ગાથા ૨૭ ] [ ૧૦૯ કરે છે તે મૂઢ, મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની છે. અરે ભગવાન! તને શું થયું છે આ? ભાઈ! તારામાં એ ચીજ છે નહિ. પરને તું તારે કે મારે એ તારા સ્વરૂપમાં નથી. એ તો તે વિકલ્પથી (ખોટું) માન્યું છે.
જુઓ શરીર, કર્મ આદિ અજીવ-જડ છે એ તો અણ-ઉપયોગસ્વરૂપે છે. પરંતુ જે પરના લક્ષે ઉત્પન્ન થાય છે એવા આ પુણ્ય-પાપના વિકલ્પ એ પણ અણ-ઉપયોગસ્વરૂપ છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે ધ્રુવ ત્રિકાળી જ્ઞાયકભાવ કદી શુભાશુભભાવોના સ્વભાવે થયો નથી. જ્ઞાયક વસ્તુ ઉપયોગસ્વરૂપે છે. એ અણ-ઉપયોગસ્વરૂપ શુભાશુભભાવપણે થઈ નથી. આ દયા, દાન, ભક્તિ આદિના ભાવમાં ચૈતન્યનો અંશ નહિ હોવાથી એ સર્વ રાગાદિ ભાવો અણ-ઉપયોગસ્વરૂપ છે. તો પછી શરીર અને કર્મની તો વાત જ શી? અહીં કહે છે કે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવો જ્ઞાયક આત્મા અને શરીરાદિને ભિન્નપણું છે, અનેકપણું છે, એકપણું નથી.
ગાથા ૧૭-૧૮ માં એમ કહ્યું કે આબાળ-ગોપાળ સૌને જ્ઞાન જ અનુભવમાં આવે છે, એટલે શરીર અને રાગ સંબંધીનું જે જ્ઞાન છે એ જ્ઞાન જ જાણવામાં આવે છે પણ એમ ન માનતાં હું શરીરને જાણું છું, રાગને જાણું છું એમ એનું લક્ષ પર ઉપર જાય છે. એ મિથ્યા ભ્રમ છે. આ જાણનારો જણાય છે અને રાગ અને શરીરને જાણનારું જ્ઞાન રાગ અને શરીરનું નથી પણ જ્ઞાયકનું છે. એ પરજ્ઞેયનું જ્ઞાન નથી પણ ત્રિકાળી ભગવાનનું છે. આમ જ્ઞાયક આત્મા અને શરીરાદિ પરવસ્તુને ભિન્નપણું છે, અનેકપણું છે.
અરે! વસ્તુની દ્રષ્ટિ વિના અનંતવાર વ્રત, તપ, નિયમ કરીને બિચારો મરી ગયો (રખડયો). કહ્યું છે ને (પુણ્ય-પાપ અધિકાર, ગાથા ૧પર માં) કે અજ્ઞાનભાવે વ્રત, તપ આદિ કરે એ બાળવ્રત અને બાળતપ છે. આહાહા! છ છ માસના ઉપવાસ કરે, બબ્બે મહિનાના સંથારા કરે, ઝાડની ડાળની જેમ પડયો રહે પણ નિજસ્વરૂપને જાણ્યા વિના એ બધું બાળતપ અને બાળવ્રત છે. ભગવાન જ્ઞાનની મૂર્તિ છે. એની પર્યાયમાં જે જાણવું થાય છે એ તો આત્માની પોતાની પર્યાય છે. એ ખરેખર જાણનાર જ્ઞાયકને જાણે છે એમ ન માનતાં આને (પર શરીરાદિને) જાણે છે એમ પર ઉપર લક્ષ જાય છે એ અજ્ઞાન છે.
અનંતકાળથી શરીર અને રાગને લક્ષ કરી જાણે છે. અને એને એકપણે માને છે. આ જાણનાર, જાણનાર, જાણનાર જે છે તે હું એમ વિચારવાની કોને પડી છે? બસ, દુનિયામાં પાંચ-પચાસ લાખની ધૂળ મળે એટલે માને કે લીલા લહેર છે. આપણે હવે લખપતિ. પરંતુ બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે એના લક્ષનો પતિ આત્મા લક્ષપતિ છે. આત્માનું લક્ષ થતાં જે અતીન્દ્રિય સહજ આનંદ થયો એ આનંદનો નાથ ભગવાન આત્મા લક્ષપતિ છે. બનારસીદાસના પદ્યમાં છે આઃ-