૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ જ કારણ ને કાર્ય છે. કારણ-કાર્યના ભેદ પાડીએ એ તો ખરેખર વ્યવહાર છે, કહેવામાત્ર છે. અહાહા...! દ્રવ્ય સત્, પ્રત્યેક ગુણ સત્ ને પ્રતિ સમય પ્રગટ થતી પર્યાય પણ પોતાના સ્વરૂપથી સત્ છે, (અહીંયા અતદ્ભાવરૂપ ભિન્નતાની વાત છે) ઓહો! આમ મોક્ષમાર્ગની પર્યાય સ્વતંત્ર ને મોક્ષની પર્યાય પણ સ્વતંત્ર છે. આમાં તો એકલો નિરપેક્ષ વીતરાગભાવ જ સિદ્ધ થાય છે. આમ કેમ? એવા વિકલ્પને અવકાશ જ નથી, એકલું જ્ઞાતાપણું સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ...? અહાહા...! આવો આત્મા અનંત ધર્મોના સમુદાયરૂપ એક ધર્મી છે.
અહાહા...! બટાટાની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે; ને તે દરેક શરીરમાં અનંતા જીવ છે. તે બધા જીવ-પ્રત્યેક જુદે જુદો સ્વતંત્ર છે. અહાહા...! તે પ્રત્યેક જીવ અનંત શક્તિઓનો એક પિંડ છે. તે શક્તિઓ, અહીં કહે છે, પરસ્પર ભિન્ન છે; અને તે પ્રત્યેક શક્તિની ક્રમે થતી પર્યાયો પરસ્પર ભિન્ન ને સ્વતંત્ર છે; વળી એકેક પર્યાયમાં અનંત અવિભાગપ્રતિચ્છેદ અંશો છે, તેમાંનો એક અંશ બીજા અંશરૂપ નથી. અહો! આવું અલૌકિક સ્વતંત્રતાને પ્રસિદ્ધ કરનારું વસ્તુદર્શન તે જૈનદર્શન છે; એમાં બધુંય અનેકાન્તસ્વરૂપ છે. ‘સ્વપણે છે ને પરપણે નથી’ એવું દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં ને એકેક અવિભાગપ્રતિચ્છેદમાં પણ અનેકાન્ત છે. અહાહા...! આવી અનેકાન્તમય મૂર્તિ પ્રભુ આત્મા છે. ‘પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મો’-એમ કહીને અનેકપણું સિદ્ધ કર્યું; ને ‘અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞપ્તિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી આત્માને જ્ઞાનમાત્રપણું છે.’ -એમ કહીને એક જ્ઞાનમાત્ર ભાવમાં અનંતધર્મોને અભેદ કરી સમાવી દીધા. અહો! આ અલૌકિક વાત છે.
અહાહા...! હું જ્ઞાનલક્ષણથી લક્ષિત અનંત ગુણોનો પિંડ એવો એક જ્ઞાનમાત્ર આત્મા છું એમ જ્યાં નિર્વિકલ્પ દૃષ્ટિ થાય છે ત્યાં જાણનક્રિયામાત્ર-એક જ્ઞપ્તિક્રિયામાત્ર ભાવ પ્રગટ થાય છે. અહાહા...! એમાં જ્ઞાનની સાથે બીજા બધા જ અનંત ગુણની નિર્મળ પરિણતિ એક સાથે જ ઉત્પન્ન થાય છે, અહાહા...! એ બધાનું પરિણમન એક જ્ઞપ્તિમાત્ર ભાવમાં સાથે જ છે અને તે આત્મા જ છે. સમજાણું કાંઈ...? એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય થવા છતાં એ બધું એક જ્ઞપ્તિમાત્ર ભાવમાં સમાઈ જાય છે. અનંતી પર્યાય જ્ઞેયપણે હોવા છતાં એ બધુ એક જ્ઞપ્તિમાત્ર ભાવમાં અભેદરૂપ છે, ભિન્ન નથી. અહાહા...! જાણવાની એક પર્યાયમાં બધા જ ગુણો ને પર્યાયોનું જ્ઞાન અભેદપણે સમાઈ જાય છે અને તે રૂપે પોતે જ થતો હોવાથી આત્માને જ્ઞાનમાત્રપણું છે. સમજાણું કાંઈ...?
