પદાર્થ હો, પણ તેને જાણવાના કાળે જાણવામાં તો જ્ઞાન જ આવે છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. શું કીધું આ? કે સૌ જીવોને જ્ઞાન પોતાના સ્વસંવેદન અર્થાત્ પોતાના વેદનથી પ્રસિદ્ધ છે. દેહાદિ પદાર્થ છે માટે જ્ઞાન છે એમ નહિ, પણ પોતાના વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે. ઝીણી વાત ભાઈ! આ બધું જાણે છે તે જ્ઞાન આત્માનું છે, માટે તે જ્ઞાનને આત્મા તરફ વાળ; તને આત્મા પ્રસિદ્ધ થશે.
ધીરેથી સમજવું બાપુ! આ તો જૈન કેવળી પરમેશ્વરનો વીતરાગી માર્ગ છે. અરે! ભરતક્ષેત્રમાં ભગવાન કેવળીના વિરહ પડયા, ને અવધિજ્ઞાન ને મનઃપર્યયજ્ઞાનની ઋદ્ધિ રહી નહિ! આવી સત્ય વાત જ્યાં બહાર આવી ત્યાં લોકો સંશયમાં પડી ગયા ને વિવાદ-ઝઘડા ઊભા થયા. પણ ભગવાન! આ તો તારા ઘરની વાત છે; માટે બહારનું લક્ષ મટાડીને જ્યાં પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે ત્યાં જ્ઞાનલક્ષણ વડે લક્ષ કર; તેથી જ્ઞાન-પર્યાય પોતે જ અભેદ સાથે તન્મય થઈ આત્મપ્રસિદ્ધિ કરશે.
અહાહા...! કહે છે-‘તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, તદ્-અવિનાભૂત અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે.’ શું કીધું? કે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તદ્-અવિનાભૂત શ્રદ્ધા, સ્થિરતા, આનંદ, પ્રભુત્વ, સ્વચ્છત્વ, આદિ અનંતધર્મોના સમુદાયરૂપ-પિંડરૂપ અભેદ એક ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પ્રસાધ્યમાન છે. પ્રસિદ્ધ જ્ઞાનલક્ષણ વડે પરદ્રવ્યો ને રાગાદિ જાણવાયોગ્ય છે એમ નહિ, પણ ત્રિકાળી અભેદ અનંતધર્મમય ચિદાનંદ પ્રભુ આત્મા પ્રસાધ્યમાન -સાધવા યોગ્ય છે. આમાં પ્રસિદ્ધ જ્ઞાનનું જ્ઞેય અને ધ્યેય કોને બનાવવું એની વાત છે. જ્ઞાનને અંતર્મુખ વાળીને તદ્- અવિનાભૂત શુદ્ધ આત્માને ધ્યેય બનાવવાની આમાં વાત છે; કેમકે એ રીતે આત્માની પ્રસિદ્ધિ થાય છે અર્થાત્ સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટે છે.
ભાઈ! આ સમજ્યા વિના બહારમાં ગમે તેટલાં વ્રત, આદિ કરે, પણ એનાથી ભવના ફેરા નહિ મટે બાપુ! જન્મ-મરણ નહિ મટે. દેહ-સ્થિતિ પૂરી થતાં જ પરિણામ અનુસાર કયાંય જઈને અવતરશે. અહા! અહીં મોટા કરોડપતિ ને અબજોપતિ શેઠિયા હોય તે મરીને કયાંય (કીડા, મકોડા વગેરેમાં) જઈને અવતરે. કેમ! કેમકે જેમ કોઈ મજુરો આખો દિ’ મજુરી કરે તેમ આ નિરંતર રાગ-દ્વેષ-મોહની-પાપની મજુરી કર્યા કરે છે. પરદ્રવ્યની ક્રિયા તો કોઈ કરી શકતું નથી, પણ આ આખો દિ’ રાગ-દ્વેષ-મોહરૂપ અનેક પ્રકારના વિકલ્પોની મજુરી કર્યા કરે છે. તેઓ મોટા મજુરો છે; ભગવાન આવા જીવોને ‘વરાકાઃ’ એટલે બિચારા કહે છે. સમજાણું કાંઈ...?
