Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3983 of 4199

 

૬૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તો દ્રષ્ટિ સમ્યક્ થઈ. આવી વાત! સમજાણું કાંઈ...? ભાઈ! સર્વજ્ઞશક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે માટે વ્યવહારે સર્વજ્ઞ છે એમ નહિ, સર્વજ્ઞશક્તિ પરિણત થતાં તે આત્મજ્ઞાનમયી જ છે, પણ સર્વને-પરને જાણવાની વિવક્ષા કરતાં વ્યવહાર પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ!

સંપ્રદાયમાં પણ અમારે આ ચર્ચા-વાર્તા ચાલતી. એક વાર અમે પૂછયું કે-જગતમાં સર્વજ્ઞ છે કે નથી? ત્યારે તેઓ કહે-સર્વજ્ઞનું સર્વજ્ઞ જાણે; અમારે એનું શું કામ છે?

અરે પ્રભુ! તું શું કહે છે આ? ભગવાન! તું આત્મા પદાર્થ છો કે નહિ? તો તેનો સ્વભાવ શું? અહાહા...! ‘જ્ઞ’ તેનો સ્વભાવ છે, ત્રિકાળી ‘જ્ઞ’ સ્વભાવ આત્મા છે. ‘જ્ઞ’ સ્વભાવ કહો કે સર્વજ્ઞસ્વભાવ કહો-તે આત્માનું સ્વરૂપ છે. અહાહા...! આવા સર્વજ્ઞસ્વભાવી આત્માની દ્રષ્ટિ થતાં સર્વજ્ઞસ્વભાવનું પર્યાયમાં પરિણમન થાય છે. બાપુ! ધર્મનું મૂળ જ સર્વજ્ઞ છે, કેમકે સર્વજ્ઞસ્વભાવને આલંબીને સર્વજ્ઞ થયા છે, ને સર્વજ્ઞથી જ આ વીતરાગી ધર્મની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. માટે સર્વજ્ઞ કોણ છે અને સર્વજ્ઞદશાનું પરિણમન કેમ પ્રાપ્ત થાય તે બરાબર જાણવું આવશ્યક છે.

ત્રિકાળ સર્વજ્ઞસ્વભાવ વિષે બે મત છે. શ્વેતાંબર મતવાળા કહે છે-કેવળજ્ઞાન સત્તાસ્વરૂપ છે; એમ કે કેવળજ્ઞાન પર્યાયરૂપે સત્તામાં પ્રગટરૂપ છે, અને ઉપર કર્મનું આવરણ છે. દિગંબર સંતો-ઋષિવરો કહે છે-કેવળજ્ઞાન દ્રવ્યમાં શક્તિરૂપે છે અને પર્યાયમાં તેનું અલ્પજ્ઞરૂપે પરિણમન છે, પૂર્ણ જ્ઞાન (પર્યાયમાં) પ્રગટ નથી તેમાં નિમિત્તરૂપે કર્મનું આવરણ છે. આમ બન્ને વાતમાં મહાન-આસમાનજમીનનું-અંતર છે. વાસ્તવમાં કેવળજ્ઞાન વર્તમાન પર્યાયમાં સત્તારૂપે પ્રગટ નથી, પણ શક્તિરૂપે દ્રવ્યમાં ત્રિકાળ પડેલું છે. પ્રગટ છે ને આવરણ છે એમ નહિ, પણ શક્તિરૂપે અને તેનું પર્યાયમાં અલ્પજ્ઞપણે પરિણમન છે.

શ્રીમદ્ રાજચંદ્ર સ્વરૂપને પ્રાપ્ત સમકિતી સત્પુરુષ થઈ ગયા. તેઓ કહે છેઃ- જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો!!

અહા! ‘ણમો અરિહંતાણં’ એમ લોકો બોલી જાય છે, પણ અરિહંતદેવ શું ચીજ છે એની તમને ખબર નથી! અરિ નામ વિકાર, ને હંત નામ તેનો નાશ કરી સ્વના આશ્રયથી જે પૂરણ વીતરાગ સર્વજ્ઞદશાને પ્રાપ્ત થયા તે અરિહંત પ્રભુ છે. હવે જેને અરિહંતદશા પ્રગટ નથી, પણ હું સર્વજ્ઞસ્વરૂપી અખંડ એક આત્મદ્રવ્ય છું એમ પ્રતીતિમાં આવ્યું તેને તે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું; વળી તે કાળે પ્રગટ જ્ઞાનમાં એવો નિશ્ચય થયો તે વિચારદશાએ કેવળજ્ઞાન થયું, વળી સર્વજ્ઞસ્વભાવની પૂરણ પ્રગટતારૂપ કેવળજ્ઞાનની ભાવના થઈ તે ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું.

પહેલાં પર્યાયબુદ્ધિમાં કેવળજ્ઞાનનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ભાવના ન હતાં. પર્યાયબુદ્ધિમાં હું અલ્પજ્ઞ જ છું એમ માન્યું હતું, અને તેમાં જ રાગબુદ્ધિ વર્તતી હતી. પણ હવે, ચૈતન્યપ્રકાશનો પુંજ, જ્ઞાનાનંદનો દરિયો, શાંતરસનો સમુદ્ર હું સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા છું એમ અંતરમાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું, વિચારદશાએ કેવળજ્ઞાન પ્રગટ થયું, ને અલ્પકાળમાં આ મતિ-શ્રુતજ્ઞાનનો વ્યય થઈ કેવળજ્ઞાન થશે-એમ ભાવનાદશાએ કેવળજ્ઞાન થયું. અહા! જેમ આરસના સ્થંભની એક હાંસ દેખાતી હોય તો તે એક હાંસના જ્ઞાનથી આખા સ્થંભનું જ્ઞાન થઈ જાય છે તેમ પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિશ્ચય થતાં જ્ઞાનમાં આખા જ્ઞેયનો નિશ્ચય થઈ જાય છે. જેમકે મતિ-શ્રુતજ્ઞાન અવયવ-અંશ છે, ને કેવળજ્ઞાન અવયવી-અંશી છે; અંશનું જ્ઞાન થતાં તેમાં અંશીનું જ્ઞાન આવી જાય છે. ધવલમાં આવે છે કે -મતિજ્ઞાન તે કેવળજ્ઞાનનો અંશ છે.

‘ખાનિયા તત્ત્વચર્ચા’માં પંડિતોએ દલીલ કરી છે કે-આત્મજ્ઞાનમયી એક ધર્મ છે, ને સર્વજ્ઞત્વ બીજો ધર્મ છે. પણ એમ નથી બાપુ! એ તો વિવક્ષાનો ભેદ છે, બાકી બન્ને એક જ ધર્મ છે. સર્વને જાણે અને પોતાને જાણે એવી આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે, સ્વાશ્રિત સર્વજ્ઞદશા પ્રગટ થઈ છે તેમાં પરની રંચમાત્ર અપેક્ષા નથી. સર્વજ્ઞપણું કહો કે આત્મજ્ઞપણું કહો-બન્ને એક જ ચીજ છે. સમજાય એટલું સમજો બાપુ! આ વસ્તુસ્વરૂપ છે. અરે ભાઈ! કેવળજ્ઞાન લેવાની આત્માની તાકાત છે. એને પરની કિંચિત્ અપેક્ષા નથી. કેવળજ્ઞાનની પર્યાય વિશ્વના સર્વ ભાવોને જાણે માટે