શું? કે તેને કોઈ પરવસ્તુની-નિમિત્તાદિની અપેક્ષા નથી. નિમિત્ત આવે તો થાય એમ માનનાર તો એકાંત નિમિત્તવાદી અજ્ઞાની છે. નિમિત્તની તો શું? પ્રગટ થતી-ઉત્પાદરૂપ થતી-પર્યાયને પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી. નિમિત્ત છે, પૂર્વ પર્યાયનો વ્યય છે (નથી એમ વાત નથી), પણ ઉત્પાદરૂપ પર્યાયને તેની અપેક્ષા નથી. અહો! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય આવી બીજે ક્યાંય વાત નથી.
પ્રશ્નઃ- પણ આવું સમજવામાં તો કેટલો બધો વખત જાય? ઉત્તરઃ– અરે! સંસારના ભણતર પાછળ કેટલો વખત કાઢે છે? વળી વિદેશમાં ભણવા જાય છે ને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ આ લૌકિક ભણતર શું કામ આવે? (સંસાર વધારવા સિવાય) કાંઈ જ કામ ન આવે. માટે આ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ ક્રોડ ઉપાય કરીને પણ કરવો જોઈએ. છહઢાલામાં કહ્યું છે ને કે-
‘સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા’ નામના ગ્રંથમાં ગાથા ૩૨૧-૩૨૨-૩૨૩માં શ્રી કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે- સર્વજ્ઞદેવે જે જીવને જન્મ, મરણ, સુખ, દુઃખ આદિ જે દેશમાં, જે કાળે, જે વિધિથી થવાનું નિયત જાણ્યું છે તે જીવને તે દેશમાં, તે કાળે, તે વિધિથી તે તે થાય જ છે; તેમાં ઇન્દ્ર કે જિનેન્દ્ર-કોઈ કાંઈ ફેરફાર કરવા સમર્થ નથી. આ પ્રમાણે જે નિશ્ચયથી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણે છે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે, અને જે શંકા કરે છે તે કુદ્રષ્ટિ અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ છે. અહા! દરેક દ્રવ્યની, દરેક ગુણની જે કાળે જે પર્યાય થવાયોગ્ય હોય તે કાળે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે એમ યથાર્થ જાણનારનું લક્ષ પર્યાય ઉપર ન રહેતાં ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ઉપર જાય છે અને એ જ સ્વભાવ-દ્રષ્ટિનો સમ્યક્ પુરુષાર્થ છે, આ રીતે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવામાં ભેગો પુરુષાર્થ આવી જ જાય છે. માટે ક્રમબદ્ધ માનવાથી પુરુષાર્થ ઊડી જાય છે એવી શંકા કરવી યોગ્ય નથી. ભાઈ! નિયત ક્રમ છોડીને કોઈ પ્રકારે (નિમિત્તાદિ વડે) પર્યાય યથેચ્છ આઘીપાછી થવાનું તું માને પણ એ તો મિથ્યાદર્શન છે અને તારી એવી ચેષ્ટા મિથ્યા પુરુષાર્થ-મિથ્યા વિકલ્પ સિવાય કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– હા, પણ પ્રવચનસારમાં નય પ્રકરણમાં કાળનય અને અકાળનય એમ બન્નેનું વિધાન છે. તેથી એકાંતે બધું ક્રમનિયત-ક્રમબદ્ધ માનવું યોગ્ય નથી.
ઉત્તરઃ– પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે; તેમાં કાળનય અને અકાળનયની વાત આવી છે. ત્યાં ૩૦મા કાળનયથી કથન કરતાં કહ્યું છે કે-
“આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક.”
મતલબ કે જે કાળે જે પર્યાય થવાની હોય તે કાળે તે થાય એનું નામ કાળનય છે. વળી, ત્યાં ૩૧મા અકાળનયથી વર્ણન કરતાં કહ્યું છે કે-
“આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે, કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળની માફક.”
અહીં બન્ને-કાળનય અને અકાળનય-એક જ કાર્ય પ્રતિ પોતપોતાની વિવક્ષા રજૂ કરે છે. જેમ કાળનયમાં કાળની વિવક્ષા છે તેમ અકાળનય તે જ કાર્ય પ્રતિ અન્ય હેતુઓ-સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્તની વિવક્ષા દર્શાવે છે. અહીં અકાળનયનો એવો અર્થ કયાં છે કે પર્યાય થવાની હોય તે ન થતાં આઘી-પાછી થાય કે બીજી થાય? અકાળનો અર્થ એમ છે કે સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્ત-એ બધા પણ પર્યાય થવાના કાળે સાથે જ છે; બાકી પર્યાય થવા યોગ્ય હોય તે આગળ-પાછળ થાય કે બીજી થાય એવો તેનો અર્થ નથી. વાસ્તવમાં પ્રત્યેક પર્યાય પોતાના નિયતક્રમમાં જ પ્રગટ થાય છે અને તે કાળે બાહ્ય અને અભ્યંતર સામગ્રીનો સહજ જ યોગ હોય છે.
એક પંડિત અહીં આવેલા. અહીંની વાત સાંભળી તેઓ બહુ ખુશી થયેલા. પોતે બહુ નરમ માણસ હતા. તેમણે પંચાધ્યાયીનો હિંદીમાં અનુવાદ કર્યો છે. તેમાં ભૂલ રહી ગયેલી તે બતાવી તો બોલ્યા, -અમારી ભૂલ હોય તો સુધરાવો, મહારાજ! ત્યાં પંચાધ્યાયીમાં (તેમણે) એમ વાત કરી છે કે બુદ્ધિપૂર્વકનો રાગ છઠ્ઠા ગુણસ્થાને હોય છે અને અબુદ્ધિપૂર્વકનો રાગ સાતમા ગુણસ્થાને હોય છે. પરંતુ આ કથન, કીધું, સદોષ છે. છઠ્ઠા ગુણસ્થાનમાં જ ખ્યાલમાં આવે એવો જે રાગ