૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
‘પ્રશ્નઃ– કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી (-જ્ઞાનથી) ભિન્ન પ્રસિદ્ધ થાય છે?’ જુઓ, અંદર નજદીક આવેલો શિષ્ય આ પૂછે છે કે-પ્રભો! જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે એમ આપ કહો છો તો એવું કયું ભિન્ન લક્ષ્ય છે જે જ્ઞાનલક્ષણ વડે પ્રસિદ્ધ થાય છે? અર્થાત્ આપ જ્ઞાનલક્ષણથી ઓળખાવવા માગો છો તે લક્ષ્ય-ચીજ શું જ્ઞાનથી જુદી છે? શું જ્ઞાનની પ્રસિદ્ધિ ને આત્માની પ્રસિદ્ધિ બે જુદી જુદી ચીજ છે? જુઓ, શિષ્યને લક્ષ્ય-લક્ષણનો ભેદ પોસાતો નથી તેથી આ પ્રશ્ન ઉઠયો છે. (સ્વાનુભવની જ અભિલાષા છે ને!)
‘ઉત્તરઃ– જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે.’ જુઓ, ગુરુ કહે છે-સાંભળ ભાઈ! જ્ઞાનલક્ષણથી જુદું-ભિન્ન કોઈ લક્ષ્ય નથી. એ તો લક્ષણ લક્ષ્યને બતાવે છે તેથી અજ્ઞાનીને લક્ષ્ય ઓળખાવવા ભેદથી વાત કરી છે, પણ કાંઈ જ્ઞાન ને આત્મા ભિન્ન ચીજ છે એમ નથી, કેમકે જ્ઞાન ને આત્માને દ્રવ્યપણે અભેદ છે. અર્થાત્ આત્મા જ્ઞાનસ્વભાવમય જ છે.
અહીં જ્ઞાન એટલે પરનું ને શાસ્ત્રનું જ્ઞાન એમ વાત નથી. અહીં તો રાગથી ભિન્ન પડેલું અંતરમાં વળેલું અંતર્મુખાકાર જ્ઞાન તે લક્ષણ લક્ષ્યથી ભિન્ન નથી, અભેદ છે-એની વાત છે. જેમ સાકર મીઠી છે એમ કહીએ ત્યાં સાકરથી મીઠાશ કોઈ જુદી ચીજ નથી, તેમ જાનન... જાનન... જાનન સ્વભાવ અને આત્મા એકમેક છે. જેમ રાગ ને આત્મા જુદી ચીજ છે તેમ જ્ઞાન ને આત્મા જુદી ચીજ નથી. ભલે જ્ઞાન એક ગુણ છે, ને આત્મા અનંતગુણમય ગુણી છે, છતાં જ્ઞાન ને આત્મા વસ્તુપણે અભેદ છે. તેથી જે જ્ઞાનની પ્રસિદ્ધિ છે તે જ આત્માની પ્રસિદ્ધિ છે. આ રીતે લક્ષ્ય-લક્ષણની સિદ્ધિ એક સાથે જ છે અને એકવસ્તુમય છે. અહાહા...! જ્ઞાનની પર્યાય જ્યાં દ્રવ્ય સાથે અભેદ તન્મય થઈ ત્યાં આત્મા-દ્રવ્ય પ્રસિદ્ધ થયું, માટે જ્ઞાનલક્ષણથી જુદું કોઈ લક્ષ્ય નથી, બન્ને એકમેક છે ને એક સાથે જ પ્રસિદ્ધ થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...!
હવે આ રહસ્ય પામ્યા વિના એ શાસ્ત્ર ભણી-ભણીને અનંતવાર અગિયાર અંગનો પાઠી થયો, ને દેવ- ગુરુ-શાસ્ત્રની પણ બહારમાં અનંતવાર શ્રદ્ધા કરી તથા અનંતવાર બાહ્ય વ્રતાદિ ધારણ કર્યાં, પણ એથી શું? એ કોઈ આત્માનું લક્ષણ નથી, એનાથી આત્માની પ્રસિદ્ધિ સંભવિત નથી. અહા! ગજબ વાત કરી છે આ. આમાં તો બાર અંગનું રહસ્ય ખુલ્લું મૂકયું છે.
‘પ્રશ્નઃ– તો પછી લક્ષણ અને લક્ષ્યનો વિભાગ શા માટે કરવામાં આવ્યો?’ જુઓ, શિષ્ય પૂછે છે કે-ભગવન્! આપ કહો છો કે જ્ઞાન અને આત્મા દ્રવ્યપણે ત્રિકાળ અભેદ-એકમેક છે, તો પછી લક્ષણ અને લક્ષ્યપણે તેમનો ભેદ શા માટે કરવામાં આવ્યો? બે એક છે તો વિભાગ શા માટે?
‘ઉત્તરઃ– પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે (અર્થાત્ જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદનરૂપ અનુભવમાં આવે છે); તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, તદ્-અવિનાભૂત (-જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા) અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે. (જ્ઞાન પ્રસિદ્ધ છે; અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાયસ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે.) માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દૃષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્-અવિનાભૂત (-જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો) અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે.
આ કારણે જ અહીં આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે.’ જુઓ, શ્રીગુરુ આ ઉત્તર કહે છેઃ- ‘પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે.’ જ્ઞાન છે તે પ્રસિદ્ધ છે. હું આ જાણું છું ને તે જાણું છું એમ સૌ કહે છે ને! મતલબ કે અજ્ઞાનમાં પણ જાણવું તો છે. કોઈ કહે કે-હું નથી; તો એને પૂછીએ કે ‘હું નથી’-એવો નિર્ણય કોની સત્તામાં કર્યો? જ્ઞાનની સત્તામાં એ નિર્ણય કર્યો છે. તેથી જ્ઞાન જેનું સત્ત્વ છે તે હું છું એમ તેમાં સિદ્ધ થઈ જાય છે. આમ આ જ્ઞાન છે તે હું છું એમ નિર્ણય કરતાં જ્ઞાનનું લક્ષ સ્વ-આત્મા તરફ જાય છે અને ત્યારે સ્વાનુભવમાં આત્મા પ્રસિદ્ધ થાય છે.
જ્ઞાન પ્રસિદ્ધ છે. જે સત્તામાં આ દેહ છે, વાણી છે, રાગ છે, ઈત્યાદિ જણાય છે તે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તે આત્માનું જ્ઞાન છે. દેહાદિનું જ્ઞાન કહીએ એ તો વ્યવહાર છે, વાસ્તવમાં દેહાદિને જાણવાના કાળમાં જ્ઞાન જ જણાય છે. દેહાદિ