પોતાના નિત્ય પવિત્ર સ્વભાવને એકને નિર્મળ અનુભવે છે. પર્યાયનું બદલવું છે છતાં સર્વથા અનિત્ય અને અનેકરૂપ થઈ ગયો એમ ધર્મી કદી માનતો નથી.
‘એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઉપજતી- વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે, પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી......’
અહાહા...! એક જ ધર્મને જોનારો એકાંતવાદી, ચૈતન્યની જે અનેકરૂપ પરિણતિ થાય તેને ઉપાધિ માને છે. તેને દૂર કરીને તે સર્વથા નિત્ય આત્મતત્ત્વને પ્રાપ્ત કરવા માગે છે. પણ ચૈતન્યની પરિણતિથી જુદું એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ, કેમકે પરિણામ વિનાનો જુદો કોઈ પરિણામી હોતો નથી. તેથી એકાંતવાદીને ચૈતન્ય ધ્રુવ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
વળી અજ્ઞાની પરિણામ પોતાથી થાય છે એમ માનતો નથી. જુદી જુદી પરિણતિ થાય છે તે પરને લઈને થાય છે એમ માને છે. હવે જો પરિણામ પરથી થયા તો શું આત્મા પરિણામ વિનાનો છે? શું પરિણમવું એ આત્માનો સ્વભાવ નથી? પરિણામથી જુદો કોઈ પરિણામી હોતો તો નથી.
આત્મા નિત્ય અપરિણામી છે એમ કહ્યું એ તો દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી કહ્યું હતું. પરંતુ દ્રષ્ટિ કરનાર તો પર્યાય છે. તેથી ઉછળતી પરિણતિને ન માને અને એનાથી રહિત આત્મતત્ત્વને ઇચ્છે તો એને તે ક્યાંથી મળે? ન મળે; કેમકે એવું કોઈ પૃથક્ જ્ઞાન-આત્મતત્ત્વ છે નહિ. ભાઈ! પર્યાયથી દૂર-જુદું કોઈ દ્રવ્ય છે એમ છે નહિ. અંશમાં અંશી નથી, અંશીમાં અંશ નથી-એ તો અભેદની દ્રષ્ટિ કરવા અપેક્ષાથી કથન છે, બાકી પરિણામ ક્યાંય રહે છે, ને પરિણામી બીજે ક્યાંક છે એમ બેનો ક્ષેત્રભેદ છે નહિ. ત્રિકાળી ધ્રુવ જ્યાં (જે અસંખ્ય પ્રદેશમાં) છે ત્યાં જ એની દશા છે. આ વાસ્તવિક સ્થિતિ છે. હવે આ ન સમજાય એટલે લોકો રાગમાં ચઢી જાય. પણ ભાઈ! રાગ તો આગ છે બાપા! એ તો તારા આત્માની શાંતિને બાળીને જ રહેશે. સમજાણું કાંઈ.....?
‘સ્યાદ્વાદી તો એમ માને છે કે - જો કે દ્રવ્યે જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઉપજતી-વિણસતી ચૈતન્ય પરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે.’
જુઓ, આત્મા દ્રવ્યે નિત્ય હોવા છતાં પર્યાયે અનિત્ય છે, ને પર્યાયે અનિત્ય હોવા છતાં દ્રવ્યે નિત્ય છે. લ્યો, આવું યથાર્થ માને એનું નામ સ્યાદ્વાદી-અનેકાંતવાદી