અહાહા...! અંદર નજર કરતાં જ ન્યાલ કરી દે એવો ચૈતન્યમહાપ્રભુ આત્મા છે. અહાહા...! જેમાં પરસ્પર ભિન્ન અનંતધર્મો છે એવા અભેદ આત્માને લક્ષ કરીને જ્યાં જ્ઞાન પરિણમ્યું, ત્યાં તે જ્ઞપ્તિમાત્ર ભાવની સાથે અનંતગુણનું પરિણમન ભેગું જ પ્રગટ થાય છે. અહાહા...! અનંતધર્મથી એકમેક એવું તે જ્ઞાન રાગથી જુદું છે. અહા! આવી જ્ઞપ્તિક્રિયા તે આત્માની નિર્વિકારી ધર્મક્રિયા છે. અહા! આવી અંતરની વાત! ભગવાનની વાણી બહુ ગંભીર બાપુ! એના એક-એક શબ્દે અમૃતની ધારા વહે છે. કોઈને થાય કે શું આવો ધર્મ! હા, ભાઈ! આ ધર્મનું મૂળ રહસ્ય છે. આના વિના બધું જ થોથાં છે, કાંઈ કામનું નથી.
જુઓ, દામનગરમાં એક શેઠ હતા. એમનો ગામ આખામાં ભારે પ્રભાવ. આખા ગામમાં કોઈ એમનું વચન ઉથાપે-ઓળંગે નહિ. કોઈની પણ તકરાર હોય તો પોતે વચ્ચે પડે ને સમાધાન થઈ જ જાય. હવે જ્યારે એના મરણનો સમય આવી લાગ્યો તો લોકો બહુ ખબર કાઢવા આવે. ગામના બીજા શેઠિયાઓ પણ એને મળવા-ખબર અંતર પૂછવા-આવે; ત્યારે આંખમાં ચોધાર આંસુ લાવી તે કહે-અરેરે! આ ગામ આખાની પંચાતમાં પડીને મેં મારું (મારા આત્માનું) કાંઈ જ ન કર્યું; જિંદગી આખી એમ ને એમ ગામની પંચાતમાં જ પૂરી થઈ ગઈ. ભાઈ! આમ ને આમ (વિષય-કષાયમાં) જિંદગી ચાલી જાય છે. જરા જો તો ખરો; વિચાર તો કર કે તું કોણ છો? ને તું શું કરે છો? ભાઈ! અંતર્મુખ દ્રષ્ટિ કર્યા વિના-ભેદજ્ઞાનની દ્રષ્ટિ વિના-તારાં જન્મ-મરણનાં દુઃખ નહિ મટે. વાદિરાજ મુનિરાજ કહે છે-ભૂતકાળનાં દુઃખોને હું યાદ કરું છું તો અંદરમાં વજ્રાઘાત સમાન ઘા વાગે છે; એમ કે આવાં અસહ્ય દુઃખો કેવી રીતે વેઠયાં હશે? ભાઈ! તારે આવાં તીવ્ર ઘોરાતિઘોર દુઃખોથી બચવું હોય તો એનો અહીં આચાર્ય ભગવાન ઉપાય બતાવે છે; તો સાવધાન થા.
કહે છે-‘માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની અનંત શક્તિઓ ઊછળે છે.’ અહાહા...! શું કીધું આ? કે જાણન... જાણન... જાણન એવું જે જ્ઞાનલક્ષણ એ વડે અંતર્મુખપણે જ્યાં લક્ષ્યને (ચૈતન્યમહાપ્રભુ આત્માને) પકડયું ત્યાં સમ્યગ્જ્ઞાનની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ એમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ અનંત ગુણની પર્યાય અંતઃપાતિની એટલે અંદર સમાઈ જાય છે. અહા! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ સ્વદ્રવ્યને પકડીને જ્યાં