૪૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
‘જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી (-સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ.’
અહાહા...! જુઓ, આ પ્રભુત્વશક્તિ! આ તો અલૌકિક વાત પ્રભુ! આ અધ્યાત્મવાણી છે. અહાહા...! ભગવાન જૈન પરમેશ્વરે કહેલી ભગવાન આત્માની ભગવાન થવાની આ ભાગવતકથા છે. નિયમસારમાં કહ્યું છે કે- આ ભાગવતશાસ્ત્ર છે. કળશ ટીકામાં આવે છે કે-આ શાસ્ત્ર પરમાર્થરૂપ છે, વૈરાગ્ય-ઉત્પાદક છે, ભારત-રામાયણ પેઠે રાગવર્ધક નથી. આ શાસ્ત્ર વીતરાગભાવની પ્રેરનારી રામાયણ અને ભાગવત કથા છે.
અહીં કહે છે- ‘જેનો પ્રતાપ અખંડિત છે...’ કોનો? કે આત્મદ્રવ્યમાં એક પ્રભુત્વ નામની શક્તિ છે તેનો પ્રતાપ અખંડિત છે, અબાધિત છે. અહાહા...! પ્રભુત્વશક્તિ કહો કે ઇશ્વરશક્તિ કહો કે પરમેશ્વરશક્તિ કહો-બધું એક જ છે. તે પોતાના પ્રભુપદ-પરમાત્મપદને ભૂલી ગયો છે. ભાઈ! આ તું જેનું સ્મરણ કરે છે તે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સાચા પરમેશ્વર છે, પણ તે પર હોવાથી તેમના સ્મરણ આદિ વડે રાગ જ ઉત્પન્ન થાય છે. પણ જો કોઈ તેમને જોઈને પોતાના ચૈતન્યપરમેશ્વરને યાદ કરી લે છે, જાણી લે છે તો તેને ભવના અભાવના બીજ રૂપ સમ્યગ્દર્શન આદિ પ્રગટ થાય છે, ઓહો! જેણે પોતાના પ્રભુને-ચૈતન્ય મહાપ્રભુને અંતરમાં દીઠા તેને પર્યાયમાં પ્રભુતા પ્રગટ થાય છે.
સમયસારની ગાથા ૩૮માં કહ્યું છેઃ- “જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર-(સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (-તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. ... આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો.”
અહાહા...! પોતાની પ્રભુતાનું ભાન થયું અર્થાત્ પોતે જ પોતાનો પરમેશ્વર છે એમ જાણ્યું તો મોહનો નાશ થઈને અખંડ પ્રતાપથી સ્વાધીન શોભાયમાન નિજ ચૈતન્ય પરમેશ્વરનાં જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ ઉદય પામ્યાં. આનું નામ ધર્મ અને આ મોક્ષમાર્ગ. સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ અનંત ગુણરત્નોથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. તેમાં જેમ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણો છે તેમ પ્રભુત્વ નામનો એક ગુણ છે. અહા! આ પ્રભુત્વ ગુણ બીજા અનંત ગુણમાં વ્યાપક છે. જ્ઞાનમાં પ્રભુત્વ, દર્શનમાં પ્રભુત્વ, આનંદમાં પ્રભુત્વ, વીર્યમાં પ્રભુત્વ, અસ્તિત્વમાં પ્રભુત્વ, કર્તા, કર્મ, કરણ આદિ ષટ્કારક શક્તિઓમાં પ્રભુત્વ-એમ અનંતગુણમાં પ્રભુત્વ વ્યાપક છે. અહાહા...! આ પ્રભુત્વશક્તિ દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, ને અખંડ પ્રતાપથી સ્વાધીન શોભાયમાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દૃષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપક થાય છે. આમ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં-ત્રણેયમાં પ્રભુત્વશક્તિ વ્યાપે છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે ય અખંડ પ્રતાપથી સ્વાધીન શોભી ઊઠે છે. અહા! એના પ્રતાપને તોડી શકે એવી કોઈ ચીજ જગતમાં નથી. ગાથા ૩૮ની ટીકામાં આવ્યું ને કે-
“આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જો કે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે તો પણ, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખેડીને-ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.”
જુઓ, આ અપ્રતિહત શ્રદ્ધાન ને અપ્રતિહત વીર્ય! અંતરમાં પ્રભુતા પ્રગટ થઈ પછી એના પ્રતાપને કોણ તોડી-હણી શકે? અહા! પોતાના પરમેશ્વરના ભેટા થયા એ દશાની શી વાત!
પ્રશ્નઃ– પણ આકરાં કર્મ ઉદયમાં આવે તો?-તો આત્માને લૂંટી જાય ને? ઉત્તરઃ– આકરાં કર્મ ઉદયમાં આવે તો આત્માને લૂંટી જાય એ વાત બરાબર નથી. કેટલાક લોકો કહે છે કે કર્મ