૩૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! કહે છે-સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ છે. ‘ઉપયોગવાળી’ એમ નહિ, ‘ઉપયોગમયી’ એમ કહીને ઉપયોગનું જ્ઞાનગુણ સાથે અભેદપણું હોવાનું સિદ્ધ કર્યું છે. અહાહા...! જે ઉપયોગ જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્યમાં એકાકાર-અભેદ થઈ પ્રવર્તે તેને જ, કહે છે, અમે ઉપયોગ કહીએ છીએ. અહા! જે ઉપયોગ બહાર પરદ્રવ્યમાં ને રાગાદિમાં તન્મય થઈ પ્રવર્તે તેને આત્માનો ઉપયોગ કહેતા જ નથી, તેને નિર્મળ જ્ઞાનની પરિણતિ કહેતા નથી; એ તો અજ્ઞાન છે. આ શક્તિનો અધિકાર બહુ સૂક્ષ્મ છે. આ પોતાના હિતની વાત છે, પણ હિત કયારે થાય? અહાહા...! વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્યની સન્મુખ થઈ તેમાં તન્મયપણે પ્રવર્તે ત્યારે ‘આ હું જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્ય છું’-એમ જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થાય છે; આનું નામ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે, અને આ હિતરૂપ ધર્મ છે. અજ્ઞાનીને પણ જ્ઞાનની દશામાં સ્વદ્રવ્ય જણાય છે, પણ તેનું લક્ષ ત્યાં સ્વદ્રવ્ય પર નથી, તેનું લક્ષ બહાર પર્યાય ને રાગાદિ પર છે. તેથી તેને જ્ઞાનસ્વભાવી આત્મદ્રવ્ય હું છું એમ જાણપણું ન થતાં આ વર્તમાન પર્યાય ને રાગાદિ હું છું એમ મિથ્યા જ્ઞાન-શ્રદ્ધાન થાય છે. આ પોતાના અહિતની દુઃખની દશા છે. ભાઈ! ઉપયોગ નિજસ્વરૂપમાં એકાકાર-અભેદ થઈ પ્રવર્તે તે જ હિતની દશા છે; તે જ મોક્ષમાર્ગ છે.
અહાહા...! આ જ્ઞાનશક્તિ છે તે સહજ સ્વભાવરૂપ પારિણામિકભાવરૂપ છે. અજ્ઞાની જીવને એની ખબર નથી. અહાહા...! પણ આ ત્રિકાળ પારિણામિકભાવ છે એમ જણાય કયારે? એનું ભાન કયારે થાય? તો કહે છે- સ્વસ્વરૂપમાં અંતર-એકાગ્ર થઈ એની સત્તાનો સ્વીકાર કરે ત્યારે. અહાહા...! પારિણામિકભાવ તો ત્રિકાળ છે, પણ અંતર્મુખ જ્ઞાનના પરિણમનમાં તેનો પ્રતિભાસ થાય ત્યારે તે છે એમ નિશ્ચય થાય છે. અરે ભાઈ! અંતર- એકાગ્રતાથી નિશ્ચય કર્યા વિના એ છે એમ વાત કયાં રહે છે? અહા!આવું બહુ સૂક્ષ્મ વસ્તુનું સ્વરૂપ છે. તેને હમણાં નહિ સમજે તો ભાઈ! કયારે સમજીશ?
