Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3954 of 4199

 

પ-સુખશક્તિઃ ૩પ

મારીને તે નાહક ખેદખિન્ન થાય છે, દુઃખી જ થાય છે. અરે ભાઈ! બહારના જડ વિષયોમાં સુખ નથી, વિષયોની મમતા ને અનુરાગમાં સુખ નથી ને કેવળ વિષયોને જ જાણનારા બહિર્લક્ષી જ્ઞાનમાંય સુખ નથી. અહા! એક સ્વાનુભૂતિમાં જ સુખ છે. માટે સુખ જોઈએ તો ઇચ્છાથી વિરામ પામી સ્વાનુભૂતિ કર. અહા! લ્યો, આવો મારગ!

ભગવાન આત્મામાં શક્તિરૂપે સુખ ત્રિકાળ ભર્યું છે. ભગવાન સિદ્ધને તેની પૂર્ણ વ્યક્તિ થઈ છે. સિદ્ધ ભગવાનને સુખની પૂર્ણ દશા-અનંત સુખ હોય છે. સિદ્ધ ભગવાનને પ્રગટ આઠ ગુણના વર્ણનમાં સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, ને વીર્ય એ ચાર આવે છે. ચાર ઘાતિકર્મના ક્ષયથી સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, અને વીર્ય પ્રગટ થાય છે અને ચાર અઘાતિકર્મના ક્ષયથી અવ્યાબાધ, અવગાહન, સૂક્ષ્મત્વ અને અગુરુલઘુ ગુણ પ્રગટ થાય છે. અહા! આવી સર્વોત્કૃષ્ટ દશા અનંતમહિમાયુક્ત, અનંતશક્તિમય નિજ આત્મદ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા કરતાં પ્રાપ્ત થાય છે. અરે! લોકો (કોઈ જૈનાભાસીઓ) સમજ્યા વિના જ વ્રત, પ્રતિમા વગેરેને ચારિત્ર કહે છે; પણ ભાઈ! એ માર્ગ નથી. આત્મા સ્વરૂપથી જ સદા આનંદમય-સચ્ચિદાનંદમય છે, તેનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા કરતાં અનાકુળ સુખ પ્રગટે છે, તેની પૂર્ણતા થયે પૂર્ણ સુખ-અનંત સુખ પ્રગટે છે. બસ, આ જ માર્ગ છે. સમજાણું કાંઈ...?

આ પંદરમી ઓગસ્ટે દેશનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવે છે ને? પણ એ તો તારો દેશ-સ્વદેશ નહિ ભાઈ! તું એનો સ્વામી નહિ; એ તો પ્રત્યક્ષ ભિન્ન ચીજ છે બાપુ! એની સેવા (મમત્વ) કર્યે તને (સંસાર સિવાય) કાંઈ જ લાભ નથી. અહાહા...! અસંખ્ય પ્રદેશ-કે જેમાં આત્માનાં અનંત ગુણ સર્વત્ર વ્યાપીને ત્રિકાળ રહ્યાછે તે એનો સ્વદેશ છે. અહાહા...! આત્મા એનો સ્વામી છે. અહા! આવા સ્વ-દેશની સેવા સેવન કર્યે અંદર સ્વાતંત્ર્ય-સ્વરાજ પ્રગટ થાય છે, અર્થાત્ અનંત ગુણ સહજ નિર્મળ પરિણમી જાય છે. જુઓ, આ સ્વરાજ! સમયસારની ૧૭-૧૮ મી ગાથામાં આત્માને રાજા-‘જીવરાયા’ -કહ્યો છે. અહાહા...! ‘રાજતે-શોભતે ઇતિ રાજા’ જે અનેક સમૃદ્ધિ વગેરેથી શોભે તે રાજા છે. અહાહા...! જેમ બહારમાં રાજા તેના છત્ર, ચામર આદિ વિભૂતિ અને શરીરની ઋદ્ધિ તથા બાહ્ય સમૃદ્ધિ વગેરેથી શોભે છે તેમ આ આત્મ-રાજા પોતાના સુખાદિ અનંત ગુણોની સમૃદ્ધિથી શોભે છે. વિકાર પરિણામ અને સંયોગથી શોભે તે આત્મ-રાજા નહિ, અને ચક્રવર્તી કે ઇન્દ્રના વૈભવથી શોભે તે પણ આત્મ-રાજા નહિ. અહાહા...! જેમાં આનંદરસનો આસ્વાદ આવે એવા અનંતગુણ-વૈભવની પ્રગટતાથી શોભાયમાન તે આત્મ-રાજા છે. સમજાણું કાંઈ...!

