૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ઘર નથી. એ બધાં છે ખરાં, પણ એ તારા સ્વરૂપમાં-ઘરમાં નથી. અહા! એ બધાને જાણવાકાળે તારું જ્ઞાન વાસ્તવમાં જ્ઞાનને જ જાણે છે, અને તે જ્ઞાન તારું નિજસ્વરૂપ છે, સ્વલક્ષણ છે. અહા! એ જ્ઞાનલક્ષણને-વર્તમાન જ્ઞાનની દશાને ત્યાં અંદરમાં વાળતાં આનંદનો સાગર જ્ઞાનમૂર્તિ પ્રભુ આત્મા નિર્વિકલ્પપણે (પર્યાયમાં) સિદ્ધ થાય છે-પ્રગટ થાય છે. આને ભગવાન સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન કહે છે. ભાઈ! ભવરોગ મટાડવાનો આ ઉપાય છે; બાકી તો બધાં થોથાં છે.
ભગવાન, તારી પ્રભુતા તો હું ત્યારે માનુ કે મારો ભવરોગ તું દૂર કરે. એ તો કવિ ઈશ્વરને કર્તાપણે સ્વીકારીને વાત કરે છે. અહીં એ વાત નથી. અહીં કહે છે-લક્ષ્ય એવો આત્મા અંદર પોતે જ પ્રભુ છે. અહાહા...! જ્ઞાનલક્ષણ વડે એને અંતર્મુખ થઈ ઓળખતાં એનો ભવરોગ ટળી જાય છે. ભાઈ! અહીં તો પોતાનો પ્રભુ પોતે જ છે. કયાંય બહારમાં ઢૂંઢવાની જરૂર નથી-એમ વાત છે. સમજાણું કાંઈ...? નાટક સમયસારમાં આવે છે કે-મેરો ધની નહિ દૂર દિસંતર, મોહી મૈં હૈ મોહિ સૂઝત ની કૈ।।
અહાહા...! આવો અનંત અનંત પ્રભુતાનો ભરેલો ઈશ્વરસ્વરૂપ ભગવાન આત્મા પ્રસાધ્યમાન છે, અને તે પ્રસિદ્ધ થાય છે. જુઓ, શિષ્યનો પ્રશ્ન હતો ને કે-વસ્તુપણે આપ (લક્ષ્ય-લક્ષણ) એક કહો છો તો એકમાં લક્ષ્ય- લક્ષણના બે ભેદ આપે કેમ કહ્યા? તેનો આ ઉત્તર દીધો કે-જાણવું... જાણવું એવું જ્ઞાનનું જે પ્રગટપણું તે અંતરમાં વળતાં અનંતગુણનો પિંડ ચિદાનંદ ધ્રુવ પ્રભુ પ્રસિદ્ધ થાય છે. આ સમજાવવા માટે જિજ્ઞાસુ પ્રતિ અમે લક્ષ્ય-લક્ષણનો વિભાગ કહ્યો છે; બાકી તો લક્ષણ-જ્ઞાન અને લક્ષ્યઆત્મા એક-અભેદ જ છે; અને બન્નેનું અભેદપણું જ ઈષ્ટ છે. (ભેદ ઇષ્ટ નથી.)
હવે કહે છે-‘માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દૃષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્- અવિનાભૂત અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે.’
જોયું? અહીં ક્રમરૂપ અને અક્રમરૂપ બધુંય લીધું. ક્રમરૂપ તો સમયે સમયે ક્રમથી પ્રગટ થતી નિર્મળ પર્યાયો છે, ને અક્રમરૂપ દ્રવ્યમાં અન્વયપણે સાથે રહેનારા અનંત ગુણો છે. અહાહા...! એ બધાય જ્ઞાનમાત્ર ભાવમાં અભેદપણે સમાઈ જાય છે. અહીં ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો-એમ કહ્યું ત્યાં એ દૃષ્ટિનો વિષય છે એમ નથી લેવું; અહીં તો અંતરમાં જ્ઞાનમાત્ર એક અભેદ વસ્તુ-આત્મામાં જ્યાં અચલિતપણે દૃષ્ટિ સ્થાપિત થઈ ત્યાં ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતો જ્ઞાનથી અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મસમૂહ એવો આત્મા લક્ષિત થાય છે. આ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. અહીં જ્ઞાનથી અવિનાભાવી સંબંધવાળો-એમ કહ્યું ને! મતલબ કે જ્ઞાન સાથે દ્રવ્યને અવિનાભાવી એકપણાનો સંબંધ છે. જ્યાં પર્યાયમાં જ્ઞાન પ્રગટ થાય છે ત્યાં જ્ઞાનની સાથે આત્મામાં અભેદપણે રહેલા અને જ્ઞાનમાં પ્રતિભાસિત થતા અનંતગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. અહીં ક્રમમાં નિર્મળ પર્યાયો લેવી છે, રાગ-વ્યવહાર નહિ, કેમકે રાગ-વ્યવહાર તે આત્મા નથી, તેનો આત્મામાં અભાવ છે. (શક્તિના આ અધિકારમાં વિકારી પર્યાયોને આત્મા ગણી નથી). અહાહા...! લક્ષણભૂત જ્ઞાનની પર્યાય દ્વારા જ્યારે પ્રસાધ્યમાન આત્મા પ્રસિદ્ધ થયો-અનુભવમાં આવ્યો ત્યારે એ ક્રમે પ્રવર્તતી પર્યાયો ને અક્રમે રહેલા ગુણો-એ સહિત આખો આત્મા જ્ઞાનમાં પ્રમેય થાય છે અને આ પ્રમાણજ્ઞાન છે. જ્ઞાનલક્ષણ વડે જ્ઞાનમાત્રને લક્ષમાં લેતાં એકલું જ્ઞાન જુદું લક્ષિત થાય છે એમ નહિ, પણ જ્ઞાન સાથે રહેલા અનંત ધર્મોના સમૂહરૂપ આખું દ્રવ્ય લક્ષિત થાય છે અને તે આત્મા છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
સૂક્ષ્મ વાત છે ભાઈ!છેલ્લે આ પરિશિષ્ટ છે ને! કહેલું કહેવું, નહિ કહેલું પણ કહેવું અને થોડામાં બધું કહેવું એનું નામ પરિશિષ્ટ. એમાં આ શિષ્યનો પ્રશ્ન હતો ને?કે લક્ષ્ય-લક્ષણના આપે બે ભેદ કેમ પાડયા? એને કહે છે કે- વસ્તુપણે બે ભેદ નથી, અર્થાત્ બે વસ્તુ નથી. જ્ઞાનની સાથે દ્રવ્યને એકપણું છે, અવિનાભાવીપણું છે. એટલે કે જ્યાં જ્ઞાન છે ત્યાં (અનંતધર્મમય) આત્મવસ્તુ છે, ને જ્યાં આત્મવસ્તુ છે ત્યાં જ્ઞાન છે; ક્ષેત્રભેદ નથી, કાળભેદ પણ નથી. જ્ઞાન અને આત્મા અર્થાત્ લક્ષણ અને લક્ષ્ય વસ્તુપણે અભેદ-એક છે, એ તો સમજાવવા માટે લક્ષ્ય-લક્ષણનો ભેદ પાડયો છે; બાકી બન્ને એક છે. આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તદ્રૂપ-અભેદ પરિણમ્યું ત્યારે આત્મા લક્ષ્ય થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. બાકી લક્ષ્ય-લક્ષણ એક અભેદ છે અને બન્ને એકસાથે જ પ્રસિદ્ધ થાય છે.
તો ભેદ તો નકામો ઠર્યો?