છું-એમ જણાય છે. આમ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવ્યો છે. જ્ઞાન ગુણથી અહીં વાત કરી તેમાં જ્ઞાનગુણ તો ત્રિકાળ છે, તેથી તે કાંઈ આત્માને પકડતો નથી, પરંતુ તેની અંતર્મુખાકાર વર્તમાન પ્રગટ દશા ભગવાન આત્માને પકડે છે. તેથી, કહે છે, આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે. સમજાણું કાંઈ...?
હવે આમ છે ત્યાં રાગથી-વ્યવહારથી આત્મા જણાય એ વાત કયાં રહી પ્રભુ! રાગ તો જડસ્વભાવ છે; એ શું જાણે! કાંઈ જ ન જાણે. માટે રાગ આત્માનું લક્ષણ નથી. ભાઈ! વ્યવહાર રત્નત્રયના રાગમાં આત્માને જાણવાનું ઓળખવાનું સામર્થ્ય નથી. સમજાણું કાંઈ...?
હવે આત્મા લક્ષ્ય છે, ને જ્ઞાન તેનું લક્ષણ છે-એમ લક્ષમાં લીધા પછી હવે શિષ્ય પૂછે છેઃ- ‘પ્રશ્નઃ– એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ્ય જ પ્રસાધ્ય અર્થાત્ પ્રસિદ્ધ કરવાયોગ્ય છે. (માટે લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના માત્ર લક્ષ્યને જ-આત્માને જ-પ્રસિદ્ધ કેમ કરતા નથી?)’
જુઓ, શિષ્ય શું કહે છે? કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા-એમ લક્ષણ-લક્ષ્યનો ભેદ પાડવાથી શું પ્રયોજન છે? એમ કે ભેદથી શું સાધ્ય છે? એક લક્ષ્ય નામ આત્મા જ પ્રસાધ્ય અર્થાત્ પ્રસિદ્ધ કરવાયોગ્ય છે. માટે એક આત્માને જ સીધો પ્રસિદ્ધ કરાવી દો ને. અંતે તો અભેદ એક આત્મા જ સાધ્ય છે. તો સીધો તેને જ સિદ્ધ કરાવી દો ને; વચ્ચે ભેદ શા માટે લાવો છો? લ્યો, આવો પ્રશ્ન! હવે તેનો ઉત્તર કહે છેઃ-
‘ઉત્તરઃ– જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને (અર્થાત્ જે લક્ષણને જાણતો નથી એવા અજ્ઞાની જનને) લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. (માટે અજ્ઞાનીને પહેલાં લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષ્યને ગ્રહણ કરી શકે છે.)’
જુઓ, શું કીધું? કે જેને જ્ઞાનલક્ષણ વડે લક્ષ્યનું લક્ષ અને ભાન થયું છે તેને (-જ્ઞાનીને) લક્ષ્ય-લક્ષણના ભેદથી પ્રયોજન નથી એ તો બરાબર; પણ જેને લક્ષ્યની-આત્માની ખબર જ નથી તેને યથાર્થ લક્ષણ વડે લક્ષ્ય ઓળખાવવો જરૂરી છે, કેમકે લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. અજ્ઞાનીને લક્ષણ અપ્રસિદ્ધ છે. તે દેહને ને રાગાદિને આત્મા માને છે. દેહ તે હું આત્મા, વા રાગ તે હું આત્મા એમ અજ્ઞાની માને છે. તેને કહીએ કે ભાઈ! જે લક્ષ્યમાં ત્રિકાળ રહે અને લક્ષ્યને પરિપૂર્ણ ઓળખાવે તે લક્ષણ છે. જ્ઞાન છે તે જ તારું લક્ષણ છે, કેમકે આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ છે ને જ્ઞાન વડે ઓળખાય છે. જ્ઞાનને અંતર્મુખ કરી આત્મવસ્તુથી એકમેક થતાં આત્મા ઓળખાય છે, પ્રસિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્ઞાનલક્ષણની પ્રસિદ્ધિ દ્વારા આત્મા જે લક્ષ્ય છે તેની પ્રસિદ્ધિ થાય છે.
જુઓ, આ લક્ષ્ય-લક્ષણનો ભેદ કીધો તે ભેદમાં અટકવા માટે નહિ, પણ અભેદ આત્માનું લક્ષ કરાવવા માટે છે. ભેદને ગૌણ કરી જે અભેદનું લક્ષ કરે છે તેને ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે, અને ત્યારે લક્ષ્ય-લક્ષણનો ભેદ તે વ્યવહાર કહેવાય છે. ભેદમાં (-વ્યવહારમાં) અટકી રહે તેને આત્મ પ્રસિદ્ધિ થતી નથી, અને અભેદ સમજતાં વચ્ચે લક્ષ્ય-લક્ષણનો ભેદ આવે છે તેને જાણે નહિ તેનેય આત્મ પ્રસિદ્ધિ થતી નથી, કેમકે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. સમજાણું કાંઈ...?
કોઈ અજ્ઞાનીઓ કહે છે-એકલું જ્ઞાન-જ્ઞાન શું કરો છો? અમે જે આ પુણ્યની ને દેહની ક્રિયા કરીએ છીએ તે સાધન છે, તે વડે આત્મા ઓળખાય જશે. તેને અહીં કહે છે-મૂઢ છો કે શું? દેહની ક્રિયા કે પુણ્યની ક્રિયા તે આત્માને ઓળખવાનાં સાધન નથી, એક જ્ઞાનલક્ષણ વડે જ આત્મા ઓળખાય છે. આમ જ્ઞાનલક્ષણ કહીને વ્યવહારાભાસનો નિષેધ કર્યો.
વળી કોઈ કહે છે-જ્ઞાન તે લક્ષણ અને આત્મા લક્ષ્ય-એમ ભેદ શા માટે પાડો છો? સીધો જ આત્મા બતાવો ને? લક્ષણ દ્વારા લક્ષ્ય બતાવો છો તેને બદલે સીધું લક્ષ્ય જ બતાવી દો ને! તેને કહે છે-ભાઈ! જે લક્ષણને જાણતો નથી તે લક્ષ્યને પણ જાણતો નથી, લક્ષણને ઓળખવાથી જ લક્ષ્ય ઓળખી શકાય છે. જેમ કોઈ કહે-અમારે સાકર જોઈએ છે, ગળપણથી કામ નથી, તો તેને સાકરની પ્રાપ્તિ થતી નથી; તેમ જો કોઈ કહે-અમારે લક્ષ્ય-આત્મા જોઈએ છે, જ્ઞાનથી-લક્ષણથી શું કામ છે? તો તેને આત્માની પ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે જ્ઞાનલક્ષણે આત્મા લક્ષિત થતો હોવાથી જ્ઞાનલક્ષણ કહીને નિશ્ચયાભાસનો નિષેધ કર્યો. સમજાણું કાંઈ...?