈશ્વરતા પ્રગટશે -એમ અજ્ઞાની માને છે; તેને અનંત ઈશ્વરતાયુક્ત પોતાના જ્ઞાન-દર્શનાદિ ગુણોનું શ્રદ્ધાન નથી. તેથી પોતાને છોડી સદાય બાહ્ય વસ્તુઓમાં જ તે વિશ્રામ કરે છે.

અહા! એકાંતી-અજ્ઞાની પોતાના ભાવના-ગુણના અનંત સામર્થ્યને જાણતો નથી. પોતાના આત્મામાં જ્ઞાનદર્શન આદિ અનંતગુણના અચિંત્ય સામર્થ્યને અવગણીને, પરભાવથી-દેહ, મન, વાણી, ઇન્દ્રિયથી મારી પર્યાયનું પરિણમન અને અસ્તિત્વ છે એમ અજ્ઞાની માને છે. અહા! પરભાવના લક્ષમાં હું જાઉં છું તો મારી પર્યાયમાં ભાવની વૃદ્ધિ થાય છે એમ માનતો થકો અજ્ઞાની પરમાં-પરવસ્તુમાં જ વિશ્રામ કરે છે, અને એ રીતે પોતે જડ નિશ્ચેતન થયો થકો નાશ પામે છે.

અજ્ઞાની બાહ્ય વિષયોમાં સુખ માને છે. પોતે અંદર સુખધામ પ્રભુ છે એને અવગણીને, પરભાવોથી-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ આદિ ઇન્દ્રિયના વિષયોથી મને મઝા આવે છે એમ તે માને છે, અને તેથી સ્પર્શાદિ વિષયોમાં તે પ્રવર્તે છે, જડ જેવો થઈ ત્યાં જ વિશ્રામ કરે છે. પણ ભાઈ! એ પાંચ ઇન્દ્રિયના વિષયો એ તો જડની શક્તિ બાપુ! એનાથી તારા સુખનું હોવાપણું કેમ હોય? જરા જો તો ખરો!