૪પ૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે. સ્યાદ્વાદી વસ્તુમાં રહેલા ધ્રુવ ને અધ્રુવ બન્ને ધર્મને માનનારો છે. વસ્તુપણે તો આત્મા અનાદિ-અનંત ત્રિકાળ ધ્રુવ જ છે. વસ્તુ અપેક્ષા એને કોઈએ ઉપજાવ્યો નથી. સત્ છે ને? એને કોણ ઉપજાવે? અને સત્નો નાશ કેવો? સત્ તો ત્રિકાળ સત્ જ છે. આમ વસ્તુપણે નિત્ય છે તોપણ ક્રમેક્રમે ઉપજતી-વિણસતી ચૈતન્યની અવસ્થાઓની અપેક્ષા જ્ઞાન-આત્મા અનિત્ય પણ છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. સ્યાદ્વાદી એને યથાર્થ જાણતો થકો નિત્યસ્વભાવના આલંબનની દ્રષ્ટિ વડે જિવિત રહે છે-નાશ પામતો નથી આવી વાતુ છે.
‘પૂર્વોક્ત રીતે અનેકાન્ત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરી દે છે- સમજાવી દે છે’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ-
‘इति’ આ રીતે ‘अनेकान्तः’ અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ ‘अज्ञान–विमूढानां ज्ञानमात्रं आत्मतत्त्वं प्रसाधयन्’ અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો ‘स्वयमेव अनुभूयते’ સ્વયમેવ અનુભવાય છે.
જુઓ, અહીં અનેકાન્તનો અર્થ સ્યાદ્વાદ કર્યો છે. વાસ્તવમાં અનેકાન્ત વસ્તુનું સ્વરૂપ છે, અને સ્યાદ્વાદ વસ્તુના અનેકાન્ત સ્વરૂપનો (દ્યોતક) બતાવનારો છે. ‘સ્યાત્’ કહેતાં અપેક્ષાઓ (જે ધર્મ વસ્તુમાં હોય તે અપેક્ષાએ) વાદ કહેતાં વચન-કથન. આ રીતે સ્યાદ્વાદ તે અનેકાન્તસ્વરૂપ વસ્તુને કહેનારી વચન-પદ્ધતિ છે. જેમકે-આત્મા નિત્ય છે તો કથંચિત્-દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે; આત્મા અનિત્ય છે તો કથંચિત્-પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આમ સ્યાદ્વાદ, અપેક્ષાથી કથન કરીને અનેકાન્ત-વસ્તુને સિદ્ધ કરે છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને બતાવે છે.
અહીં કહે છે-આ રીતે અનેકાન્ત, અજ્ઞાનથી વિમૂઢ પ્રાણીઓને, જ્ઞાનમાત્ર આત્મતત્ત્વને પ્રસિદ્ધ કરતો સ્વયમેવ અનુભવાય છે. અહાહા....! હું સ્વસ્વરૂપી- જ્ઞાનસ્વરૂપથી છું ને પરરૂપથી નથી એમ તત્-અતત્ આદિ ધર્મો દ્વારા અનેકાન્ત, અજ્ઞાન- મૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મા પ્રસિદ્ધ કરે છે એમ સ્વયમેવ અનુભવાય છે. અહાહા...! અનેકાન્તને જાણતાં સ્વસ્વરૂપવસ્તુ આત્મા સ્વયમેવ-પોતાવડે જ અનુભવમાં આવી જાય છે. વસ્તુને-આત્માને જાણવારૂપ પર્યાય સ્વયમેવ-પોતાથી જ પરિણમી જાય છે. હવે આમાં લોકોને (-કેટલાકને) ‘સ્વયમેવ’ શબ્દના વાંધા છે. એમ કે ‘સ્વયમેવ’ નો અર્થ પોતે પોતાથી જ એમ નહિ, પણ પોતારૂપ-ચેતન ચેતનરૂપ ને જડ જડરૂપ-પરિણમે -એમ લેવો જોઈએ. પણ એ બરાબર નથી. ‘સ્વયમેવ’ કહીને અહીં પોતાથી જ, પરથી નહિ એમ નિશ્ચય કરાવવો છે.