ભાઈ! જ્યાં સુધી એકલા ભેદ ઉપર જ દૃષ્ટિ છે ત્યાં સુધી તે નિરર્થક-નકામો જ છે, કેમકે ભેદદૃષ્ટિમાં તો વિકલ્પની-રાગની જ પ્રસિદ્ધિ થાય છે, આત્માની નહિ. પણ જ્યાં ભેદને ગૌણ કરી, ભેદથી હઠી જ્ઞાન અભેદમાં ઢળે ત્યાં આત્મપ્રસિદ્ધિ થાય છે, અને ત્યારે ભેદને વ્યવહારથી સાધન કહેવાય છે. આવી વાત છે. ભેદરૂપ વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહાર નામ ત્યારે જ પામે છે જ્યારે અભેદની સિદ્ધિ થાય છે; અન્યથા તે નિરર્થક-નકામો જ છે. સમજાણું કાંઈ...?
લ્યો, આ કારણે અહીં આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે. અહો! આવી વાણી સર્વજ્ઞદેવ અને સર્વજ્ઞના કેડાયતી સંતો સિવાય બીજે કયાંય નથી. ‘પ્રશ્નઃ– જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે?’ જુઓ, શિષ્ય ફરી પૂછે છે કે-પ્રભો! ભગવાન આત્માએ અક્રમરૂપ અનંત ગુણો અને ક્રમે પ્રવર્તતી તેની અનંત પર્યાયો ધારી રાખી છે, છતાં એવા આત્માને આપ જ્ઞાનમાત્ર કઈ રીતે કહો છો? પ્રશ્ન સમજાય છે? ભગવાન આચાર્યદેવે આત્મા જ્ઞાનમાત્ર છે એમ જોર આપીને કહ્યું તો શિષ્ય આશંકા કરી પૂછે છે-પ્રભુ! આત્મા એકલો જ્ઞાનમાત્ર તો નથી; એમાં તો અનંતી નિર્મળ પર્યાયો ક્રમસર થાય છે, અને અનંતા ગુણો એકસાથે રહેલા છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંતા ગુણ અને ક્રમે પ્રવર્તતી અનંતી નિર્મળ પર્યાયો કેવી રીતે સમાય છે? અહીં આત્મા જ્ઞાતા-દ્રષ્ટા અર્થાત્ દેખવા-જાણવાપણે છે એમ લેવું છે; એટલે શુભાશુભ વિકારની અહીં વાત લેવી નથી, કેમકે શુભાશુભ ભાવ એ આત્માની ચીજ નથી. સમજાણું કાંઈ...?
‘ઉત્તરઃ– પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞપ્તિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (અર્થાત્ પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણમેલી જે એક જાણનક્રિયા તે જાણનક્રિયામાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી) આત્માને જ્ઞાનમાત્રપણું છે. માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની (જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત્ જ્ઞાનમાત્ર એક ભાવની અંદર આવી જતી) અનંત શક્તિઓ ઊછળે છે. (આત્માના જેટલા ધર્મો છે તે બધાયને, લક્ષણભેદે ભેદ હોવા છતાં, પ્રદેશભેદ નથી; આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાં-જ્ઞાનમાત્ર ભાવસ્વરૂપ આત્મામાં-અનંત શક્તિઓ ઊછળે છે.)’
‘પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત.... ,’ જુઓ, આમાં શું કીધું? કે દ્રવ્યમાં જે અનંત ગુણો છે તેઓ પરસ્પર ભિન્ન છે. એટલે શું? કે જેમ આત્મા કદી જડરૂપ ન થાય તેમ આત્માનો એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી. દ્રવ્યભેદ, કે ક્ષેત્રભેદ છે એમ નહિ, પણ પ્રત્યેક ગુણ ભિન્ન ભિન્ન લક્ષણવાળો છે. જેમકે અસ્તિત્વનું લક્ષણ હોવાપણું છે, જ્ઞાનનું લક્ષણ સ્વ-પરને જાણવાપણું છે, આનંદનું લક્ષણ આહ્લાદ છે, સમ્યક્ત્વનું લક્ષણ તત્ત્વની નિર્વિકલ્પ પ્રતીતિ છે, ઇત્યાદિ. એમ તો જ્યાં જ્ઞાન છે ત્યાં જ દર્શન છે ને ત્યાં જ આનંદ ઇત્યાદિ અનંતગુણ છે, તથાપિ એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી. આ રીતે અનંત ગુણો પરસ્પર ભિન્ન છે. અહાહા...! ગુણ અપેક્ષાએ અનંતતા અને દ્રવ્યપણે એકતા-એમ આમાં અનેકાન્ત સિદ્ધ થાય છે. સમજાય છે કાંઈ...?
વળી જેમ દ્રવ્યના અનંત ગુણો પરસ્પર ભિન્ન છે તેમ ગુણોની એકેક સમયની પર્યાયો પણ પરસ્પર ભિન્ન સ્વતંત્ર છે. અનંત ગુણની પર્યાયો બધી એકસાથે છે પણ તેમાં કોઈ એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયરૂપ નથી, તેઓને પરસ્પર એકપણું નથી. વળી એક જ ગુણની ક્રમે પ્રગટ થતી પર્યાયોમાં પણ એક સમયની પર્યાય તેના પૂર્વવર્તી સમયની પર્યાયરૂપ થતી નથી, કે ઉત્તરવર્તી સમયની પર્યાયરૂપ પણ થતી નથી. ઓહો...! દરેક ગુણની સમય-સમયવર્તી એમ અનંત સમયની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે. અહા! આવા ગુણ-પર્યાયરૂપ ધર્મોનો અભેદ પિંડ પ્રભુ આત્મા છે.
અહાહા...! આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણ અને તેની સમયસમયની અનંત પર્યાયો પરસ્પર ભિન્ન ભિન્ન છે. એટલે શું? કે એક ગુણ બીજા ગુણરૂપ નથી. ભલે એક ગુણમાં બીજા ગુણનું રૂપ હો, પણ એક ગુણ બીજા ગુણરૂપ નથી. તેમ એક ગુણની અવસ્થા-પર્યાય બીજા ગુણના કારણે થાય એમ પણ નથી. આ અંદરની વાત છે. અહાહા...! દરેક ગુણની પ્રત્યેક પર્યાયમાં છકારકરૂપ થઈને પરિણમવાનું પોતાનું સ્વતંત્ર વીર્ય છે. પ્રત્યેક પર્યાય પોતે પોતાના સામર્થ્યથી જ પોતાની રચના કરે છે; આવો જ (પર્યાયધર્મ છે. અહાહા...! પર્યાયનું કારણ પરદ્રવ્ય તો નહિ, સ્વદ્રવ્ય-ગુણ પણ નથી.) પર્યાય પોતે જ પોતાનું કારણ છે. સૂક્ષ્મ વાત છે જરી. એક જ સમયે પોતે