Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3965 of 4199

 

૪૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

અહાહા...! આત્મદ્રવ્ય અને તેની એકેક શક્તિ અને તેની નિર્મળ વ્યક્તિની પ્રભુતાનો અખંડ પ્રતાપ છે, અને તે સ્વતંત્ર-સ્વાધીનપણે શોભાયમાન છે. જુઓ, આ શોભા-શણગાર! આ શરીર પર ઘરેણાંનો શણગાર કરે છે ને! એ તો ધૂળે ય શણગાર નથી સાંભળને; એ તો મડદાનો-માટીનો શણગાર છે. દેહનાં શણગાર-શોભા એ કાંઈ આત્માની શોભા નથી, ને દેહના નેહરૂપ પરિણમે એ પણ આત્માની શોભા નથી. અહાહા...! દેહ અને રાગથી ભિન્ન અંદર ચૈતન્ય ચિદાનંદ પ્રભુ છે તેની સન્મુખ થઈ પરિણમે તે આત્માની શોભા છે, અને તે ધર્મ છે. અહા! જુઓ તો ખરા! ભાવલિંગી મુનિરાજ દેહની શોભાથી (સંસ્કારથી) રહિત છે. અહા! તેઓ આહાર લેવા માટે નગરમાં જાય ને કોઈ રુદન સંભળાય તો આહાર લીધા વીના જ વનમાં પાછા ફરી જાય છે. અહા! સ્વાધીનપણે શોભિત મોક્ષમાર્ગને સાધવા નીકળ્‌યા ત્યાં આ અશોભનિક શું? અહા! આનંદનો ભંડાર ખોલવો છે ત્યાં આ દેહને શું ભરવો? લ્યો, આમ વિચારી દુઃખનો ચિત્કાર સાંભળતાં જ આહાર લીધા વિના જ વનમાં ચાલ્યા જાય છે અને સ્વસ્વરૂપમાં લીન થઈ જાય છે.

ઓહો! અંદરમાં ત્રણલોકનો નાથ ભગવાન વિરાજે છે, પણ ભાઈ! તને તેની કિંમત નથી. કોઈ લાકડાં વેચનારા એક કઠિયારાને જંગલમાંથી એક હીરો જડયો. તેણે ઘેર આવીને પોતાની સ્ત્રીને તે આપ્યો અને કહ્યું-આ પથ્થર ખૂબ ચમકદાર છે એટલે હવે આપણે ગ્યાસતેલનો દીવો નહિ કરવો પડે. એક દિવસ એક હીરા-પારખુ (ઝવેરી) તેના ઘર આગળ થઈ નીકળ્‌યો. તેણે હીરાનો પ્રકાશ જોયો. તેણે કઠિયારાને કહ્યું-મને આ ચમકતો પથ્થર આપ, તેના બદલામાં હું તને એક હજાર સોનામહોર આપું. ત્યારે કઠિયારાને ખબર પડી કે આ પથ્થર તો સર્વ દરિદ્રતાનો નાશ કરે એવો મહા કિંમતી હતો. ‘અનુભવ પ્રકાશ’માં આ દૃષ્ટાંત આવ્યું છે. તેમ અહીં કહે છે-ભાઈ! આ આત્મા ચૈતન્ય-હીરલો છે. એના ચૈતન્યપ્રકાશમાં આખું લોકાલોક જણાય એવું તેનું પ્રભુત્વ છે. તેના દ્રવ્ય-ગુણમાં તો પ્રભુતા ભરી જ છે, પણ તેના જ્ઞાન-શ્રદ્ધાનરૂપ જે નિર્મળ પરિણમન થાય તે પણ અખંડ પ્રતાપથી શોભાયમાન છે. સાથે અતીન્દ્રિય આનંદની પર્યાય ઉત્પન્ન થાય તેમાં પણ પ્રભુતાનો અખંડ પ્રતાપ શોભે છે. અહા! સ્વાધીનપણે શોભિત જ્ઞાન-આનંદની દશાની પ્રભુતાને કોઈ લૂંટી કે નુકસાન કરી શકે એમ નથી.

