પર્યાયોને રચે છે. સમ્યગ્દર્શનથી માંડી સિદ્ધપદ સુધીની નિર્મળ પર્યાયને રચનારો પોતે જ અનંત શક્તિમાન ‘ઇશ્વર’ છે. આવી વાત!
ભાઈ! તારા સર્વજ્ઞસ્વભાવના સામર્થ્યની-વીર્યની શી વાત! અહાહા...! એક સમયમાં સર્વ લોકાલોકની ભૂત, ભાવિ અને વર્તમાન સમસ્ત પર્યાયોને જાણી લે એવી સર્વજ્ઞશક્તિ આત્મદ્રવ્યમાં ત્રિકાળ પડી છે. ત્યારે કોઈ વળી કહે છે-વર્તમાન પ્રગટ વર્તતી પર્યાયને સર્વજ્ઞ જાણે, પણ ભૂત, ભવિષ્યને ન જાણે; પણ તેની આ વાત બરાબર નથી, મિથ્યા છે. તેને પોતાના સર્વજ્ઞસ્વભાવના સ્વરૂપની ને ભગવાન સર્વજ્ઞના દિવ્ય જ્ઞાનની ખબર નથી. અરે, જે સર્વજ્ઞનું સ્વરૂપ પણ બીજી રીતે માને તેને આત્માની પ્રતીતિ કયાંથી થાય? ન થાય. અરે ભાઈ! જેમ પરમાણુ એક સમયમાં ૧૪ રાજુલોક ગમન કરે એ પરમાણુની ગતિનું વીર્ય છે તેમ ભગવાન આત્મા એક સમયમાં ત્રિકાળવર્તી સર્વ લોકાલોકને સાક્ષાત્ જાણી લે એવું એની સર્વજ્ઞશક્તિનું વીર્ય છે. અહા! આવું દિવ્ય જ્ઞાન ભગવાન કેવળીને હોય છે.
અહા! આવી (-કોઈ અચિંત્ય, દિવ્ય) આત્મામાં સર્વજ્ઞશક્તિ છે ને સાથે બળશક્તિ-વીર્યશક્તિ પણ છે. આ વીર્યશક્તિ ભિન્ન છે, વીર્યશક્તિ સર્વજ્ઞશક્તિરૂપ નથી પણ સર્વજ્ઞશક્તિમાં વીર્યશક્તિનું રૂપ છે. આત્માની પ્રત્યેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ હોય છે. આ રીતે જ્ઞાન, દર્શન, સુખ, પ્રભુતા, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ ઇત્યાદિ અનંતગુણમાં વીર્યશક્તિનું રૂપ હોય છે; જેમકે જ્ઞાનવીર્ય, દર્શનવીર્ય, સુખવીર્ય ઇત્યાદિ. અહો! આવી અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. તેની સન્મુખ દૃષ્ટિ કરવાથી વીર્યશક્તિ સ્ફુરાયમાન થઈ અનંત ગુણની નિર્મળ પર્યાયની રચના કરે છે. આનું નામ આત્મવીર્ય છે. લોકોને આ વિષયનો (-અધ્યાત્મનો) અભ્યાસ નહિ એટલે કોરા ક્રિયાકાંડમાં લાગી જાય છે; પણ એ બધી તો એકલા રાગની-ક્લેશની ક્રિયાઓ છે. છહઢાલામાં કહ્યું છે ને કે-
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.
આનો અર્થ શું? પંચ મહાવ્રત અનંતવાર પાળ્યાં છતાં આત્મજ્ઞાન વિના લેશ પણ સુખ ન થયું અર્થાત્ દુઃખ જ થયું એનો અર્થ શું? એ જ કે પંચમહાવ્રતનાં પરિણામ પણ સુખરૂપ નથી, દુઃખરૂપ છે. અહીં કહે છે-આવા દુઃખની રચના કરે તે આત્માનું વીર્ય નથી; સ્વરૂપલીનતા ને સ્વરૂપ-એકાગ્રતાના ધ્યાન વડે નિર્મળ રત્નત્રય પ્રગટ કરે તે આત્માનું વીર્ય છે, તે પુરુષાર્થ છે. સમજાય છે કાંઈ...?
સ્વરૂપરચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. ત્યાં દ્રવ્ય અને ગુણમાં તો રચના કરવાપણું શું છે? દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે; તેમાં રચના કરવાપણું કાંઈ નથી. જે કાંઈ રચના થાય તે પર્યાયમાં થાય છે. સ્વરૂપની પર્યાયમાં રચના થાય તે વીર્યશક્તિનું કાર્ય છે. જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણની નિર્મળ પરિણતિની રચના થાય તે વીર્યનું કાર્ય છે. હવે આમાં વ્યવહારની રચના કરે એમ ન આવ્યું, કેમકે નિર્મળ પરિણતિમાં વ્યવહારનો-રાગનો અભાવ છે. વ્યવહાર છે ખરો, પણ તેને તો જ્ઞાન બસ (ભિન્ન) જાણે જ છે. ઝીણી વાત જરી. જ્યાં સ્વ-આશ્રયે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે સમયે રાગ છે તેને જ્ઞાન માત્ર જાણે છે બસ. રાગને જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. તે સમયે પ્રગટ થયેલી જ્ઞાનની સ્વપરપ્રકાશક દશા સહજ જ પોતામાં ભિન્ન રહીને પોતાથી જ રાગને જાણે છે, રાગને લઈને જાણપણું છે એમ નહિ; પોતાની જ્ઞાનની પર્યાય જ એવા સામર્થ્યવાળી છે કે તે સ્વ અને પરને પોતાથી જાણે છે. હવે કોઈ લોકો કહે છે કે વ્યવહાર-શુભરાગ કરતાં કરતાં નિશ્ચય-શુદ્ધ દશા પ્રગટ થશે પણ તેમની એ વાત મિથ્યા છે. તેમને આત્માની નિર્મળ વીતરાગ પરિણતિ કેમ પ્રગટ થાય એની ખબર નથી અર્થાત્ તેમને નિર્મળ પરિણતિને રચનારું વીર્ય સ્ફુર્યું જ નથી.
અરે! ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરના અત્યારે ભરતક્ષેત્રમાં વિરહ પડયા! વિદેહક્ષેત્રમાં તો સાક્ષાત્ પરમાત્મા સર્વજ્ઞપદમાં બિરાજમાન છે. એક ક્રોડ પૂર્વનું તેમનું આયુષ્ય છે. એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર ક્રોડ વર્ષ વ્યતીત થાય છે. એ ભગવાનના મુખમાંથી નીકળેલી આ વાણી શ્રી કુંદકુંદાચાર્યદેવ અહીં ભરતમાં લાવ્યા છે. અહાહા...! ભગવાન કુંદકુંદદેવ નગ્ન દિગંબર ભાવલિંગી મહા સંત હતા. મોરપીંછ અને કમંડળ સિવાય તેમને કોઈ પરિગ્રહ નહોતો. તેઓ સદેહે વિદેહ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને ભગવાનની વાણી અનુસાર આ મહાન પરમાગમની રચના કરી છે. સમયસારની પ્રથમ ગાથામાં કહે છેઃ-