मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं।। २८ ।।
मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान्।। २८ ।।
આ જ વાત હવેની ગાથામાં કહે છેઃ-
માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮.
ગાથાર્થઃ– [जीवात् अन्यत्] જીવથી ભિન્ન [इदम् पुद्गलमयं देहं] આ પુદ્ગલમય દેહની [स्तुत्वा] સ્તુતિ કરીને [मुनिः] સાધુ [मन्यते खलु] એમ માને છે કે [मया] મેં [केवली भगवान्] કેવળી ભગવાનની [स्तुतः] સ્તુતિ કરી, [वन्दितः] વંદના કરી.
ટીકાઃ– જેમ, પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું ‘શ્વેત સુવર્ણ’ એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે, પરમાર્થથી શુકલ-રકતપણું તીર્થંકર-કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુકલ-રકતપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર-કેવળીપુરુષનું ‘શુકલ-રકત તીર્થંકર-કેવળીપુરુષ’ એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.
ભાવાર્થઃ– અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહૃાો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તરઃ- વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહૃાો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે.