૪૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કેવળજ્ઞાનરૂપ થઈ જશે. અહો! સંતોએ શું કમાલ કામ કર્યાં છે! એકવાર સાંભળ, નાથ! તારા દ્રવ્ય-ગુણ-પર્યાયનું સંરક્ષણ અને સંવર્ધન કરનાર તું પોતે જ છો, ક્ષેમનો કરનાર તું પોતે તારો નાથ છો.
પતિ પત્નીનો નાથ કહેવાય છે, કેમકે પત્ની પાસે જે સંયોગ છે તેની તે રક્ષા કરે છે, અને જે (કપડાં, દાગીના વગેરે) નથી તે મેળવી આપે છે. તેમ જે જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેની રક્ષા કરે અને અનંતકાળમાં જે કેવળજ્ઞાન નથી મળ્યું તે મેળવી આપે-એવો ક્ષેમનો કરનારો તું પોતે જ તારો નાથ છો. તારી રક્ષા કરનાર બીજો કોઈ પ્રભુ છે એમ છે નહિ.
અહાહા...! મતિજ્ઞાન કેવળજ્ઞાનને કહે છે-આવ રે કેવળજ્ઞાન આવ! અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી વિચારે છે -અહો! ધન્ય આ અવતાર! મારી ઋદ્ધિનું પ્રભુત્વ મારી પર્યાયમાં પ્રગટ થયું છે, પણ પૂર્ણ દશાની પ્રગટતા થવી હજી બાકી છે. દ્રવ્ય અને ગુણ તો પૂર્ણ છે, પણ જેવો-કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત પ્રભુતા આદિ પૂર્ણ વૈભવ છે તે સઘળો અહાહા...! મારી પર્યાયમાં શીધ્ર પ્રગટો! લ્યો, આમ મતિજ્ઞાન પોકારે છે. અહા! ધર્મીને -સમ્યગ્દ્રષ્ટિને અપૂર્ણતા રહે (કિંચિત્ પામરતા રહે) તેનું પોસાણ નથી. સમજાય છે કાંઈ...?
આત્મામાં ષટ્કારકરૂપ છ શક્તિઓ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ -એમ આ છ શક્તિઓ સ્વાધીનપણે શોભાયમાન છે; કેમકે તેઓ પોતાના પ્રભુત્વમય છે અર્થાત્ તેમાં પ્રભુત્વ ગુણ વ્યાપક છે. જેથી તેઓ પોતાનું કર્મ (-કાર્ય) નિપજાવવામાં પરાધીન નથી, પરની અપેક્ષારહિત સ્વાધીન છે. કર્તા સ્વાધીન, કર્મ સ્વાધીન, કરણ સ્વાધીન એમ છએ કારકશક્તિ સ્વાધીન છે. અહા! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કર્મ નીપજે તેને જીવ પોતે ષટ્કારકપણે પરિણમીને સ્વાધીનપણે પ્રાપ્ત થાય છે, તેમાં રાગ કે નિમિત્ત-પરવસ્તુની અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં (ટીકામાં) કહ્યું છે કે નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે, વ્યવહાર રત્નત્રયના વિકલ્પની, પર નિમિત્તની કે ભેદ-વિકલ્પની -કોઈની તેને અપેક્ષા નથી. આવું પ્રભુતાથી ભરેલું વસ્તુ તત્ત્વ સ્વાધીન છે ભાઈ! લોકમાં જેમ રાજા સ્વાધીન શોભાયમાન હોય છે ને! તેમ વસ્તુતત્ત્વ સ્વાધીન શોભાયમાન છે. સમયસાર ગાથા ૧૭- ૧૮માં આત્માને ચૈતન્ય રાજા કહ્યો છે. અહાહા...! રાજા એટલે શું? ‘राजते शोभते इति राजा’ - જે અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભે છે તે રાજા છે. અહાહા...! આ ચૈતન્યરાજા પોતાની અનંત ગુણપર્યાયથી અનિવારિત જેનું તેજ છે એવા પ્રતાપથી સ્વાધીન શોભાયમાન છે. સમજાણું કાંઈ...?
જુઓ, પંડિત દીપચંદજી સાધર્મી ગૃહસ્થ હતા. તેમણે ‘પંચસંગ્રહ’ ગ્રંથ લખ્યો છે. તેમાં શૃંગાર આદિ આઠ રસનું બહુ તાત્ત્વિકરીતે અનોખું વર્ણન કર્યું છે. ત્યાં તે લખે છે-આનંદરસકંદ પ્રભુ આત્માની અનંતશક્તિનું પરિણમન થાય તે શૃંગારરસ છે. આ વ્યવહાર રત્નત્રય તે આત્માનો શૃંગાર નથી, એ તો રાગ નામ દુઃખ છે. ત્યાં તેઓ લખે છે-આત્મા ગૃહસ્થ છે, બ્રહ્મચારી છે ઇત્યાદિ વિસ્મયકારી વાતો ત્યાં દર્શાવી છે.
અહાહા...! એક સમયની દર્શનની પર્યાય લોકાલોકને ભેદ પાડયા વિના સામાન્ય દેખે, તે જ સમયે જ્ઞાનની પર્યાય આ જીવ છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદ છે-એમ ભેદ પાડીને જાણી લે છે. અહાહા...! દર્શનની પર્યાય બધું અભેદ સામાન્યરૂપે દેખે, ને જ્ઞાનની પર્યાય તે જ કાળે સ્વ-પર બધાને ભિન્નભિન્નપણે ભેદ પાડીને જાણે. અહો! આવો ચમત્કારી અદ્ભુત રસ આત્મામાં છે. આમ અદ્ભુત રસ, શૃંગારરસ વગેરે આત્મામાં એકીસાથે સ્વતંત્ર શોભે છે તે આત્માનું પ્રભુત્વ છે.
આત્મા દ્રવ્ય-વસ્તુ છે. તેમાં સંખ્યાએ એક, બે, ત્રણ-એમ અનંત શક્તિ છે. દ્રવ્ય એક અને શક્તિ અનંત. તેમાં એની પ્રભુત્વશક્તિ અખંડિત પ્રતાપમય સ્વાતંત્ર્યથી શોભાયમાન છે. આ પ્રભુત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં-ત્રણેમાં વ્યાપે છે, પણ તે પર્યાયના કાળને આઘોપાછો કરવા સમર્થ નથી. નિયત ક્રમમાં જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય છે.
પ્રશ્નઃ– દરેક પર્યાય થવાની હોય તે નિયત ક્રમમાં ક્રમબદ્ધ થાયતો પુરુષાર્થ કરવાનો કયાં રહ્યો? ઉત્તરઃ– દ્રવ્યમાં જે સમયે જે પર્યાય પ્રગટ થવાની હોય તે સમયે તે જ પ્રગટ થાય એવો યથાર્થ નિર્ણય કરનારની દ્રષ્ટિ પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ઉપર જ હોય છે. દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર જાય ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. આ નિર્ણયમાં દ્રવ્યદ્રષ્ટિનો અનંતો સમ્યક્ પુરુષાર્થ છે; કેમકે દ્રવ્યદ્રષ્ટિ તે જ સમ્યક્ દ્રષ્ટિ છે. પ્રત્યેક સમયે દ્રવ્યમાં જે પર્યાય પ્રગટ થાય છે તે તેની જન્મક્ષણ છે એમ પ્રવચનસારમાં (ગાથા ૧૦૨ માં) પાઠ છે. એટલે