અહા! બસ જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જેમ સ્વદ્રવ્યને જાણે તેમ પુદ્ગલાદિ પરદ્રવ્યને જાણે છે ને એક સમયની પર્યાયમાં વિકાર-રાગ છે તેનેય જાણે છે. પણ તેથી કાંઈ જ્ઞાન પુદ્ગલાદિ પરદ્રવ્યરૂપ કે રાગરૂપ થઈ જતું નથી; અર્થાત્ તે પુદ્ગલાદિ પરદ્રવ્યને કે રાગને કરતું નથી. આ વસ્તુસ્થિતિ છે. અનાદિથી આ નહિ માનતો હોવાથી જ જીવ અજ્ઞાની છે. જ્ઞાન સ્વદ્રવ્યને જાણે તેમ તેના અનંત ગુણને પણ ભિન્ન ભિન્ન જાણે છે, પણ જ્ઞાન કાંઈ બીજા અનંત ગુણરૂપ થઈ જતું નથી. જો થાય તો જ્ઞાન જ ન રહે, જ્ઞાનનો અભાવ થાય, અને તો દ્રવ્યનો પણ અભાવ થાય. પણ એમ છે નહિ. દ્રવ્યમાં એક ગુણ બીજા ગુણરૂપ થાય એવી વસ્તુસ્થિતિ જ નથી. છતાં બધા અનંત ગુણ એક દ્રવ્યમાં અભેદપણે વ્યાપક છે. અહા! આવા અભેદની જેને દ્રષ્ટિ થાય તેને અંદર આનંદ ઉછળે છે અર્થાત્ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આનું નામ ધર્મ છે. લોકોને ખબર નહિ એટલે ‘એકાન્ત છે’ એમ રાડો પાડે પણ બાપુ! આ સમ્યક્ એકાન્ત છે. તું સાંભળ તો ખરો; ભાગ્ય હોય તો સાંભળવાય મળે એવી આ અલૌકિક વાત છે.
અહાહા...! આ જ્ઞાનશક્તિ દ્રવ્યની અનંત શક્તિમાં વ્યાપક છે. શક્તિ કહો કે ગુણ કહો; અહાહા...! એકેક ગુણ સર્વ અનંત ગુણમાં ને અનંતગુણમય દ્રવ્યમાં વ્યાપક છે. અહાહા...! આ જ્ઞાનશક્તિ દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, અને અભેદ એક ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં વ્યાપક થાય છે. અને ત્યારે રાગ ભિન્ન રહી જાય છે કેમકે અભેદની દ્રષ્ટિમાં રાગ વ્યાપતો નથી. અહા! પહેલાં પર્યાયમાં રાગ વ્યાપતો હતો, મિથ્યાત્વાદિ વ્યાપતાં હતાં, અને ત્યારે સંસારનું ફળ આવતું હતું; પણ હવે જ્યાં દ્રવ્યદ્રષ્ટિ થઈ, આ જ્ઞાનસ્વભાવી હું આત્મા છું એમ દ્રષ્ટિ થઈ તો પર્યાયમાં જ્ઞાન ને આનંદ ઉછળ્યાં, અનંત શક્તિઓ નિર્મળ ઉછળી. અહાહા...! અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ પ્રગટ થયાં. પરદ્રવ્યમાંથી મારું જ્ઞાન ને સુખ આવે છે એવા મિથ્યા અભિપ્રાયનો નાશ થઈ ગયો, ને જ્ઞાનના નિર્મળ નિર્મળ પરિણમનની ધારાનો ક્રમ શરૂ થયો. અહો! આવી દ્રવ્યદ્રષ્ટિ અલૌકિક ચીજ છે.
અહા! આ જ્ઞાનશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેમાં જ્ઞાનશક્તિ ત્રિકાળ ધ્રુવરૂપે છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે અને પર્યાયમાં જ્ઞાનના ઉપયોગરૂપ તેનું પરિણમન થાય તે ક્ષણિક ઉપાદાન છે. હવે આવી વાત તમારી લૌકિક કોલેજના ભણતરમાં બી. એ. ને એલ. એલ. બી. માં ન આવે. પણ આ તો કેવલજ્ઞાનની કોલેજ બાપુ! અહાહા...! જ્યાં જ્ઞાનશક્તિનું સ્વ-આશ્રયે નિર્મળ પરિણમન થયું ત્યાં એ જ્ઞાને પોતાનું ત્રિકાળી દ્રવ્ય જાણ્યું, પોતાના અનંત ગુણ જાણ્યા, પોતાની નિર્મળ પરિણતિ પણ જાણી; અહાહા...! તે સમયે અતીન્દ્રિય આનંદનું વેદન થયું તેમ (પોતાનું છે એમ) જાણ્યું, અહાહા...! પણ વ્યવહારરત્નત્રયનો રાગ કયાંય દૂર રહી ગયો. (પોતાનો છે એમ ન જણાયો.) અહાહા...! આનું નામ અનેકાન્ત છે. વ્યવહારથી-રાગથી પણ ધર્મ થાય અને નિશ્ચયથી પણ ધર્મ થાય એવું અનેકાન્તનું સ્વરૂપ નથી; એ તો ફુદડીવાદ છે.