૪૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
वोच्छामि समयपाहुडमिणमो सुदकेवली भणिदं।।
કહે છેઃ- શ્રુતકેવળીઓએ કહેલા આ સમયસાર નામના પ્રાભૃતને કહીશ. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ એમ અર્થ કર્યો છે કે કેવળી અને શ્રુતકેવળીનું કહેલું આ સમયપ્રાભૃત કહીશ.
કેવળી અને શ્રુતકેવળીનું કહેલું નિયમસાર હું કહીશ. કેવું છે નિયમસાર? કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું છે, ભાઈ! કેવળી પરમાત્માએ સાક્ષાત્ કહેલું આ શાસ્ત્ર છે. વળી શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહમાં પધાર્યા હતા તે સંબંધી દેવસેનાચાર્યરચિત દર્શનસાર શાસ્ત્રમાં આ લેખ છેઃ
“(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?”
આ પ્રમાણે આચાર્ય કુંદકુંદદેવ ભગવાન પાસે સાક્ષાત્ જઈને આ બોધ લાવ્યા છે. તેમાં અહીં કહે છેઃ- સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. અહાહા...! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતારૂપ જે શુદ્ધ ચૈતન્યપરિણતિની રચના થાય તે કહે છે, વીર્યશક્તિનું કાર્ય છે. આત્મા પોતે પોતાની વીર્યશક્તિ વડે શુદ્ધ વીતરાગ પરિણતિની રચના કરે છે. આ શુદ્ધ પરિણતિ વ્રતાદિ પ્રશસ્ત રાગનું કાર્ય હોય એમ કદીય નથી. અહા! જેમ આત્મામાં વીર્ય ગુણ છે તેમ એક અકાર્યકારણત્વ નામનો ગુણ છે. વીર્યગુણમાં આ અકાર્યકારણત્વનું રૂપ છે, જેથી સ્વરૂપની રચના થાય તેમાં વ્યવહાર રત્નત્રયનો રાગ કારણ અને સ્વરૂપની રચના થાય તે તેનું કાર્ય એમ કદીય નથી. અહા! આત્મા રાગનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. ચૈતન્ય-ચૈતન્યભાવ કારણ ને રાગ તેનું કાર્ય એમ કદીય નથી. લ્યો, આવું સ્પષ્ટ વસ્તુસ્વરૂપ હોવા છતાં વ્યવહારથી નિશ્ચય થાય એમ બધી ગરબડ અત્યારે ચાલે છે; પણ ભાઈ! રાગભાવ તો પામરતા છે, તેનાથી પ્રભુતા કેમ પ્રગટ થાય? અને નિર્મળાનંદનો નાથ આત્મા ચિદાનંદ પ્રભુ છે તે રાગભાવરૂપ ક્લેશને કેમ રચે?
પહેલાં શરાફને ત્યાં કોઈ વાર ખોટો રૂપિયો કયાંકથી આવી જાતો તો તેને બહાર ફરતો મૂકવામાં ન આવતો, પણ દુકાનના ઉંબરામાં ખીલીથી જડી દેવાતો. તેમ આ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની શરાફી પેઢી છે; તેમાં ખોટી વાત ચાલવા ન દેવાય. પરમાત્માની સત્યાર્થ વાત અહીં સંતો આડતિયા થઈ જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે-ભગવાન! તારામાં વીર્ય નામનો જે ગુણ છે તેનું રૂપ આત્માના બીજા અનંત ગુણોમાં છે. તેથી અનંતા ગુણો પોતાના વીર્યથી પોતાના સ્વરૂપની-સમ્યગ્દર્શનાદિની રચના કરે છે, પણ વિકારની રચના કરતા નથી. ભાઈ! તારો વીર્યગુણ સ્વભાવથી જ એવો છે કે આત્મા કોઈ પરની કે વિકારની રચના કરી શકે નહિ. જો વીર્ય ગુણ વિકારને- રાગાદિને રચે તો તે સદાય રાગાદિને રચ્યા કરે! -તો પછી આત્માની રાગરહિત વીતરાગ મુક્તદશા કેવી રીતે થાય? તેથી પરવસ્તુમાં કાંઈ કરે કે વિકારને રચે એવું ખરેખર આત્માનું બળ-વીર્ય નથી. વળી સ્વરૂપની-સમ્યગ્દર્શનાદિની રચના જે થાય તે પરનું કે રાગનું કાર્ય નથી. પરવસ્તુ (દેવાદિ) કે રાગાદિભાવ (વ્યવહાર રત્નત્રય) સ્વરૂપરચનાનું કારણ નથી. અહો! કોઈની પણ ઓશિયાળ ન રહે એવો આત્માનો વીર્યગુણ અલૌકિક છે! સમજાણું કાંઈ...? માટે સાવધાન થઈ સ્વરૂપની સંભાળ કર.
પ્રશ્નઃ– જો આત્મા પરનું કાંઈ ન કરે તો આ જગતની રચના કોણ કરે? સમાધાનઃ– અરે ભાઈ! છ દ્રવ્યમય આ લોક છે તે અકૃત્રિમ છે, સ્વયંસિદ્ધ છે, કોઈ એનો રચનારો છે એમ છે જ નહિ. આત્મા પરની રચના કરે એમ માનવું એ તો મહામૂઢતા છે. અજ્ઞાનીઓ જ કોઈ પરને (ઇશ્વરને) જગતનો રચનારો માને છે; બાકી જેમને અનંતઆત્મબળ-અનંતવીર્ય પ્રગટયું છે એવા અરહંત કે સિદ્ધ ભગવાન પણ પરની રચના કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. પોતાના સ્વરૂપની રચના કરવાનું પૂરણ અનંત સામર્થ્ય છે, પણ પરનું કાંઈ પણ કરવામાં તેઓ પંગુ છે, અર્થાત્ લેશપણ સામર્થ્ય ધરાવતા નથી.
વળી આત્મા પોતે જ પોતાની પર્યાયની રચના વીર્યશક્તિ વડે કરે છે, કોઈ ઇશ્વર કે પર નિમિત્ત આત્માની- પર્યાયની રચના કરે એમ ત્રણ કાળમાં નથી. અહા! આવી વીર્યશક્તિ આત્મામાં ત્રિકાળ છે. આવી પોતાની વીર્યશક્તિ