Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3897 of 4199

 

૪૪૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ પોતારૂપ-જ્ઞાયકરૂપ કરે છે. અહા! મૃગની નાભિમાં કસ્તુરી હોય છે, પણ એની એને ખબર નથી, તેથી આ ગંધ બહારમાંથી આવે છે એમ જાણી તે બહાર દોડધામ કરે છે. તેમ જ્ઞાન ને આનંદ તો પોતાનું જ સ્વરૂપ છે, પણ અજ્ઞાનીને તેની ખબર નથી. તેથી આ મારું જ્ઞાન ને મારો આનંદ આ પરભાવોમાંથી આવે છે એમ જાણી, જાણવામાં આવતા અનંતા પરદ્રવ્યોના જે ભાવ તેમાં આત્માના-પોતાના હોવાપણાનો અધ્યાસ કરીને તે સર્વ પરભાવોને પોતારૂપ કરે છે. તેથી તો આ દેશ મારો, ને આ ગામ મારું ને આ બંગલો મારો, આ સ્ત્રી-પુત્ર-પરિવાર મારાં એમ અજ્ઞાની પ્રવર્તે છે. અરે ભાઈ! એ સર્વ વસ્તુ તો પર છે. એમાં તારો આત્મા ક્યાંથી આવી ગયો? પણ શું થાય? અજ્ઞાનીને એવો જ ચિરકાલીન અધ્યાસ છે તેથી તે પોતાના શુદ્ધ ચૈતન્યભાવથી ભ્રષ્ટ થયો થકો પરભાવોમાં જ રમે છે.

અહા! પરદ્રવ્યોના ભાવોનું પરિણમન જાણવાકાળે તે (પરભાવોના) આકારે જ્ઞાન જે પરિણમ્યું તે પોતાનું જ્ઞાન છે અને તે એના સ્વકાળે પ્રગટ થયું છે. શું કીધું? પરભાવોને જાણનારું જ્ઞાન જે અહીં (-આત્મામાં) પ્રગટ થયું તે એનો સ્વકાળ છે, તે કાળે તે સ્વયં પોતાથી થયું છે. છતાં એમ ન માનતાં પરભાવોથી મને અહીં જ્ઞાન થયું છે એમ જે માને છે તે પરભાવોને પોતારૂપ કરે છે. નિમિત્તથી ઉપાદાનમાં (વિલક્ષણતા) થાય એમ જે માને છે તે પણ પરભાવને પોતારૂપ કરે છે; કેમકે પોતાની અવસ્થામાં પરભાવનું જે જ્ઞાન થાય છે તે પોતાથી થાય છે, પરભાવ છે તો થાય છે એમ નથી. લોકાલોક છે તો કેવલજ્ઞાન થાય છે એમ નથી; કેવળજ્ઞાન પોતાના સ્વતંત્ર પરિણમનથી થાય છે. કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા કે સાધન લોકાલોક નથી. તેમ આ શરીરાદિ છે તો એનું જ્ઞાન થાય છે એમ નથી. ભાઈ! વીતરાગનું તત્ત્વ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આ ચૌદ બોલમાં તો બધાં ચૌદ બ્રહ્માંડ ડહોળી નાખ્યા છે. (ચૌદ બ્રહ્માંડના ભાવો ઉકેલ્યા છે.)

પ્રશ્નઃ– તો પછી સામે જેવી ચીજ હોય એવું જ અહીં જ્ઞાન કેમ થાય છે? (એમ કે નિમિત્તથી નથી થતું તો જેવી ચીજ-નિમિત્ત હોય એવું જ જ્ઞાન કેમ થાય છે?)

ઉત્તરઃ– અહા! આત્મદ્રવ્યના ભાવની એવી જ શક્તિ-યોગ્યતા છે. સામે જેવો પરભાવ-પરજ્ઞેય નિમિત્તપણે હોય એવું જ જે જ્ઞાનમાં આવે છે તે દ્રવ્યની એવી જ તત્કાલીન શક્તિ-યોગ્યતા છે તેથી આવે છે. આ તો આવો જ વસ્તુનો-જ્ઞાનનો સ્વભાવ છે ભાઈ! અજ્ઞાની નિજ શક્તિને સમજતો નથી, ને પરભાવના કારણે પોતાનું જ્ઞાન (પરિણમન) થાય છે એમ માની પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત-ભ્રષ્ટ થાય છે. કહ્યું ને અહીં કે- ‘शुद्धस्वभावच्युतः अनिवारितः सर्वत्र अपि स्वैरं गतभयः क्रीडति’ અહાહા....!