ભિન્ન ભિન્ન છે, એકબીજાથી નિરપેક્ષ છે. તેથી રાગ કર્તા ને નિર્મળ પર્યાય તેનું કાર્ય એમ કદી છે નહિ. અહા! આ ઓમ્ધ્વનિમાં આવેલી વાત છે.
અહા! એ ઓમ્ધ્વનિની ગંભીરતાની શી વાત! જુઓ, પ્રથમ દેવલોકનો સ્વામી શક્રેન્દ્ર સમકિતી છે; તે ૩૨ લાખ વિમાનનો સ્વામી છે, ઘણામાં તો અસંખ્ય દેવ છે. તેની પટરાણી-શચી પણ સમ્યગ્દ્રષ્ટિ છે. બન્ને એકભવતારી છે, એક ભવ મનુષ્યનો કરી બન્ને મોક્ષ પામવાનાં છે. અહા! આવા ઇન્દ્ર-ઇન્દ્રાણી ભગવાનની વાણી-ઓમ્ધ્વનિ સાંભળવા આવે તે વાણી કેવી હોય! અહા! એ વાણી અપાર ગંભીર અને ભવ્ય જીવોને હિતકારી-સુખકારી છે. અરે! આવો મનુષ્ય ભવ મળ્યો, જૈનમાં જન્મ થયો અને છતાં ભગવાન જિનેશ્વરદેવ શું કહે છે તે નહિ સમજે તો ફેરો ફોગટ જશે ભાઈ!
જો તો ખરો! અહાહા...! ભરત ચક્રવર્તી હતા. અહાહા...! તેમના વૈભવનું શું કહેવું? અપાર વૈભવના તે સ્વામી હતા. ૯૬ હજાર રાણીઓ, ૯૬ કરોડનું પાયદળ, ૪૮ હજાર નગર ને ૭૨ હજાર પાટણના તે સ્વામી હતા. દેવતાઓ તેમની સેવા કરતા, ઇન્દ્ર સરિખા તેમના મિત્ર હતા. પણ તેઓ સમકિતી આત્મજ્ઞાની હતા; અંદર તેમને સ્વસ્વરૂપનો અનુભવ અને દ્રષ્ટિ પ્રગટ થયાં હતાં. તેથી આ બધો વૈભવ તે હું નહિ, ને અંદર જે રાગ આવે છે તે પણ હું નહિ, હું તો જ્ઞાનાનંદસ્વરૂપ છું, લ્યો, એમ માનતા હતા. અહાહા...! દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય (શુદ્ધાત્મા) કોઈ અલૌકિક ચીજ છે બાપુ! તેનો મહિમા આવે એને પણ અલૌકિક પુણ્ય બંધાઈ જાય છે; તેની પ્રાપ્તિની તો શી વાત! એ તો અતીન્દ્રિય સુખમય જીવનની દેનારી છે. સમજાણું કાંઈ...?
અહાહા...! સ્વરૂપની દ્રષ્ટિ નામ સમ્યગ્દર્શન કોઈ મહા મહિમાવંત ચીજ છે ભાઈ! સમ્યગ્જ્ઞાન દીપિકામાં ક્ષુલ્લક બ્ર. ધર્મદાસજીએ સમકિતનો મહિમા બતાવતાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે-જેમ કોઈ સ્ત્રીને માથે પતિ છે ને તેને પરવશપણે કોઈ દોષ લાગી જાય તો તેની બહાર પ્રસિદ્ધિ થતી નથી તેમ જેની દ્રષ્ટિ આત્મા ઉપર છે એવા જ્ઞાનીને (સમકિતીને) કર્મવશ કોઈ અશુભ રાગાદિ ભાવ આવી જાય તો તેનો દોષ બહારમાં પ્રસિદ્ધિમાં આવતો નથી (અર્થાત્ તે અલ્પબંધનું જ કારણ થાય છે). હવે આમાં તો સાચી દ્રષ્ટિનો મહિમા બતાવવા આ દ્રષ્ટાંત છે. એમાં તો લોક સોનગઢના નામે ઊહાપોહ ને ખળભળાટ મચાવવા મંડીપડયા. પણ બાપુ! આ તો ક્ષુલ્લકજીએ આપેલું દ્રષ્ટાંત છે (સોનગઢનું નથી), ને એમાં તો સમ્યગ્દર્શનનો-આત્મદર્શનનો મહિમા બતાવવાનું પ્રયોજન છે. બાકી જ્યાં દયા, દાન આદિ શુભ વિકલ્પ પણ દુઃખરૂપ છે, તો પછી સ્ત્રી સંબંધી વિષય-ભોગનાં અશુભ પરિણામ કેમ ભલા હોય, દોષરહિત હોય? એ તો મહાપાપમય ને મહાદુઃખમય જ છે. તે કરવાલાયક છે એમ વાત જ નથી.
ભાઈ! પરમાત્મા સર્વજ્ઞદેવ એમ કહે છે કે-પ્રભુ! તું એક જીવિત વસ્તુ છો કે નહિ? છો, તો તેનું કારણ શુદ્ધ ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનારી જીવત્વ શક્તિ છે. અહાહા...! જીવત્વને લઈને તું જીવી-ટકી રહ્યો છો. કાંઈ શરીરથી, ઇન્દ્રિયોથી, શ્વાસથી, ખોરાક-પાણીથી કે પૈસાથી તું ટકી રહ્યો છો એમ છે નહિ. એ સંયોગી ચીજ ભલે હો, પણ એનાથી તારું જીવન ટકયું નથી. એનાથી તો ભગવાન! તું ભિન્ન-જુદો છો, ને પુણ્ય-પાપના ભાવથી પણ જુદો છો. તો એ ભિન્ન પદાર્થો તારા આત્મદ્રવ્યને જીવવાના-ટકવાના કારણભૂત કેમ હોય? ન હોય. અહાહા..! તારી જીવનશક્તિમાં જ્ઞાન, દર્શન, આનંદ અને બળ એમ ચૈતન્યભાવ પ્રાણ પડયા છે, ને તે વડે તું ત્રિકાળ જીવિત છો, ભાઈ! અહાહા...! જીવનશક્તિના ધરનાર શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક અંદરમાં જેણે જીવનશક્તિનો સ્વીકાર કર્યો તેને પર્યાયમાં નિરાકુળ આનંદની જીવન-દશા પ્રગટે છે. અહાહા...! આ જીવનશક્તિ તો જીવના જીવનની જડીબુટ્ટી છે ભાઈ! જેણે તે હસ્તગત કરી, માનો તે અમર થઈ જાય છે. (તેને મરવાની બીક ખલાસ થઈ જાય છે). ભજનમાં આવે છે ને કે
યા કારણ મિથ્યાત દિયો તજ, કયોં કરિ દેહ ધરેંગે?
અબ હમ અમર ભયે ન મરેંગે
આ દેહથી, ને ખોરાક-પાણીથી મારું જીવન છે, ને આ રાગ ને પુણ્ય મને ભલાં છે એમ માનીને પ્રભુ! તું કેમ સૂતો છો? અહાહા...! દેહાદિથી તું જીવન માને ને પુણ્યને ભલું જાણે એ તો મહા વિપરીતતા છે, મિથ્યાભાવ છે, માથે કરજ છે બાપુ! પાલેજમાં પિતાજીની પેઢી પર બેસી સઝ્ઝાયમાળા વાંચતો એમાં આવતું કે-
મોહતણા રણિયા ભમે, જાગ–જાગ રે મતિવંત રે!