પરભાવમાં સુખ શોધવા થતાં, પરભાવમાં વિશ્રામ કરવા જતાં તારા અનંત સુખસ્વભાવનો વિચ્છેદ થાય છે.
અહા! વીતરાગની વાણીની શી ગંભીરતા! આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ ઈત્યાદિ અનંત મહિમાયુક્ત અનંત ભાવ છે. એ ભાવોનો પ્રવાહ સતત પોતાથી વહે-પરિણમે છે. જેમકે-જ્ઞાનનો પ્રવાહ, સુખનો પ્રવાહ સતત નિરંતર પોતાથી વહ્યા-પરિણમ્યા જ કરે છે. પરંતુ અજ્ઞાની, વર્તમાન પર્યાય પોતાના ભાવમાંથી પ્રવહતી થકી ઉત્પન્ન હોવા છતાં, જાણવામાં આવતા પરભાવમાંથી તે પ્રગટ થઈ છે એમ માને છે. અને એ રીતે તે પોતાના સ્વભાવના મહિમાથી રહિત થઈ જડ અચેતન થઈ રહ્યો છે. એને સ્વભાવનો-નિજ ચૈતન્યભાવનો-મહિમા ન રહ્યો એટલે પરભાવના મહિમામાં સ્થિત થયો થકો તે જડ થઈ રહ્યો છે. અહા! પર કેવળીને જાણતાં મારું જ્ઞાન પર કેવળીમાંથી આવે છે એમ માનનાર પરભાવના મહિમામાં સ્થિર થયો થકો જડ થઈ રહ્યો છે. બહુ આકરી વાત! પણ આ સત્ય વાત છે. સમજાણું કાંઈ....?
પ્રશ્નઃ– તો જે અર્હંતને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે તેનો મોહ નાશ પામે છે એમ પ્રવચનસારમાં કહ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! ત્યાં પ્રવચનસારમાં (ગાથા ૮૦માં) જે કહ્યું છે એ તો નિમિત્તનું કથન છે. એ વ્યવહારનયનું વચન છે. એ તો એના જ્ઞાનમાં પહેલાં અરિહંતના દ્રવ્ય- ગુણ-પર્યાય ખ્યાલમાં આવે છે. અર્હંતના દ્રવ્ય-ગુણ-પર્યાયનો નિર્ણય કરનારું ચિંતવન છે ત્યાંસુધી તો વિકલ્પ છે, સ્વાનુભૂતિ નથી, પણ પછી જ્યારે પોતાનો દ્રવ્ય સ્વભાવ પણ એવો જ છે એમ નિશ્ચય કરી અંદરમાં જાય છે ત્યારે સ્વભાવના સામર્થ્યનું વાસ્તવિક પરિણમન થાય છે અને મોહ નાશ પામે છે. તેમાં અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતવન-જાણપણું તો નિમિત્તમાત્ર છે, એ કાંઈ અંતર-પરિણમનનું વાસ્તવિક કારણ નથી, અર્થાત્ એને લઈને અંદર સમકિત થયું છે એમ નથી. અહા! અરિહંતના જેવું જ મારા સ્વભાવનું સામર્થ્ય છે એમ નિશ્ચય કરી જ્યારે દ્રષ્ટિ અંતર્મુખ એકાકાર થાય છે ત્યારે સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે, અને તો નિમિત્તથી-નિમિત્તની મુખ્યતાથી એમ કહેવાય કે જે અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તેનો મોહ નાશ પામે છે. ભાઈ! નિમિત્તથી કહીએ એ જુદી ચીજ છે (વ્યવહારનયની શૈલી છે) અને એમ માનવું એ જુદી ચીજ (મિથ્યાત્વ) છે. સમજાણું કાંઈ...?
પ્રભુ! તારા ભાવની ગંભીરતા કેટલી? ભગવાન! તું આખો ધ્રુવ ચિત્સ્વરૂપ પદાર્થ -એમાં શાન્તિનો ભાવ પૂર્ણ, જ્ઞાનનો ભાવ પૂર્ણ, શ્રદ્ધાનો ભાવ પૂર્ણ, આનંદનો ભાવ પૂર્ણ, પ્રભુતાનો ભાવ પૂર્ણ-એમ અનંતા પૂર્ણ ભાવ તારા એક જ્ઞાયક તત્ત્વમાં પડયા છે.