Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3964 of 4199

 

૭-પ્રભુત્વશક્તિઃ ૪પ

જીવને હેરાન કરે છે, કર્મ વેરી છે, જીવને લૂંટી લે છે, પણ તેમની એ વાત ખોટી છે; કેમકે કર્મ તો જડ અને પર છે. એ પરદ્રવ્ય તો જીવના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શ સુધ્ધાં કરતાં નથી તો પછી તે જીવને હેરાન કરે ને લૂંટી લે એ વાત કયાં રહે છે? ભાઈ! આ તારી ઉંધી માન્યતાનું શલ્ય જ તને હેરાન કરે છે. ભાઈ! ભગવાન આત્માનો પ્રતાપ અખંડિત છે, કોઈથી બાધિત ન થાય એવો અબાધિત છે તેની તને ખબર નથી. તે અખંડિત છે કેમકે તે સ્વાધીન છે. હા, જેમ ભરત ચક્રવર્તીનો પ્રતાપ બાહુબલી વડે ખંડિત થયો તેમ મોટા રાજા-મહારાજાઓનો પ્રતાપ ખંડિત થાય, કેમકે તે પુણ્યકર્મને આધીન છે; પણ આ ચૈતન્યચક્રવર્તી-ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્માનો પ્રતાપ કોઈથી ખંડિત ન થાય તેવો અખંડિત, સ્વાધીન છે. અહા! જેને અંતરમાં પોતાનું પ્રભુત્વ ભાસ્યું, પરમેશ્વર સ્વરૂપ ભાસ્યું તેને આકરાં કર્મ ને આકરા પરિષહ આદિ શું કરે? કર્મ તો એની સામે બિચારાં છે. એક પદમાં આવે છે ને કે-

કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ;
અગ્નિ સહૈ ઘનઘાત, લોહ કી સંગતિ પાઈ.
અહીં પ્રભુત્વ શક્તિમાં ચાર બાબતો બતાવી છેઃ
૧. પ્રતાપ (જયવંત તેજ)
૨. અખંડિતતા
૩. સ્વાતંત્ર્ય અર્થાત્ સ્વાધીનપણું
૪. શોભા, શોભાયમાનપણું.

આ પ્રમાણે ભગવાન આત્મા ચૈતન્ય-પ્રભુ સ્વાધીનપણે પોતાના અખંડિત પ્રતાપ વડે નિત્ય શોભાયમાન છે તે તેનું પ્રભુત્વ છે. ગુજરાતી ભાષામાં એક કવિએ (દલપતરામે) લખ્યું છે-

પ્રભુતા પ્રભુ તારી તો ખરી,
મુજરો મુજ રોગ લે હરી.

જો કે કવિએ તો કોઈ બીજા પ્રભુને (જગત-પરમેશ્વરને) લક્ષ કરીને આ ભાવ પ્રગટ કીધો છે, પણ અહીં એ વાત નથી. અન્ય કોઈ પરમેશ્વર આનો રોગ હરી લે એ જૈનમત નથી. અહીં તો આત્મા પોતે જ રાગ અને અજ્ઞાનના રોગને હરી લે એવો પ્રભુ છે એમ વાત છે. અહાહા...! અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન ભગવાન આત્મા પોતે જ જન્મ-મરણના રોગને હરી લે એવો પ્રભુ છે. ભાઈ!-

- તારું આત્મદ્રવ્ય અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન, - તારા ગુણ અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન, ને - સ્વ-આશ્રયે પ્રગટ થયેલી તારી પર્યાય પણ અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન છે. અહા! દ્રવ્ય-

ગુણ-પર્યાય ત્રણેમાં પ્રભુતા વ્યાપી છે. અહાહા...!

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેમાં પ્રભુતા વ્યાપક છે. અહા! તેની પ્રભુતાને કોઈ આકરા ઉપસર્ગ અને પરિષહ, આકરો કર્મોદય ખંડિત કરી શકે નહિ એવું તેનું સ્વરૂપ છે. અહા! તારા દ્રવ્ય-ગુણ-પર્યાયની પ્રભુતામાં અશુદ્ધતાનો અભાવ છે, કેમકે અશુદ્ધતા તો બહાર ને બહાર છે. તે શું કરે? ઊલટું પ્રગટ થયેલી પ્રભુતા વૃદ્ધિગત થઈ અશુદ્ધતાના-રાગના ખંડ-ખંડ કરી દે એવો તેનો સ્વભાવ છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– હા, પણ તે અશુદ્ધતા નામ વ્યવહાર રત્નત્રયનો રાગ પ્રભુતાનું સાધન તો છે ને? ઉત્તરઃ– ના, એમ નથી; કેમકે કોઈપણ રાગ છે તે પામરતા છે, ને પામરતા પ્રભુતાનું સાધન થાય એમ બની શકે નહિ. તેને સાધન કહીએ એ તો ઉપચારમાત્ર છે. ત્રિકાળી દ્રવ્યમાં ને શ્રદ્ધા, જ્ઞાન, આનંદ આદિ ગુણોમાં તો પ્રભુતા ત્રિકાળ ભરી જ છે, અને તેની વર્તમાન દશા તો ત્રિકાળીની સન્મુખ દૃષ્ટિ કરી, તેમાં રમણતા કરતાં પ્રગટ થાય છે, કાંઈ વ્યવહાર રત્નત્રયના રાગથી પ્રગટ થાય છે એમ નથી. ભાઈ! ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આલંબન વડે જ અખંડ પ્રતાપથી શોભિત પ્રભુતા પ્રગટ થાય છે; તે કાળે વ્યવહારનો રાગ હો ભલે, પણ તે આત્મા માટે કાંઈ જ લાભદાયક નથી. આવી વાત છે. સમજાણું કાંઈ...?