Pravachan Ratnakar (Gujarati). SatGurudev Stuti.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3919 of 4199

 

શ્રી સદ્ગુરુદેવ–સ્તુતિ

(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્‌યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્‌યો અહો! ગુરુ કહાન તું નાવિક મળ્‌યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર–વીર–કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ–ગુણ–પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તૂટે;
–રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેન્દ્રિમાં–અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું છું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર–અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!