૩૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
વળી દીક્ષા ધારણ કરવાના પ્રસંગે માતાને સંબોધે છે-હે જનેતા! આ શરીરની જન્મદાતા તું જનેતા છો, પણ હું તો અનાકુળ આનંદસ્વભાવી આત્મા છું, આ આત્માની તું જનેતા નથી. મારા આનંદસ્વરૂપી આત્મામાંથી મારી આનંદની દશાનો જન્મ થાય છે તેથી નિશ્ચયથી તે જ મારી જનેતા છે. માતા! મને રજા દે, હું મારી ત્રિકાળ આનંદસ્વરૂપી માતાની ગોદમાં જાઉં છું; ત્યાં હું એવો રમું-રમણતા કરું કે ફેર જન્મ ના ધરું. માતા, એક વાર તારે રોવું હોય તો રોઈ લે, હવે હું બીજી માતા નહિ કરું-આ મારો કોલ છે. અહાહા...! આમ અંતરમાં દૃઢ વૈરાગ્ય ધારણ કરીને યુવાન રાજકુમારો પ્રચુર આનંદના સ્વાદની પ્રાપ્તિ અર્થે વનવાસમાં-આત્મવાસમાં ચાલ્યા જાય છે. અહાહા...! કેવો વૈરાગ્ય! કેવું નિર્મમત્વ!!
અરે! અજ્ઞાની બાહ્યમાં સુખ માને છે. જ્ઞાની જ્યાંથી વિરક્ત થાય છે, અજ્ઞાની ત્યાં ચૈન માની ઝંપલાવે છે. અજ્ઞાની સ્ત્રી, પરિજન, ધન, મકાન ઇત્યાદિમાં સુખ માને છે, અને ત્યાં જ રોકાઈ રહે છે. સુખ તો પોતામાં જ ભર્યુ છે, પણ એની ખબર નથી તેથી તે બધે બહાર જ ફાંફાં મારે છે, અને નિરાશ થઈ દુઃખી દુઃખી થાય છે.
હા, પણ કોઈ કોઈ એ સંયોગોમાં સુખી હોય એમ દેખાય છે? ધૂળેય સુખી નથી સાંભળને. સુખ તો દૂર રહો, એ સંયોગોમાં સુખની ગંધેય નથી; ઉલટું એના તરફનું જે વલણ છે તે મહા પાપ અને દુઃખ છે. ભાઈ! સુખ તો તેને કહીએ જેમાં આકુળતાની છાંટ પણ ન હોય અને જે કદી નાશ ન પામી જાય, કદી પલટી ન જાય.
ગજસુકુમાર મુનિની વાત શાસ્ત્રમાં આવે છે. જ્યારે શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરવા હાથી પર બેસીને સમોસરણમાં જાય છે ત્યારે તેના ખોળામાં નાનાભાઈ ગજસુકુમાર બેઠેલ છે. માર્ગમાં એક સોનીની અતિ સ્વરૂપવાન કન્યા સોનાના ગેડીદડે રમતી હતી. તેને દૂરથી જોઈને શ્રીકૃષ્ણે સેવકોને આજ્ઞા કરી કે-આ કન્યાને અંતઃપુરમાં લઈ જાઓ, તેનાં ગજસુકુમાર સાથે લગ્ન કરવાં છે. સેવકો તે કન્યાંને અંતઃપુરમાં લઈ ગયા, અને અહીં શ્રીકૃષ્ણ ગજસુકુમારને લઈને ભગવાનનાં દર્શનાર્થ સમોસરણમાં પધાર્યાં. પછી શું થયું? અહા! ભગવાનની ૐધ્વનિ સાંભળીને ગજસુકુમારનું ચિત્ત અતિ દૃઢ વૈરાગ્યથી ભરાઈ ગયું. તેઓ બોલ્યા-નાથ! હું મુનિપણું અંગીકાર કરવા ચાહું છું. માતા દેવકી પાસે જઈ કહેવા લાગ્યા-હે માતા! અંદર આનંદનો નાથ વિરાજે છે તેની સારસંભાળ-સુરક્ષા માટે હું ભગવતી દીક્ષા અંગીકાર કરવા માગું છું. હવે હું સ્વરૂપની સંભાળ માટે વનમાં જાઉં છું. હે માતા! આ દેહનું મમત્વ દૂર કરો. મારી પર્યાયમાં જરા દુઃખ છે, પણ તે દુઃખનો મારા આનંદની પરિણતિમાં અભાવ છે.
પછી તો ગજસુકુમાર ભગવાન પાસે દીક્ષિત થઈને દ્વારિકાના સ્મશાનમાં ધ્યાન કરવા ચાલ્યા ગયા. તેમનું શરીર હાથીના તાળવા જેવું લાલચોળ, કોમળ હતું. તેથી તેમનું નામ ગજસુકુમાર પાડવામાં આવ્યું હતું. અહા! મુનિરાજ તો નિજ આનંદસ્વરૂપના ધ્યાનમાં તલ્લીન હતા ત્યારે ક્રોધાગ્નિથી બળી રહેલા પેલા સોનીની કન્યાના પિતા ત્યાં આવ્યા. તેમણે સ્મશાનની રાખ લઈ તેમાં પાણી રેડી ગજસુકુમાર મુનિના માથા ઉપર પાળ બનાવી, અને અંદર મસાણના ધગધગતા અંગારા પૂર્યા; માથા ઉપર ભડભડ અગ્નિ બળવા લાગી. પણ મુનિરાજ તો ધ્યાનમાં અચળ રહ્યા. અહા! એકકોર ભડભડ અગ્નિથી માથું બળે અને એકકોર મુનિરાજે પ્રગટાવેલી ધ્યાનાગ્નિમાં કર્મ બળે. માથું બળે તેની તરફ તો મુનિરાજનું લક્ષ જ નથી. આખરે ધ્યાનાગ્નિમાં સર્વ કર્મ ભસ્મીભૂત થયાં. મુનિરાજ તત્કાલ કેવળજ્ઞાન પ્રગટાવી પરમસુખસ્વરૂપ નિજપદ-મોક્ષપદને પામ્યા. અહો! સ્વરૂપધ્યાનની-સ્વાનુભૂતિની દશાનો કોઈ અચિંત્ય મહિમા છે; એનું ફળ પરમ સુખધામ એવું મોક્ષ છે.
સમયસારની આત્મખ્યાતિ ટીકાના મંગલાચરણમાં પ્રથમ જ શ્રી અમૃતચંદ્ર સ્વામી કહે છે-
અહાહા...! કહે છે- ‘नमः समयसाराय’ અહાહા...! રાગ રહિત જ્ઞાન અને આનંદથી ભરેલું મારું સ્વરૂપ છે તેને હું નમન કરું છું. અહા! સમયસાર મારો નાથ આનંદનો સાગર છે તેમાં હું મારી પરિણતિને ઝુકાવી નમન કરું છું. આવી વાત!