અહાહા...! જુઓ તો ખરા મુનિવરોની અંતરદશા! આત્મજ્ઞાની ધ્યાની નિજાનંદરસના અનુભવમાં લીન મુનિવરો, તેમને દેહની સ્થિતિ પૂરી થવાનો ખ્યાલ આવી જાય ત્યારે કેવુંક ચિન્તવન કરે છે! અહાહા...!

ચલો સખી વહાં જઈએ, જહાં ન અપના કોઈ;
કલેવર ભખે જનાવરા, મુવા ન રોવે કોઈ.

અહાહા...! મુનિરાજ પોતાની શુદ્ધ પરિણતીને કહે છે-જ્યાં આનંદનો સાગર-આનંદ-સુધાસિંધુ ભગવાન છે ત્યાં ચાલો જઈએ. અંદર એવા મગ્ન-લીન થઈએ કે કલેવરને-આ મડદાને શિયાળિયાં ખાઈ જાય તોય ખબર ન પડે; તથા દેહ છૂટી જાય તો કોઈ પાછળ રોનાર ન હોય. અહાહા...! કેવી અંતર-લીનતા અને કેવું નિર્મમત્વ! આનંદસાગર આત્મામાં તલ્લીન થવા મહામુનિરાજ ગિરિગુફામાં ચાલ્યા જાય છે; નિશ્ચયથી તો નિજ શુદ્ધાત્મા ચિદાનંદ પ્રભુ છે તે જ ગિરિગુફા છે.

પ્રવચનસારમાં ચરણાનુયોગ ચૂલિકામાં દીક્ષાર્થીનું બહુ સુંદર વર્ણન છે. અહાહા...! દીક્ષાર્થી આત્માના આનંદમાં લીન થવા દીક્ષિત થાય છે ત્યારે પોતાની સ્ત્રીને કહે છે-મારા દેહને રમાડનાર હે રમણી! મારી અનુભૂતિસ્વરૂપ રમણી તો અનાદિઅનંત અંદર શાશ્વત પડી છે, હવે તેની સાથે રમવા અર્થાત્ મારા સ્વસ્વરૂપમાં લીન થવા હું જાઉં છું. સમયસાર ગાથા ૭૩માં પણ આ ત્રિકાળી અનુભૂતિની વાત આવી છે. ત્યાં કહ્યું છે-“સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું.” જુઓ, આત્માની પર્યાયમાં રાગની ક્રિયા થાય તે તો મારા આત્માનું સ્વરૂપ નહિ, પણ રાગ રહિત નિર્વિકાર પરિણતિ પર્યાયના ષટ્કારકથી થાય તે પણ હું ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ આત્મા નહિ. હું પરથી જુદો, રાગથી જુદો, ને નિર્મળ ષટ્કારકની પરિણતિ જે થાય તેનાથીય જુદો ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છું, આ અનુભૂતિ તે ત્રિકાળી એકરૂપ સ્વભાવની વાત છે હોં, આ અનુભૂતિની પર્યાયની વાત નથી. અહાહા...! દીક્ષાર્થી કહે છે-હું મારો ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન જ્યાં છે ત્યાં જાઉં છું, હવે ત્યાં જ મારે આનંદથી રમવું છે; માટે આ દેહને રમાડનારી હે રમણી! અનુમતિ દે, અર્થાત્ મને છોડી દે. લ્યો, અનુમતિ આપે કે ન આપે, એ તો સરરર અંદર ચાલ્યા જાય છે; વનવાસ ચાલ્યા જાય છે.