શુદ્ધસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો કોઈ પણ પરભાવ-પરજ્ઞેયને બાકી રાખ્યા વિના સર્વ પરભાવ તે હું છું -હું સર્વવ્યાપક છું -એમ માની અજ્ઞાની સ્વચ્છંદે ક્રીડા કરે છે-આચરણ કરે છે. લ્યો, આ મહાહિંસા છે જેના કારણે એને અનંતકાળ પશુગતિમાં-નિગોદાદિમાં રઝળપટ્ટી થાય છે. આવી વાત બાપુ!
પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, ‘परभाव–भाव–विरह–व्यालोक– निष्कम्पितः’ પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવોરૂપે નથી- એમ દેખતો હોવાથી) નિષ્કંપ વર્તતો થકો, ‘विशुद्ध एव लसति’ શુદ્ધ જ વિરાજે છે.
અહાહા....! જોયું? કહે છે- સ્યાદ્વાદી સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો છે; તેને પરભાવોરૂપ ભવનના ત્યાગની દ્રષ્ટિ ખીલી ગઈ છે. અહાહા...! મારામાં આ જે કોઈ દશા પ્રગટ થાય છે તે મારામાં શક્તિરૂપે વિદ્યમાન છે તે પ્રગટ થાય છે, પરભાવોમાંથી તે આવે છે વા પરભાવને લઈને તે પ્રગટ થાય છે એમ છે નહિ-એમ તે યથાર્થ જાણે છે. અહા! એક સમયે એક (ચીજનું) જ્ઞાન છે, ને બીજે સમયે બીજું (બીજી ચીજનું) જ્ઞાન થાય છે એનું કારણ સામે ચીજ બદલાય છે તે નથી, એ તો પોતાના ભાવમાં જે શક્તિરૂપે પડી છે તે, તે કાળે વ્યક્તપર્યાયરૂપે પ્રગટ થાય છે. સામેની ચીજ તો નિમિત્તમાત્ર છે; લ્યો, ધર્મી પુરુષ આવું જાણે છે. સમયે સમયે પ્રગટ થતી પર્યાય એ તો સ્વ-ભાવની શક્તિની વ્યક્તિ છે અને તે એનો સ્વકાળ છે. ઓહો! ભાવમાં તો શક્તિરૂપે ત્રિકાળવર્તી બધી પર્યાયો પડેલી છે. સમજાણું કાંઈ....?
સમયસાર ગાથા ૪૯ માં અવ્યક્તના બોલમાં આવે છે કે -“ચૈતન્યસામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ અંતર્લીન છે માટે (-આત્મા) અવ્યક્ત છે.” આમાં ચૈતન્યનું જે સામાન્યપણું, ધ્રુવપણું, એકપણું તેને અવ્યક્ત કહ્યું છે કેમકે એમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ-જે પ્રગટ થવાની છે, ને જે પ્રગટ થઈ ગઈ છે એ બધી -અંતર્લીન છે. (એમાંથી પ્રતિનિયત એક એક પર્યાય એના કાળે આવે છે). નિશ્ચયથી જોઈએ તો સ્વભાવ-પરભાવને જાણવાની જે સ્વપરપ્રકાશક પર્યાય પ્રગટ થાય છે તે, તે જાતની તે કાળે પર્યાયની શક્તિ-યોગ્યતા છે તે પ્રગટ થાય છે. એટલે સામાન્યપણું છે તેને (સમર્થ) કારણ ન ગણતાં ખરેખર જે તે પ્રકારે પર્યાય થવાનો સામાન્યસ્થિત અંદર પર્યાય શક્તિ- યોગ્યતારૂપ જે ભાવ છે તે કારણ છે. જો સામાન્ય સ્વભાવ ખરેખર કારણ હોય તો સમયે સમયે એકસરખી દશા આવવી જોઈએ કેમકે સામાન્ય સ્વભાવ તો સદા એકરૂપ છે; પરંતુ સરખી નથી આવતી, કેમકે પર્યાયનો તે તે પ્રકારે પોતાનો સ્વકાળ છે, તે તે કાળે તેવી જ યોગ્યતા છે. સમજાણું કાંઈ....? ભાઈ! આ બધું સમજવું પડશે હોં. આ સમજ્યા વિના બહારમાં-પરભાવમાં સુખ ગોતે છે પણ ધૂળેય ત્યાં સુખ નથી, ત્યાં તો મફતનો હેરાન થઈ રખડી મરવાનું છે.