આ શક્તિનું વર્ણન ચાલે છે. તેમાં જ્ઞાનશક્તિ છે તે ત્રિકાળી ગુણ છે, અને ગુણનું ધરનારું ત્રિકાળી દ્રવ્ય છે તે ગુણી છે. અહાહા...! ત્યાં ગુણી-ત્રિકાળી દ્રવ્ય સન્મુખની દ્રષ્ટિ થતાં શક્તિ છે તે ક્રમવર્તી નિર્મળ નિર્મળ પરિણમે છે, ને વિકાર તો કયાંય ભિન્ન રહી જાય છે. અરે ભાઈ! શક્તિ અને શક્તિના પરિણમનમાં વિકારનો સદાય અભાવ છે, કેમકે વિકારને કરે એવી આત્મદ્રવ્યમાં કોઈ જ શક્તિ નથી. આ વ્યવહારરત્નત્રયનો રાગ થાય તે શક્તિનું કાર્ય નથી, નિર્મળ જ્ઞાનાનંદમય પરિણમનમાં વ્યવહાર રત્નત્રયનો તો અભાવ જ છે. આ અનેકાન્ત છે. અહો! આવો માર્ગ દિગંબર સંતોએ ખુલ્લો કર્યો છે. હવે એમાં મને ન સમજાય એવું શલ્ય જવા દે ભાઈ! સંતોએ તને સમજાય એવી ચીજ છે એમ જાણીને આ વાત કરી છે.
ભાઈ! જિજ્ઞાસાથી ધ્યાન દઈને આ સમજે તો આત્મજ્ઞાન થઈ જાય એવી આ વાત છે. અહા! પાણીની તરસ લાગી હોય તો ઘરે ઘોડો હોય તેને ન કહેવાય કે-પાણી લાવ; પણ જેનામાં સમજશક્તિ છે તેવા આઠ વરસના બાળકને કહેવાય કે પાણી લાવ. અહાહા...! તેમ આચાર્યદેવ જેનામાં સમજશક્તિ છે એવા સંજ્ઞી ભવ્ય જીવોને કહે છે કે-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને તું જાણ. અહાહા... અંદર જાણવાના સ્વભાવવાળો ભગવાન આત્મા તું છો-તેને તું જાણ. અહાહા...! આચાર્યદેવ કાંઈ જડ શરીરને કે રાગને કહેતા નથી કે તું આત્માને જાણ!
ઓહો...! ‘સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ’ કહીને આચાર્યદેવે કેટલું ભરી દીધું છે! શક્તિમાં વ્યાપક-તન્મય થઈને પ્રગટ થતી જ્ઞાનની ક્રમવર્તી પર્યાયને પોતાનાં કર્તા, કર્મ આદિ ષટ્કારક સ્વાધીન છે. કાંઈ પરના કે રાગના આશ્રયે જ્ઞાન પરિણમે છે એમ નથી. અહા! જ્ઞાનનાં કારકો પરમાં ને રાગમાં નથી, પણ જ્ઞાનનાં કારકો જ્ઞાનમાં જ છે. અહાહા...! જ્ઞાનશક્તિમાં કર્તા, કર્મ, કરણ આદિ આત્મદ્રવ્યની ષટ્કારક શક્તિઓનું રૂપ છે. શું કીધું? જ્ઞાનશક્તિમાં ષટ્કારક શક્તિઓ નથી, પણ તેમાં ષટ્કારક શક્તિઓનું રૂપ છે. તેથી જ્ઞાન સ્વયં જ કર્તા થઈને, સાધન થઈને પોતામાં સ્વતંત્ર જ્ઞાનનું કર્મ કરે છે, તેને કોઈ પરની કે રાગની અપેક્ષા નથી. હવે આવી વાત પૈસા ને આબરૂ રળવામાં રોકાઈ ગયા હોય ને વિષયોમાં રોકાઈ ગયા હોય તેમને શેં સમજાય?
પણ અરે ભાઈ! એ પૈસા ને આબરૂ ને વિષયો-એ બધું તો જડ માટી-ધૂળ છે. એમાં-જડમાં સુખ કયાં છે કે તને મળે? એમાંથી સુખ મળે એમ ત્રણકાળમાં સંભવિત નથી. સુખ તો તારા આત્માનો સ્વભાવ છે; તેમાં એકાગ્ર થા ને તેમાં જ રોકાઈ જા; તને સુખ મળશે.
અહા! સ્વસ્વરૂપમાં તન્મય એવી જ્ઞાનની પર્યાય પોતાને જાણતી પ્રગટ થઈ તે તેની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨માં આ વાત આવે છે. અહા! ઉત્પન્ન થવાનો તે કાળ હતો તો જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો. તે ઉત્પાદ પૂર્વ પર્યાય અને ધ્રુવની અપેક્ષા રાખતો નથી. જરા ઝીણી વાત છે ભાઈ! જ્ઞાનની પર્યાય ધ્રુવની સન્મુખ થયેલી ધ્રુવને જાણે ખરી, પણ તે પર્યાય ધ્રુવની અપેક્ષા રાખતી નથી. તે પર્યાય પોતે જ કારણ અને પોતે જ કાર્ય છે. હવે આમ છે ત્યાં પરથી-દેવ-ગુરુ-શાસ્ત્રથી થાય ને વ્યવહારથી થાય એ વાત જ કયાં રહે છે? અહા! આવી ચૈતન્યના ઉપયોગમયી આત્માની એક અસાધારણ જ્ઞાનશક્તિ છે જે એક જ્ઞાનમાત્ર ભાવમાં ઉછળે છે, અને ત્યારે શ્રદ્ધા, ચારિત્ર આનંદ આદિ અનંત શક્તિઓ ભેગી ઉછળે છે અને આત્માને અચિંત્ય આનંદ પમાડે છે. આવો માર્ગ છે ભાઈ!
અહા! આવા જ્ઞાનસ્વભાવી આત્માની સ્વસન્મુખ થઈ અંતર-પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મ છે. આ પ્રમાણે આ ચોથી જ્ઞાનશક્તિ પૂરી થઈ.
‘અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ.’ અહાહા...! શું કીધું? કે આત્મામાં જીવના જીવનરૂપ જેમ એક જીવત્વશક્તિ છે તેમ એક અતીન્દ્રિય આનંદશક્તિ છે; અર્થાત્ આત્માના અનાકુળ આનંદસ્વભાવમય આનંદશક્તિ છે. અહાહા...! આત્મા ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ છે. એમાં સત્ નામ શાશ્વત ચિત્ અને આનંદ શક્તિ ત્રિકાળ પડી છે. જેમ દ્રવ્ય ત્રિકાળ છે તેમ તેમાં અતીન્દ્રિય આનંદની શક્તિ ત્રિકાળ પડી છે. અહાહા...! ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્ય અંદર પૂરણ આનંદના સ્વભાવથી ભરેલું છે તેના આશ્રયે પરિણમતાં, તેની સન્મુખ દ્રષ્ટિ કરી પરિણમતાં, અંદરથી આ આનંદશક્તિ ઉછળે છે અર્થાત્ અતીન્દ્રિય આનંદના સંવેદનવાળી અનાકુળ