તેના સ્વકાળે પ્રગટ થઈ તે તેની કાળલબ્ધિ છે. કાળલબ્ધિ અને ભવિતવ્ય કાંઈ જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ એનાથી ભિન્ન વસ્તુ નથી. વળી તે જ વખતે કર્મના ઉપશમાદિ પણ સ્વયં નિમિત્તપણે હોય જ છે. આવો સહજ જ યોગ હોય છે. માટે પોતાના ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવની જે દ્રષ્ટિ કરે છે તેને જ કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે બાકી ધારણાથી કાળલબ્ધિ-કાળલબ્ધિ એમ કહે, પણ તેને કાળલબ્ધિની ખબર નથી અર્થાત્ તેને કાળલબ્ધિ થઈ જ નથી. સમજાણું કાંઈ...? અહા! આવો વીતરાગનો મારગ વીતરાગ માર્ગના અંતર-પુરુષાર્થથી પ્રગટ થાય છે.
જુઓ, પંચાસ્તિકાયની ગાથા ૧૭૨માં ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. ત્યાં ટીકામાં કહ્યું છે-“ વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.” આમ ચારે અનુયોગનો સાર વીતરાગતા છે. આ વીતરાગતા કયારે પ્રગટ થાય? કે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે; નિમિત્ત, રાગ કે પર્યાયના આશ્રયે વીતરાગતા પ્રગટ થતી નથી. આમ ચારે અનુયોગનો સાર આ છે કે એક સ્વદ્રવ્યનો-નિજ જ્ઞાયકવસ્તુનો આશ્રય કરવો. સ્વદ્રવ્યનો આશ્રય કર્યા વિના પર્યાયના ક્રમબદ્ધપણાનું સાચું જ્ઞાન થતું નથી.
વળી પર્યાયના ક્રમને આડો-અવળો માને તેનું તો પરલક્ષી બાહ્ય જ્ઞાન પણ જૂઠું છે, તો પછી તેને દ્રવ્યદ્રષ્ટિ કયાંથી પ્રગટ થાય? પંચાસ્તિકાયમાં પર્યાયને અનિયત કહેલ છે ત્યાં પર્યાય આડી-અવળી કે ક્રમરહિત આગળ- પાછળ થાય છે એવો તેનો અર્થ નથી; ત્યાં તો વિકારી-વિભાવ પર્યાયને અનિયત કહેલ છે. વાસ્તવમાં વિકારી પર્યાય પણ ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે. કોઈ પણ પર્યાય આઘી-પાછી થાય એવો વસ્તુનો સ્વભાવ જ નથી, એવી વસ્તુ જ નથી.
દામનગરના એક શેઠ હતા. તેઓ દિગંબર શાસ્ત્રો વાંચતા, પણ તેમની દ્રષ્ટિ વિપરીત હતી. તેમણે એક વાર અમને પૂછેલું કે-ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી-એ બધા કાળે (સ્વકાળે) થાય છે માટે કાળલબ્ધિ આવે ત્યારે કાર્ય થાય. ત્યારે કહ્યું’તું કે-કાળલબ્ધિનું જ્ઞાન કોને હોય છે-ખબર છે? જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્માનો જે આશ્રય કરે છે તેને કાળલબ્ધિનું સાચું જ્ઞાન હોય છે. બાકી કાળલબ્ધિ સામે મોં તાકીને બેસે તેને કાળલબ્ધિ પાકતી જ નથી. સવારે આવ્યું હતું ને પ્રવચનમાં કે-
સુદ્ધતામૈં થિરહ્યૈ મગન, અમૃતધારા બરસૈ.
અહાહા...! પોતાના શુદ્ધ એક સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનો જ્યારે આશ્રય લે, ત્યાં જ રમે, અને ત્યાં જ મગ્ન થઈ રહે તેને અમૃતધારાસ્વરૂપ વીતરાગતા પ્રગટ થાય છે; અને આ વીતરાગતા બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર છે.
યહી વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ,
જિનસ્વરૂપ પોતે આત્મા છે; એક તેનો આશ્રય કરે તે જ ધર્મ છે. બાકી બધું કર્મ છે, સંસાર છે. આ ભગવાનની વાણીનો મર્મ નામ રહસ્ય છે. ભાઈ! સમકિતથી માંડીને પૂરણ મોક્ષ સુધીની બધી જ દશા એક શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે છે.
પણ અરે! જૈન કુળમાં-દિગંબરમાં જન્મેલાને પણ જૈન તત્ત્વની ખબર નથી! કોઈ એક પંડિત કહેતા હતા કે-દિગંબર કુળમાં જન્મ્યા તે બધા સમ્યગ્દ્રષ્ટિ છે, હવે વ્રત અને ચારિત્ર ધારણ કરી લે એટલે બસ કલ્યાણ થઈ જાય. લ્યો, આવી વાત! હવે શું કહેવું? ‘મોક્ષમાર્ગ પ્રકાશક’માં પં. શ્રી ટોડરમલજીએ શ્વેતાંબરાદિને તો અન્યમત કહેલ છે, પણ ત્યાં જૈન કુળમાં જન્મેલા અને દિગંબર જૈનધર્મની બાહ્ય માન્યતા હોવા છતાં પણ જીવને અંદર સૂક્ષ્મ મિથ્યાત્વ રહી જાય છે તેનું વિસ્તારથી સાતમા અધિકારમાં વર્ણન કર્યું છે. ભાઈ! કુળથી ને જન્મથી જૈનપણું નથી બાપુ! અહીં તો અંતરમાં-અંતઃતત્ત્વમાં સમાઈ જાય તે જૈન છે. બાકી બહારના ક્રિયાકાંડ તો બધાં કર્મનાં કામ બાપુ! એનાથી કર્મ નામ સંસાર નીપજે, ધર્મ નહિ.
અહા! મિથ્યાત્વ તે જ મૂળ સંસાર છે. આ બૈરાં-છોકરાં બધાં પર છે તેમાં સંસાર નથી અને પોતાના દ્રવ્ય- ગુણમાંય સંસાર નથી. એક સમયની પર્યાયમાં મિથ્યાત્વાદિ ભૂલ છે, અને તે ભૂલ મટાડતાં (સ્વદ્રવ્યના આશ્રયે) મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. અહો! દિગંબર સંતો-ભગવાન કેવળીના કેડાયતીઓએ માર્ગ બહુ ચોક્ખો સ્પષ્ટ કરીને બતાવ્યો છે. પણ શું થાય? લોકોનો ઝુકાવ બહારમાં (ક્રિયાકાંડમાં વા વિષયકષાયમાં) છે એટલે તેઓ શુદ્ધ તત્ત્વને જાણવા પ્રતિ ઉદ્યમશીલ થતા નથી!