૧૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! આ જગતમાં જીવ અનંત છે, ને પરમાણુઓની સંખ્યા એનાથી અનંતગુણી અનંત છે; વળી ત્રણ કાળના સમયોની સંખ્યા એનાથીય અનંતગુણી છે, ને ત્રણ કાળના સમયોની સંખ્યાથી એક આકાશ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા અનંત છે. આ લોકાલોકમાં વ્યાપ્ત આકાશ નામનો એક અરૂપી મહાપદાર્થ છે. તેનો દશેય દિશામાં કયાંય અંત નથી. જો આકાશનો અંત હોય તો પછી શું? પછી પણ આકાશ... આકાશ... આકાશ... એમ જ આવે. જુઓ, ચૌદ બ્રહ્માંડમાં આ લોક છે, ને બાકીના ભાગમાં દશે દિશામાં સર્વત્ર અનંત... અનંત વિસ્તરેલો અલોક-આકાશ છે. અહાહા...! આ આકાશ નામના પદાર્થના ત્રણકાળના સમયોથી અનંતગુણા અનંતા પ્રદેશ છે. અને તેના કરતાં અનંતગુણી અધિક એક જીવદ્રવ્યમાં શક્તિઓ છે. ઓહો! આવડો મોટો ભગવાન આત્મા એક ચૈતન્ય મહાપદાર્થ છે. સમજાય છે કાંઈ...?
હા, તો તે જણાતો કેમ નથી? અરે ભાઈ! તે ઇન્દ્રિયગમ્ય પદાર્થ નથી, તે સ્વાનુભવગમ્ય અતીન્દ્રિય મહાપદાર્થ છે. ઉપયોગને અંતર્મુખ કરવાથી જ જણાય એવો સૂક્ષ્મ પદાર્થ છે. કહ્યું છે ને કે-
તેમ, મિથ્યાભાવની ઓથે આતમ રે, આતમ કોઈ દેખે નહિ.
ભાઈ! તારે એ ચૈતન્ય મહાપદાર્થ દેખવો હોય તો ઇન્દ્રિય અને રાગથી પાર અંદર તારી વસ્તુ છે ત્યાં ઉપયોગને લગાવી દે; બાકી બહારમાં ફાંફાં માર્યે એ નહિ જણાય.
ભાઈ! સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર જગતને દિવ્યધ્વનિ દ્વારા આ વાત કહી છે. અહાહા...! ભગવાનને ઈચ્છા વિના જ ૐધ્વનિ નીકળે છે. તે ૐધ્વનિમાં આ આવ્યું છે કે-પ્રભુ! તું એક અનંત શક્તિવંત દ્રવ્ય-વસ્તુ છો. તારામાં જીવત્વ, ચિતિ, દ્રશિ, જ્ઞાન, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત શક્તિઓ ભરી છે. અહાહા...! પ્રત્યેક આત્મામાં અનંત શક્તિઓ-ગુણો છે. તે બધા ગુણો અક્રમ એટલે એકસાથે છે, અને તે ગુણોનું જે પરિણમન થાય છે તે ક્રમે થાય છે.
જેમ સાકરમાં સફેદાઈ, ચીકાશ, મીઠાશ એકસાથે છે, તેમ આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિઓ-ગુણો અક્રમે-એકસાથે છે, અને તેની પર્યાયો થાય તે ક્રમવર્તી છે. એક સમયમાં એક ગુણની એક પર્યાય એમ અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાયો થાય છે. તે બધી પર્યાયો ક્રમથી સમયે સમયે પ્રગટ થાય છે.
આ સાંકળી આવે છે ને? સાંકળી જેમ અનેક કડીઓનો સમૂહ છે, તેમ આત્મા અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે. પ્રદેશ એટલે શું? કે એક પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે તેને એક પ્રદેશ કહે છે. આત્મામાં આવા અસંખ્ય પ્રદેશો છે, અને તે અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં સર્વત્ર જ્ઞાનાદિ અનંતગુણો વ્યાપીને રહેલા છે. તે અનંત ગુણોને સમયે સમયે પર્યાયો થાય છે. પર્યાયો પલટે છે, ને દ્રવ્ય-ગુણ કૂટસ્થ છે. કેમકે ક્રમથી વર્તે છે માટે પર્યાયો ક્રમવર્તી છે, ને એકસાથે રહેવાવાળા ગુણો અક્રમવર્તી છે. આમ અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયોનો સમૂહ તે આત્મદ્રવ્ય છે. આવી વાત વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે કયાંય નથી. ભાઈ! જરા વાતને ન્યાયથી મેળવી જો. આ લૌકિક ન્યાયની વાત નહીં, અહીં તો જ્ઞાનસ્વરૂપ વસ્તુ પોતાની જેવી છે તેવી જાણવા પ્રતિ જ્ઞાનને દોરી જવું તે ન્યાય છે. ભાઈ! તારી ચીજ અંદર કેવી છે તેને કદી તેં જાણી નથી; તો હવે તેનો નિર્ણય કર.
અરે! આવું મનુષ્યપણું મળ્યું, જૈનકુળમાં જન્મ થયો અને પોતાના ચૈતન્યમહાપદાર્થને ન જાણ્યો તો ભવનો અંત કયારે આવશે? અરે ભાઈ! પોતાની વસ્તુની મહત્તાની કિંમત કર્યા વિના, પર ચીજની ને રાગની કિંમત- મહિમા કરી કરીને તું અનંતકાળથી ચાર ગતિમાં રઝળી મર્યો છો. તો હવે તો નિજ ચૈતન્યવસ્તુનો નિર્ણય કર; હમણાં નહિ કરે તો કયારે કરીશ? (એમ કે પછી અવસર નહિ હોય.)
અહા! જળમાં જેમ તરંગ ઊઠે છે તેમ દ્રવ્યમાંથી પર્યાય દ્રવે છે. ‘द्रवति इति द्रव्यम्’ દ્રવે છે તે દ્રવ્ય છે. અહાહા...! પર્યાય અંદર દ્રવ્યમાંથી દ્રવે છે. હવે આવો વીતરાગ પરમેશ્વરનો માર્ગ લોકોએ કદી સાંભળ્યો નથી. ‘ણમો અરિહંતાણં’ -એમ રોજ જાપ કરે પણ અરિહંત પરમાત્મા કેવી રીતે થયા ને તેમનું કહેલું તત્ત્વ શું ચીજ છે તે જાણવાની દરકારેય ના કરે તેને માર્ગ કયાંથી મળે? અહા! તેને અંતરમાં જૈનપણું કયાંથી પ્રગટ થાય? ભાઈ! જૈન કોઈ સંપ્રદાય નથી. અંતરમાં અનંતગુણનો પિંડ અભેદ એક ચૈતન્યવસ્તુ જેવી છે તેવી અંતરમાં-અંતર્મુખ ઉપયોગમાં- દેખતાં-જાણતાં મિથ્યાભાવનો નાશ થાય છે. ને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે; તેને જૈન કહેવામાં આવે છે. આ સિવાય જૈન કોઈ વસ્તુ નથી. સમજાણું કાંઈ...?
આ શરીર, મન, વાણી, કર્મ એ તો ધૂળ-માટી જડ-અજીવ છે. ને અંદર પુણ્ય-પાપના ભાવ થાય છે તે ય પરમાર્થે