૪૪૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અહા! પોતાના દ્રવ્યમાં જે જ્ઞાન, શ્રદ્ધા, શાન્તિ, આનંદ ઈત્યાદિ શક્તિઓ છે એમાંથી જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ અને જેટલી પ્રગટ થશે તે બધી તેમાં અંતર્લીન છે. અને તેથી સ્વ-પરને, સ્વભાવ-પરભાવને જાણવાનો જે પર્યાયભાવ ઉત્પન્ન થાય છે તે પોતાથી થાય છે, પરથી નહિ, અને ત્રિકાળી સામાન્યસ્વભાવ છે એનાથી પણ નહિ. ત્રિકાળીમાં જે તે સમયની જે તે પ્રકારની યોગ્યતા વિદ્યમાન છે તે જે તે સમયે પર્યાયરૂપે પ્રગટ થાય છે. એટલે ખરેખર સામાન્યદ્રવ્ય પણ પર્યાયનું કારણ ન રહ્યું ભાઈ! આ તારા ખ્યાલમાં -બુદ્ધિમાં તો પ્રથમ લે. આ બુદ્ધિગમ્ય થાય તો પછી અનુભવગમ્ય થાય, અને ત્યારે આ આમ જ છે એમ અંદરથી નિઃશંકતાનો રણકો આવે. ધર્મીને આ નિઃશંકતા થઈ છે કે- મારી વર્તમાન દશા, મારા ભાવમાં જે શક્તિરૂપ-યોગ્યતારૂપ વિદ્યમાન હતી તે બહાર આવી છે. તેથી ખરેખર તેને પરભાવરૂપ થવાના ત્યાગરૂપ દ્રષ્ટિ અંદરમાં ખીલી ગઈ છે. અહા! તેણે દ્રષ્ટિમાં પરભાવનો ત્યાગ કરી દીધો છે.
જુઓ, આ કહ્યું ને કે- ધર્મી પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે નિષ્કંપ વર્તતા થકો, શુદ્ધ જ વિરાજે છે. ધર્મીને પરભાવમાંથી મારો ભાવ થાય એવી દ્રષ્ટિનો અભાવ-ત્યાગ થઈ ગયો છે, અને પોતાના સ્વ-ભાવથી પોતાનું અસ્તિત્વ હોવાની દ્રષ્ટિ પ્રગટ થઈ છે. તેથી તે સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કંપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે. અહા! ધર્મી, આત્મા પરદ્રવ્યોના ભાવરૂપ નથી-એમ દેખતો હોવાથી નિષ્કંપ છે. પરથી મારી દશા થાય એવો મિથ્યાત્વભાવ તે કંપન છે, અને સમ્યગ્દર્શન નિષ્કંપ છે. અહા! નિજ આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં લેતાં જે સમ્યગ્દર્શન થયું તે નિષ્કંપ છે, કારણ કે ભેગું અજોગપણું પણ અંશે પ્રગટ થાય છે ને! સર્વગુણાંશ તે સમકિત. એટલે કે સમકિત થવા કાળે, આત્માનો યોગ નામનો જે ગુણ છે તેમાં પણ તે પ્રકારે નિષ્કંપતા થવાનો કાળ છે. તેથી જ્ઞાની સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કંપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે; અર્થાત્ પરભાવને પોતામાં ભેળવતો નથી, એક શુદ્ધ સ્વરૂપને જ અનુભવે છે.
અહાહા...! કહે છે– ‘विशुद्धः एव लसति’ જ્ઞાની શુદ્ધ જ વિરાજે છે. તો શું એને રાગ છે જ નહિ? કિંચિત્ રાગ છે, તથાપિ શુદ્ધ જ વિરાજે છે. કેમ? કેમકે રાગને તે માત્ર જાણે જ છે (કરતો નથી). વળી તે જ્ઞાન શુદ્ધ છે અર્થાત્ રાગ તેમાં ભળ્યો નથી, કેમકે એને જાણનારું જ્ઞાન જ્ઞાનથી-પોતાથી છે રાગને લઈને છે એમ નહિ-એમ જ્ઞાની યથાર્થ જાણે છે. થોડું સૂક્ષ્મ આવી ગયું! પણ અરૂપી આત્માની વાત સૂક્ષ્મ જ હોય ને!
જે જીવ નિમિત્ત એટલે કે સંયોગ અને પરભાવથી પોતાના ભાવની (જ્ઞાનની) દશા થયેલી માને છે તે સંયોગ અને પરભાવને પોતારૂપ માને છે; તે મિથ્યાદ્રષ્ટિ છે.