સ્વાનુભૂતિથી પ્રગટ થાય તેવો છે. અહા! તે દયા, દાન, આદિ કોઈ વ્યવહારના ભાવોથી પ્રગટ થતો નથી. વળી
ચૈતન્યસ્વભાવમય છે. અહા! જ્ઞાનાદિ ગુણ છે તે તેનો સ્વભાવ છે, અને સ્વાનુભૂતિમાં તે પ્રસિદ્ધ થાય છે. વળી
સર્વજ્ઞસ્વભાવ છે. અહા! આ સર્વજ્ઞશક્તિ પહેલાં જે જ્ઞાનશક્તિ કહી તેમાં ગર્ભિત છે. અહા! આવો સર્વજ્ઞસ્વભાવ સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થાય છે. આવો સૂક્ષ્મ મારગ છે ભાઈ!
કેટલાક કહે છે ને કે-આ તો બહુ સૂક્ષ્મ છે. પણ શું થાય? ભગવાન! તારું સ્વરૂપ જ સૂક્ષ્મ છે. સૂક્ષ્મત્વ ગુણ દ્રવ્યમાં વ્યાપક હોવાથી જ્ઞાન સૂક્ષ્મ, દર્શન સૂક્ષ્મ, આનંદ સૂક્ષ્મ, કર્તા સૂક્ષ્મ-એમ સર્વ ગુણ સૂક્ષ્મ છે. અહા! આવા સૂક્ષ્મને પામવાનો મારગ સૂક્ષ્મ છે ભાઈ! પુણ્ય-પાપના સ્થૂળ ભાવોમાં એ સૂક્ષ્મ જણાતો નથી.
કોઈને એમ થાય કે આ વ્યવહારનો નિષેધ કરે છે. પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ એવું છે. શ્લોકના ચારે ચરણમાં અસ્તિથી વાત કરી છે. આત્મામાં અજીવ નથી, પુણ્ય-પાપ નથી, વ્યવહાર નથી એમ નાસ્તિ તેમાં સિદ્ધ થઈ જાય છે. સમજાણું કાંઈ...?
જુઓ, આ સામે શત્રુંજ્ય પહાડ ઉપર પાંચ પાંડવો મુનિદશામાં વિચરતા હતા. ભગવાનના દર્શનનો ભાવ થયો ત્યાં ખબર પડી કે ભગવાન નેમિનાથ તો મોક્ષ પધાર્યા. અરે, ભરતક્ષેત્રમાં ભગવાનનો વિરહ પડી ગયો. અહા! પાંચે મુનિવરોને મહિના મહિનાના ઉપવાસ છે, અને પહાડના શિખર પર ધ્યાનમગ્ન ઊભા છે. ત્યાં દુર્યોધનના ભાણેજે આવી ઉપસર્ગ માંડયો; ધગધગતાં લોખંડનાં ધરેણાં તેમને પહેરાવ્યાં. અહા! માથે ધગધગતો મુગટ, કંઠમાં ધગધગતી માળા અને હાથ-પગમાં ધગધગતાં કડાં પહેરાવી તેણે મહામુનિવરો પર ભયંકર ઉપસર્ગ કર્યો. ધર્મરાજા, અર્જુન અને ભીમ-એ ત્રણ મુનિવરોએ ત્યાં જ શુકલધ્યાનની શ્રેણી માંડી, કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષપદ પ્રાપ્ત કર્યું. નાના બે ભાઈઓ સહદેવ અને નિકુળને જરા વિકલ્પ થઈ આવ્યો કે-અરે! મોટાભાઈ ધર્મરાજા પર આવો ઉપસર્ગ! આટલા વિકલ્પના ફળમાં તેમને બે ભવ થઈ ગયા. મોટા ત્રણ પાંડવો પૂરણ વીતરાગ થઈ મોક્ષપદ પામ્યા, જ્યારે નાના બેને જરાક વિકલ્પ આવ્યો તેમાં બે ભવ થઈ ગયા. બન્ને સર્વાર્થસિદ્ધિ નામના દેવલોકમાં ૩૩ સાગરોપમની આયુસ્થિતિમાં ગયા. વિકલ્પ આવ્યો તો કેવળજ્ઞાન અટકી ગયું. જુઓ, શુભવિકલ્પ તેય સંસાર છે. અજ્ઞાની જીવો શુભભાવથી લાભ-ધર્મ થવાનું માને છે, પણ એ એમનો ભ્રમ જ છે, કેમકે શુભભાવ પણ બંધનું જ કારણ છે, અબંધ નથી. આવી વાત!
અરે ભાઈ! તારા સ્વભાવમાં તો એકલું સુખ-સુખ-સુખ બસ સુખ જ ભર્યું છે. અહાહા...! વીણાના તારને છેડતાં જેમ ઝણઝણાટ કરતી વાગે છે તેમ સુખશક્તિથી ભરેલા આત્મામાં એકાગ્ર થતાં ઝણઝણાટ કરતી સુખના સંવેદનની દશા પ્રગટ થાય છે. પણ અરે! એને નિજ સ્વભાવનો મહિમા નથી! અનંત ગુણના રસથી ભરેલા નિજપદની સંભાળ કર્યા વિના અહા! તે અનાદિથી પરપદને પોતાનું માની ભવસાગરમાં ગોથાં ખાયા કરે છે. અહા! એની દુર્દશાની શી વાત! દારુણ દુઃખોથી ભરેલી એની કથની કોણ કહી શકે? અરે ભાઈ! અહીં આચાર્ય ભગવાન તને તારું સુખનિધાન બતાવે છે. તો હવે તો નિજનિધાન પર એક વાર નજર કર. અહા! નજર કરતાં જ તું ન્યાલ થઈ જાય એવું તારું દિવ્ય અલૌકિક નિધાન છે. અહા!
આ હરિ તે કોઈ બીજી ચીજ નહિ, નિજ શુદ્ધાત્મા ચિદાનંદઘન પ્રભુ તે હરિ છે. જે દુઃખને હરે અર્થાત્ સુખને કરે તે હરિ છે. પંચાધ્યાયીમાં આવે છે કે- ‘हरति इति हरिः’ દુઃખના બીજભૂત જે મિથ્યાત્વાદિને હરે તે હરિ નામ સુખનિધાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. અહા! પ્રમાદ છોડીને, વિષયોનું વલણ છોડીને પોતાના હરિ નામ ભગવાન આત્માને એકાગ્ર થઈ નીરખવો, ભજવો તે સુખનો ઉપાય છે. લ્યો....
આ પ્રમાણે આ પાંચમી સુખશક્તિ પૂરી થઈ.