જુઓ, સમ્યગ્દર્શન કેમ થાય એની આમાં વાત છે. કહે છે-સમ્યગ્દર્શનની પર્યાય સ્વતંત્રપણે-સ્વાધીનપણે શોભાયમાન થઈને પ્રગટ થાય છે. આવું જ તેનું પ્રભુત્વ છે. શુભરાગ-વ્યવહારના કારણે સમ્યગ્દર્શન પ્રગટ થાય એમ કદી ય છે નહિ, કેમકે શુભરાગ પરાવલંબી છે, સ્વાલંબી-સ્વાધીન નથી. તેવી રીતે શુદ્ધ રત્નત્રયરૂપ ચારિત્રની દશા પણ સ્વાધીનપણે પ્રગટ થાય છે, વ્યવહાર રત્નત્રયના કારણે કાંઈ ચારિત્ર પ્રગટે છે એમ નથી. વ્યવહાર રત્નત્રય એ કાંઈ વાસ્તવિક રત્નત્રય નથી, ચારિત્ર નથી; એ તો પરાવલંબી રાગની જ દશા છે.

અહાહા...! સાધુ-મુનિવર-સંત તો પંચ પરમેષ્ઠીપદમાં વિરાજે છે. તેઓ લોકમાં પૂજનીક છે, વંદનીક છે. ‘णमो लोए सव्वसाहूणम्’ એમ પાઠ છે ને? મતલબ કે પ્રચુર વીતરાગી આનંદની દશા જેને અંતરંગમાં પ્રગટ થઈ છે એવા ચારિત્રવંત સર્વ નિગ્રંથ સાધુઓને નમસ્કાર છે. અહાહા...! ચારિત્ર એટલે શું? સમકિતીને સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય અને રમણતા થતાં ચારિત્ર પ્રગટ થાય છે. ‘स्वरूपे चरणं चारित्रं’ અહાહા...! એ ચારિત્રની દશા અખંડિત પ્રતાપવાળા સ્વાતંત્ર્યથી શોભાયમાન પ્રભુત્વમય છે. સમજાણું કાંઈ...?

ભગવાન આત્મા ચૈતન્યશાળી છે. ચૈતન્યશાળી એટલે ચૈતન્યવંત અને ચૈતન્યવડે શોભાયમાન એમ બે અર્થ થાય છે. લોકમાં કરોડોની સંપત્તિવાળાને ભાગ્યશાળી-ભાગ્ય વડે શોભાયમાન-કહે છે. પણ જડ સંપત્તિથી કાંઈ જીવની શોભા નથી, અને તેના તરફનો મમતાનો ભાવ તે મહા અશોભનીક પાપભાવ છે. અરે, ધર્મી પુરુષોને તો પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રતિ જે વિનય-ભક્તિનો ભાવ આવે છે તે ય પોસાતો નથી, હેય ભાસે છે. યોગસારમાં આવે છે ને કે-

પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુદ્ધ કોઈ

પ્રવચનસારની ગાથામાં (ગાથા ૭૭) આ સ્પષ્ટ કહ્યું છે કે પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે એમ જે બેમાં (પુણ્ય-પાપમાં) ભેદ માને છે તે મોહાચ્છાદિત થયો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમે છે. સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં પણ આવે છે કે-શુભાશુભભાવ બન્ને કુશીલ છે. શુભભાવ પણ કુશીલ છે. જે ભાવ જીવને સંસારમાં દાખલ કરે તેને સુશીલ કેમ કહીએ? શુભભાવ જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે. તેનું ફળ ભવસંસાર જ છે. તેથી શુભભાવ શોભનીક નથી. જે ભાવથી ભવનો અભાવ થાય તે શુદ્ધભાવ જ એક ઉપાદેય અને શોભનીક છે. ધર્મી પુરુષને શુભભાવ