૧૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
એ દુનિયાના લખપતિ-કરોડપતિ એ તો ધૂળના પતિ ધૂળ-પતિ છે.
જ્યારે ઉપદેશમાં દાનનો, ભક્તિનો, પૂજાનો અધિકાર શાસ્ત્રમાં આવે ત્યારે શુભભાવની વાત આવે. રત્નકરંડ શ્રાવકાચારમાં દાન આદિનો અધિકાર વિસ્તારથી આવે છે. સમ્યગ્દ્રષ્ટિ હોય, પૈસા આદિ સંપત્તિ હોય તો એને રાગની મંદતા કરીને દાનમાં વાપરે એ પુણ્યનું કારણ છે. પરંતુ પૈસાનો લોભ રાખી દાનમાં વાપરે નહિ તો પાપનું કારણ છે. પદ્મનંદિ પંચવિંશતિમાં દાન અધિકારમાં પણ આવે છે કે-કાગડો જેમ ઉકડીઆ-ખીચડી તળિયે દાઝી હોય તે તાવેથાથી ઉખેડીને બહાર કુંડીમાં જે નાખે તે દાણા એકલો ન ખાય, પણ કા...કા...કા એમ બોલી બીજા કાગડાઓને બોલાવીને ખાય. તેમ ભગવાન! તેં પૂર્વે જે શુભભાવ કર્યા ત્યારે તારા આત્માની શાંતિ-વીતરાગતા દાઝી હતી. તે વેળા તને જે પુણ્ય બંધાયાં તેના ફળમાં આ લક્ષ્મી આદિ મળ્યા છે તે એકલો વાપરીશ નહિ, બીજાઓને પણ દાનમાં આપજે. નહિં તો તું કાગડામાંથી ય જઈશ. (ઉપદેશમાં અધિકાર પ્રમાણે રાગની મંદતાની વાત શાસ્ત્રમાં આવે પણ તેથી મંદ રાગ ધર્મ છે એમ ન સમજવું).
અહીં આચાર્ય ભગવાન એ સ્પષ્ટ કહે છે કે તું કોણ છે? આ જાણવા-દેખવાના સ્વભાવથી ભરેલો ઉપયોગસ્વરૂપ જ્ઞાયક આત્મા છે તે તું છે. તથા જ્ઞાનઉપયોગથી ખાલી અણ-ઉપયોગસ્વરૂપ રાગાદિ અને શરીરાદિ છે તે તું નથી. આત્માને અને શરીરાદિને આ રીતે અત્યંત ભિન્નપણું છે. તેમને એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. અનાદિથી એકમેક માની રાખ્યું છે ને? એને કેમ બેસે? પણ ભાઈ! શરીરના રજકણ તે હું અને એનાથી ક્રિયા થાય તે મારી થઈ એમ જે માને તે ભલે કોઈ મોટો રાજા હોય, શેઠ હોય કે મોટો ત્યાગી હોય એ મૂઢ, મોટો મૂર્ખ છે.
આત્મા અને શરીર આકાશના એક ક્ષેત્રે રહેવાથી એક છે એમ અસદ્ભૂત વ્યવહાર-નયથી કહેવામાં આવે છે. (એ કથનમાત્ર છે.) બાકી ભગવાન આનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અને આ જડ શરીર એ તદ્ન ભિન્ન ભિન્ન છે. એમને ત્રણકાળમાં એકપણું નથી. આવો પ્રગટ નયવિભાગ છે. આ હાલવા-ચાલવાની, બોલવાની ઇત્યાદિ ક્રિયા જડની છે. એને આત્મા કરી શક્તો નથી. જાણવું, જાણવું એમ જે ઉપયોગસ્વભાવ છે તે આત્મા