૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અનંત ગુણો તેનો કાંઈ નિષેધ થતો નથી. આ રીતે જ્ઞાન સાથે બીજા અનંત ધર્મો ‘જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા’માં સાથે જ (અન્વયરૂપ) હોવાથી જ્ઞાનમાત્ર આત્માને અનેકાન્તપણું છે; અહીં આ વાત આચાર્યદેવ પ્રશ્નોત્તરરૂપે વિશેષ સ્પષ્ટ કરે છેઃ-
‘પ્રશ્નઃ– આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાનમાત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે? (આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાનમાત્રપણે કેમ કહેવામાં આવે છે? જ્ઞાનમાત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે.)’
જોયું? શિષ્યનો આ પ્રશ્ન! એમ કે-આત્મા તો અનેકાંતમય વસ્તુ છે; તેમાં તત્-અતત્ એક-અનેક, સત્- અસત્, નિત્ય-અનિત્ય ઇત્યાદિ અનંતધર્મો સ્વયમેવ પ્રકાશે છે, છતાં ‘આત્મા જ્ઞાનમાત્ર છે’ એમ આપ ઉપદેશ કેમ કરો છો? પ્રશ્ન સમજાય છે? એમ કે-આત્મા ચિદાનંદ પ્રભુ એક જ્ઞાનમાત્ર છે એમ ભાર દઈને આપ કહો છો તો એ વડે, તેમાં જ્ઞાન સાથે બીજા આનંદ આદિ, તત્-અતત્ આદિ અનંત ધર્મો છે તેનો તો નિષેધ નથી થઈ જતો ને? અનંત ધર્મમય હોવા છતાં આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહેવાનું શું પ્રયોજન છે? લ્યો, આ શિષ્ય આશંકા કરીને પૂછે છે.
‘ઉત્તરઃ– લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે (-અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી.) માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્યની-આત્માની-પ્રસિદ્ધિ થાય છે.’
જુઓ, શું કીધું? કે આત્માનું જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે. એટલે શું? કે જ્ઞાનલક્ષણ આત્માની પ્રસિદ્ધિ કરે છે. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે ને! તેથી જ્ઞાન આત્માનું સત્યાર્થ લક્ષણ છે અને તે લક્ષ્ય એવા આત્માને પ્રસિદ્ધ કરે છે. આહાહા...! જ્ઞાન આત્માને રાગાદિથી જુદો જાણી શુદ્ધ એક આત્માને પ્રસિદ્ધ કરે છે. હા, પણ કયું જ્ઞાન? પર તરફ વળેલું જ્ઞાન નહિ, પરંતુ અંતર્મુખ થઈને આત્માને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે અને તે આત્માને પ્રસિદ્ધ-પ્રગટ કરે છે. જે જ્ઞાન શુદ્ધ આત્માને જ જાણે નહિ અને પરમાં ને રાગમાં એકાકાર થઈ પ્રવર્તે તે ખરેખર જ્ઞાન જ નથી, કેમકે તે શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ કરતું નથી, પણ પરને-રાગને પ્રસિદ્ધ કરે છે. ભાઈ! રાગાદિ બીજી ચીજ હો ભલે, પણ એ રાગાદિ હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું એમ પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તે યથાર્થ લક્ષણ છે, અને તે લક્ષણના દોરે અંદર લક્ષ્યનું-શુદ્ધ આત્માનું ગ્રહણ થાય છે. લ્યો, આ રીતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ અર્થે તેને જ્ઞાનમાત્ર કહ્યો છે. ‘જ્ઞાનમાત્ર’ કહીને એકલો જ્ઞાનગુણ સિદ્ધ નથી કરવો, પણ આખો (પૂરણ) આત્મા પ્રસિદ્ધ કરવો છે. સમજાણું કાંઈ...?
આ શરીર તો જડ પુદ્ગલમય છે, અને રાગાદિ ભાવો પણ આત્માથી વિપરીત સ્વભાવવાળા-જડ સ્વભાવવાળા છે તેથી શરીર ને રાગાદિ આત્માનું લક્ષણ નથી, એક જ્ઞાન જ આત્માનો અસાધારણ ગુણ છે તેથી આત્માનું લક્ષણ છે. અસાધારણ ગુણ એટલે શું? કે આત્મા સિવાય અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી, અને આત્માના અનંતધર્મોમાં પણ એક જ્ઞાન જ સ્વપરપ્રકાશક છે. તેથી જ્ઞાનગુણ અસાધારણ છે જે વડે ભગવાન આત્માનું ગ્રહણ કરી શકાય છે. આ રીતે જ્ઞાનલક્ષણ તે આત્માની પરમ પ્રસિદ્ધિનું સાધન છે. અહાહા...! શરીર, રાગ, આત્મા આદિ અનેક ચીજ મળેલી (એકક્ષેત્રાવગાહમાં) જણાય છે, ત્યાં જ્ઞાનલક્ષણ વડે જ ભિન્ન આત્મસ્વરૂપને ઓળખી શકાય છે, ગ્રહણ કરાય છે. આ રીતે જ્ઞાનલક્ષણ ભિન્ન આત્મસ્વરૂપને ઓળખવાનું સાધન હોવાથી આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવ્યો છે. આવી વાતુ છે.
અહાહા...! જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન... જાણપણું તે આત્મા-એટલો અભેદમાં પ્રથમ ભેદ પાડી પછી વૃત્તિ જ્યાં અંતર્મુખ થઈ લક્ષ્ય-આત્માના લક્ષે એકાકાર-તદ્રૂપ થાય છે ત્યાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે, જણાય છે. આનું નામ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ છે. લક્ષણના-વર્તમાન જ્ઞાનની દશાના-લક્ષે લક્ષ્ય જણાય એમ નહિ, પણ લક્ષણ-જ્ઞાનની વર્તમાન દશા, લક્ષ્ય નામ શુદ્ધ આત્માના લક્ષમાં જતાં શુદ્ધ આત્મા જણાય છે. અહો! સંતોએ સંક્ષેપમાં ઘણું ભર્યું છે.
‘લક્ષણની પ્રસિદ્ધિ વડે’-એમ કહ્યું ને! એમાં શું કહેવા માગે છે? કે જ્ઞાનની વર્તમાન પર્યાય જે આત્માનું લક્ષણ છે તે પ્રગટ છે, ને તે વડે અપ્રગટ (શક્તિરૂપ) લક્ષ્ય (શુદ્ધ આત્મા) જણાય છે. અહાહા...! જાણનાર- જાણનાર એવું ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ તો પ્રગટ નથી, પણ તેના લક્ષણરૂપ જે વર્તમાન દશા છે તે પ્રગટ છે, તેમાં આ હું લક્ષ્ય-ભગવાન આત્મા