Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3991 of 4199

 

૭૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે; ભાઈ! પરોક્ષ રહે એવો આત્માનો સ્વભાવ નથી. હા, પણ તે ઈન્દ્રિય પ્રત્યક્ષ નથી, સ્વરૂપ પ્રત્યક્ષ-સ્વસંવેદન પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ...?

અહાહા...! સ્વસન્મુખ થતાં આત્માના અતીન્દ્રિય આનંદનું પ્રત્યક્ષ વેદન થયું તે પ્રકાશશક્તિનું કાર્ય છે; સાથે વ્યવહાર છે ને બાહ્ય નિમિત્ત છે તો આ કાર્ય નીપજ્યું છે એમ નથી.

પ્રશ્નઃ– તો શું વ્યવહાર નથી? નિમિત્ત નથી? આપ વ્યવહાર ને નિમિત્તને ઉડાવો છો. ઉત્તરઃ– અરે ભાઈ! વ્યવહાર નથી, નિમિત્ત નથી-એમ કોણ કહે છે? વ્યવહાર છે, બાહ્ય નિમિત્ત છે; તે જેમ છે તેમ ન જાણે તો તેનું જ્ઞાન મિથ્યા છે, વળી વ્યવહાર ને નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ થાય, વા તેનાં નિર્મળ જ્ઞાન- શ્રદ્ધાન પ્રગટ થાય-એમ માને તેય વિપરીત શ્રદ્ધાન છે. અહીં એમ વાત છે કે વ્યવહાર કે બાહ્ય નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ ન થાય, પણ તેનું લક્ષ છોડી સ્વ સન્મુખતા કરતાં સ્વસંવેદનમાં જ આત્મા પ્રત્યક્ષ થાય છે. અહાહા...! આવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. અહીં તો વ્યવહાર ને નિમિત્તનું જેમ છે તેમ સ્થાપન છે, પણ તેના લક્ષે-આશ્રયે આત્માનુભવરૂપ -આત્માના જ્ઞાન-શ્રદ્ધાન-રમણતારૂપ ધર્મ પ્રગટ થાય એ માન્યતાનો નિષેધ છે, કેમકે એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાણું કાંઈ...?

અહા! અનંત કાળથી ચોરાસીના અવતારોમાં રખડતાં-રઝળતાં ભાઈ! તને માંડ આ મનુષ્યભવ મળ્‌યો, અને તેમાંય જૈનમાં તારો જન્મ થયો એ કોઈ મહાભાગ્ય છે; અહા! આ બધું હોવા છતાં અંતરમાં રુચિ લાવી તું આ તત્ત્વ-જ્ઞાનની-ભેદજ્ઞાનની તારા હિતની વાત તું ન સમજે તો અંતર-અનુભવ કયાંથી થાય? અરે ભાઈ! તું સાંભળ તો ખરો, અહીં સંતો પરમાત્માનો સંદેશ પોકારીને જગત પાસે જાહેર કરે છે કે-પ્રભુ! તારા સ્વસંવેદનમાં તારો આત્મા પ્રત્યક્ષ થાય એવી પ્રકાશશક્તિથી તું ત્રિકાળ ભરપુર છો.

હવે જિંદગીમાં કદી આવી તત્ત્વની વાત સાંભળવાની ફુરસદ ન હોય એ તો બિચારા-મોટા કરોડપતિ હોય તોય બિચારા હોં-રળવું-કમાવું, ખાવું-પીવું ને ખેલવું, ને વિષયભોગમાં રહેવું-બસ એમ જ જિંદગી વીતાવે છે, પણ એ તો જિંદગીએળે (-નિષ્ફળ) જાય છે હોં. અરે પ્રભુ! તું કોણ છો? ને તારું કાર્ય શું છે? -તેની તને ખબર નથી! અહા! તું આત્માનું (અંતર-અનુભવનું) કાર્ય કરવાનું છોડી દઈને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગની ક્રિયામાં ધર્મ માની ત્યાં જ રોકાઈ ગયો! પણ ભાઈ! એ તો જગપંથ છે, એ ધર્મપંથ નહિ; ધર્મપંથ તો સ્વાનુભવમયી કોઈ અલૌકિક છે.

પ્રવચનસાર, ગાથા ૧૭૨માં ‘અલિંગગ્રહણ’ શબ્દ આવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તે શબ્દના ૨૦ અર્થ કર્યા છે. તેમાં કહ્યું છે-

“ગ્રાહક (-જ્ઞાયક) એવા જેને લિંગો વડે એટલે કે ઈન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિયજ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૧.

ગ્રાહ્ય (જણાવાયોગ્ય) એવા જેનું, લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૨.

જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિયગમ્ય દ્વારા (-ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય ચિન્હ દ્વારા) જેનું ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૩.

બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમેયમાત્ર (કેવળ અનુમાનથી જ જણાવાયોગ્ય) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૪.

જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમાતામાત્ર (કેવળ અનુમાન કરનારો જ) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -પ.

લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” -૬.