જ્ઞાન પ્રગટ થયું તો એમાં સ્વદ્રવ્ય (અનંતગુણનો પિંડ) અને જ્ઞાનક્રિયાનું (જેમાં અનંતગુણની નિર્મળ પર્યાયો સમાઈ જાય છે તે) નિર્વિકલ્પ પ્રમાણજ્ઞાન એકસાથે પ્રગટ થઈ ગયું. માટે અહીં કહ્યું કે-જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ ઊછળે છે.
અહીં ‘અનંત શક્તિઓ ઊછળે છે’-એમ કહીને જ્ઞાન સાથે ભેગું અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન આચાર્યદેવે સિદ્ધ કર્યું છે. સૂક્ષ્મ વાત છે ભાઈ! વસ્તુ-દ્રવ્ય જ અનંતગુણસ્વરૂપ છે; તેથી દ્રવ્યનું (નિર્મળ) પરિણમન સિદ્ધ થતાં જ બધા ગુણો નિર્મળ પરિણમી જાય છે. અહાહા...! અનંતગુણમંડિત અભેદ એકાકાર દ્રવ્યને લક્ષમાં લઈને જ્યાં સાધક જીવ પરિણમ્યો ત્યાં તે પરિણમનમાં ભેગી અનંતી શક્તિઓ નિર્મળ ઊછળવા લાગે છે. અહાહા...! જ્ઞાનાદિ અનંત શક્તિઓ આત્મામાં અભેદ-તન્મય થઈને પરિણમી તેને જ અહીં ‘જ્ઞાનમાત્ર ભાવ’ કહ્યો છે. સમજાણું કાંઈ...?
આત્માના અનંતગુણમાં લક્ષણભેદ ભલે હો, પણ ક્ષેત્રભેદ નથી, ને પરિણમનનો કાળભેદ પણ નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં એકીસાથે જ અનંત ગુણ વ્યાપીને રહ્યા છે. તેથી આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન સાથે જ રહેલું છે. અહાહા...! આત્માના પરિણમનમાં અનંત ગુણ-શક્તિઓ એકીસાથે જ નિર્મળપણે ઊછળે છે-પરિણમે છે. ગુણોના પરિણમનમાં (સાધકને) હીનાધિકતારૂપ તારતમ્યતા છે એ વાત અહીં નથી લેવી. શું કીધું? ક્ષાયિક સમ્યક્ત્વનું પરિણમન હોય છતાં ચારિત્રની નિર્મળતા પૂર્ણ ન હોય-એ ગુણભેદ અહીં મુખ્ય નથી. અહીં તો અભેદ દ્રવ્ય પરિણમતાં બધા ગુણ નિર્મળ પરિણમે છે-એમ અભેદની મુખ્યતાથી વાત છે. જુઓ, અહીં પરિણમન શબ્દે નિર્મળ પરિણમનની વાત છે; વિકારના પરિણમનને તો અહીં શક્તિના પરિણમનમાં ગણ્યું નથી, કેમકે વિકાર આત્મા નથી, અહીં તો દ્રવ્ય-ગુણ ને તેની નિર્મણ પરિણતિ-એ ત્રણને અભેદ કરીને તેને જ આત્મા ગણ્યો છે. વિકારને તો જ્ઞાનલક્ષણના બળે આત્માથી ભિન્ન જ કરી દીધો છે. સમજાય છે કાંઈ...?
ક્ષાયિક સમકિત થતાં જ સાધકને બધા જ ગુણ એકસાથે પૂરણ ખીલી જાય છે એમ તો નથી, એટલે (કથંચિત્) ગુણભેદ છે, પરંતુ અહીં એ મુખ્ય નથી, ગૌણ છે. અહીં તો વસ્તુપણે બધાય ગુણ અભેદ છે, તેથી દ્રવ્ય અભેદ પરિણમતાં સાથે બધા જ ગુણોનો અંશ એકસાથે ઊઘડી જાય છે. એક ગુણ નિર્મળ પરિણમે અને બીજા ગુણ સર્વથા મલિન રહે, અંશે પણ નિર્મળ ન થાય એમ બનતું નથી. લ્યો, જ્ઞાનમાત્ર ભાવની અંતઃપાતિની અનંત શક્તિઓ ઊછળે છે એનો આ આશય છે, આ અર્થ છે-કે દ્રવ્ય અભેદ પરિણમતાં સર્વ અનંત શક્તિઓ નિર્મળ પરિણમી જાય છે. નિર્મળતામાં હીનાધિકતાના ભેદ પડે એ અહીં મુખ્ય નથી. આવી વાત છે. પણ અરેરે! એણે કદી સ્વસન્મુખતા કરી નથી; જ્યાં પોતાનો ભગવાન-નિર્મળાનંદનો નાથ પ્રભુ-વિરાજે છે ત્યાં નજર કરી નથી! બહારમાં ને બહારમાં એ પોતાને પામર માનીને રોકાઈ ગયો છે.
જુઓ, આ રીતે અહીં ‘જ્ઞાનમાત્ર આત્મા’ કહીને--પરદ્રવ્યથી અને વિકારથી ભેદજ્ઞાન કરાવ્યું. -જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા આત્માની પ્રસિદ્ધિની સિદ્ધિ કરી, અને -એ જ્ઞાનમાત્ર ભાવમાં અનંતી શક્તિઓ ભેગી જ ઊછળે છે એમ સિદ્ધ કર્યું. હવે આચાર્યદેવ આત્માની અનંત શક્તિઓમાંથી કેટલીક (૪૭) શક્તિઓનું વર્ણન કરે છે. કેટલીક કેમ કીધી? કેમકે છદ્મસ્થ જીવ સામાન્યપણે આત્મામાં અનંતશક્તિઓ છે એમ તો જાણે, પણ વિશેષપણે ભિન્ન ભિન્ન અનંતી શક્તિઓને ન જાણી શકે; વળી વાણી દ્વારા અનંતી શક્તિઓનું કથન પણ શકય ન બને; વાણીમાં તો અમુક જ આવે. તેથી અહીં ખાસ પ્રયોજનપૂર્વક ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે.
‘આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપછે એવી જીવત્વશક્તિ (આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્રભાવરૂપી ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે એવી જીવત્વ નામની શક્તિ) જ્ઞાનમાત્ર ભાવમાં-આત્મામાં ઉછળે છે’)
અહાહા...! આત્મા શક્તિઓનો સાગર પ્રભુ એક ચૈતન્યમહાપદાર્થ છે. તેમાં અનંત શક્તિઓ એટલે ગુણો છે. અહાહા...! શક્તિવાન આત્મા એક દ્રવ્ય છે, ને તેમાં અનંત શક્તિઓ છે. શું કીધું? ભગવાન આત્મા એક વસ્તુ છે ને તેમાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. કેટલી? અનંત... અનંત... અનંત!