અહા! અંતરમાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેને ધ્યેય બનાવ્યા વિના, તેનો આશ્રય કર્યા વિના બધું (જાણપણું) ધૂળ-ધાણી છે; કેમકે જ્ઞાન જે પ્રસિદ્ધ છે તેના વડે પ્રસાધ્યમાન તો એક શુદ્ધ આત્મા છે. શું કીધું? જે દશામાં જાણપણું છે તે જાણવાની દશા પ્રસિદ્ધ છે, કેમકે તે પોતાના વેદનથી સિદ્ધ છે. જ્ઞાન સ્વને જાણે છે, પરને પણ જાણે છે; એને એમાં પરની જરૂર-અપેક્ષા નથી. જ્ઞાન સ્વને જાણે ને જાણવારૂપ પ્રવર્તે, વળી જ્ઞાન પરને પણ જાણે, પણ પરને કરે નહિ ને પરમાં ભળે નહિ. અહાહા...! આવું જ્ઞાન પ્રસિદ્ધ છે, અને એ જ્ઞાન વડે પ્રસાધ્યમાન- સાધવાયોગ્ય અનંતધર્મોના સમુદાયરૂપ એક અભેદ ભગવાન આત્મા છે. અહાહા...! પ્રસિદ્ધ જાણવાની પર્યાય છે એ વડે, અહીં કહે છે, રાગ કે નિમિત્તને પકડવાં નથી, પણ અંતરંગમાં અનંતધર્મનો ધરનારો ધ્રુવધામ નિજધ્યેયરૂપ પ્રભુ આત્મા છે તે એકને પકડવો છે. જાણવાની દશા જે લક્ષણ છે તેના લક્ષરૂપ લક્ષ્ય એક ધ્રુવ ભગવાન આત્મા છે. બસ; આ સિવાય બાહ્ય નિમિત્તો-દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ અન્ય કોઈ એનું લક્ષ્ય નથી. આવી સૂક્ષ્મ અને ગંભીર વાત છે બાપુ!
અરે! અનાદિથી અજ્ઞાની પ્રાણીઓનું લક્ષ સ્વલક્ષ્યને ચૂકીને બહારમાં-દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ નિમિત્તોમાં અને વ્રત-પૂજા-ભક્તિ આદિ રાગમાં જ-નિરંતર રહ્યું છે; અને એટલે જ તેમને આત્માની પ્રસિદ્ધિ કદી થઈ નથી. ભાઈ રે! જેનું જે લક્ષણ છે તે લક્ષણને તેમાં જ ધારી રાખવું તે વસ્તુસ્વરૂપ છે. જ્ઞાનની પર્યાયમાં પરનું જાણવું ભલે થાય, પણ એથી કરીને એ (જ્ઞાન) કાંઈ પરનું લક્ષણ થઈ જતું નથી. જ્ઞાનલક્ષણ તો આત્માનું જ છે. એટલે જાણવાની દશામાં પરનું લક્ષ છોડી દઈને જેનું તે લક્ષણ છે તે ચૈતન્યમૂર્તિ આત્માને જ પકડવો છે. માટે હે ભાઈ! તારી નજર ત્યાં (શુદ્ધ આત્મામાં) કર; તેથી તને સુખ અને શાંતિ પ્રગટશે; બાકી બહારમાં-નિમિત્તોમાં ઝાવાં નાખ્યે (સંસાર સિવાય) કાંઈ મળે એવું નથી. સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન! તું કોણ છો? અંતરંગમાં આનંદનો ભંડાર સચ્ચિદાનંદમય આત્મા છો ને પ્રભુ! અને એ સદા જ્ઞાનસ્વરૂપ જ છે; રાગરૂપે કે સંસારરૂપે એ કદીય થયો નથી. તારું ઘર જ એ છે, રાગ કે નિમિત્ત એ કોઈ તારું