જુઓ, આ છઠ્ઠા બોલમાં સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ કહ્યું છે. અહા! આવો આ વીતરાગનો માર્ગ છે. પણ અરેરે! સર્વજ્ઞ પરમેશ્વરના વિરહ પડયા, ને બહારમાં ઘણી બધી ગરબડ ઉભી થઈ ગઈ! અહીં કહે છે-ઇન્દ્રિયપ્રત્યક્ષ કે ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાન વડે જાણવામાં આવે એવો આત્મા નથી. તેમ જ પોતે ઇન્દ્રિયથી કે અનુમાનથી પરને જાણે એવો પણ આત્મા નથી. અહાહા...! પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા પ્રભુ આત્મા છે. અહીં આ ૧૨મી શક્તિના વર્ણનમાં આ જ વાત કરી છે કે- આત્મા પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો તેનો પ્રકાશસ્વભાવ છે. અહાહા...! ઇન્દ્રિયોથી નહિ, રાગથી નહિ, પણ પોતાના સ્વભાવથી જાણવામાં આવે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે-એવા અલિંગગ્રહણના છઠ્ઠા બોલ સાથે અહીં મેળ છે. સમજાણું કાંઈ...!
અહા! આ પ્રકાશશક્તિમાં એવું અચિન્ત્ય દિવ્ય સામર્થ્ય છે કે કોઈ પર-નિમિત્તની અપેક્ષા વિના જ તે પોતાના જ સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કરે છે. અહા! આવી દિવ્યશક્તિ સંપન્ન નિજ આત્માને અંતર્મુખ થઈ દેખે તો દ્રવ્યદ્રષ્ટિ ઉઘડી-ખીલી જાય. ભાઈ! તારા આત્માનો અપાર-અનંતો વૈભવ દેખવો હોય તો તારાં દિવ્યચક્ષુ યાને દ્રવ્યચક્ષુ ખોલ; આ બહારનાં ચામડાનાં ચક્ષુ વડે એ નહિ દેખાય, ને અંદર રાગનાં ચક્ષુ વડે પણ એ નહિ દેખાય; અંતરનાં સ્વભાવચક્ષુ વડે જ તે જણાશે-અનુભવાશે. સમજાણું કાંઈ...? એ તો ટીકા પ્રારંભ કરતાં મંગલાચરણમાં જ આચાર્યદેવે કહ્યું કે-
એમ કે-પોતે પોતાની અનુભૂતિથી પ્રકાશમાન છે એવા સમયસાર નામ શુદ્ધ આત્માને નમસ્કાર. અહાહા...! નિમિત્ત કે વ્યવહારના આલંબન વિના જ, આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વયં પોતાના સ્વભાવથી જ સ્વાનુભૂતિમાં પ્રકાશે છે.
ભાઈ! આ તો તને ત્રિલોકીનાથ કેવળી પરમાત્માનાં વેણ અને કહેણ આવ્યા છે; તેનો નકાર ન કરાય. લૌકિકમાં પણ એમ હોય છે કે-દીકરાની સગાઈ કરવાની હોય ને દસ-વીસ ઘરનાં નાળિયેર આવ્યાં હોય તો તેમાંથી જે મોટા ઘરનું કહેણ હોય તે સ્વીકારી લે છે. તો આ તો કેવળી સર્વજ્ઞ પરમાત્માનાં સર્વોચ્ચ ઘરનાં કહેણ બાપુ! તેનો ઝટ સ્વીકાર કર, ના ન પાડ પ્રભુ! મુક્તિ-સુંદરી સાથે તારાં સગપણ કરવાનાં કહેણ છે. આનંદધનજીના એક પદમાં આવે છે કે-
અહા! પણ સમકિત સાથે સગાઈ કયારે થાય? કે સ્વભાવસન્મુખ થઈ આત્માને સ્વસંવેદનથી પ્રત્યક્ષ જાણે ત્યારે. આ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલાં કહેણ છે. અહો! આ તો જન્મ-મરણના રોગનું નિવારણ કરનારી ભગવાન કેવળીએ કહેલી પરમ અમૃતમય ઔષધિ છે.
વળી ત્યાં (-પ્રવચનસારમાં) અલિંગગ્રહણના સાતમા બોલમાં કહ્યું છે કે-“જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” જુઓ, કહે છે-આત્માના ઉપયોગમાં પરપદાર્થ- પરજ્ઞેયનું આલંબન નથી. ભાઈ! તારી શક્તિ સ્વયં પ્રકાશમાન સ્વસંવેદનમય સ્વરૂપ જેનું છે એવી છે; તને કયાંય પરાવલંબન નથી.
પણ એ (સ્વસંવેદન) કઠણ થઈ પડયું છે ને? હા, એ તો કળશટીકાના ૬૦મા કળશમાં કહ્યું છે કે-“સાંપ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધસ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.”
ભાઈ! સ્વભાવનો અનુભવ કરવો કઠણ તો છે, પણ અશકય નથી, અસંભવ નથી. ઘણું કઠણ લાગે છે, કેમકે અનંત કાળથી ભેદજ્ઞાનનો અભ્યાસ નથી. પણ વસ્તુસ્વરૂપ વિચારતાં-ધ્યાવતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે, અશકય નથી. અહા! પોતાના સ્વભાવની પ્રાપ્તિ પોતાને અશકય કેમ હોય? એ તો ત્યાંસુધી જ પ્રાપ્ત નથી જ્યાં સુધી સ્વભાવની દ્રષ્ટિ કરતો નથી. જ્યાં અંતર-દ્રષ્ટિ કરે કે તત્કાલ આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે. હવે જીવોએ અભ્યાસ કર્યો નથી, અને આ પદ્ધતિનો વર્તમાનમાં બહુ લોપ છે તેથી પોતાની ચીજ પ્રાપ્ત થવી કઠણ થઈ પડી છે. પણ મારગ તો આવો છે પ્રભુ! થોડું કહ્યું ઝાઝું કરી જાણવું બાપુ!
અહાહા...! ભગવાન આત્મા અનુભવમાં-સ્વાનુભવમાં પ્રત્યક્ષ થાય એવી એની શક્તિ છે. અહા! અનંત ગુણ-સ્વભાવોમાં પ્રકાશશક્તિ વ્યાપક છે; જેથી જ્ઞાન પ્રત્યક્ષ, દર્શન પ્રત્યક્ષ, સુખ પ્રત્યક્ષ, વીર્ય પ્રત્યક્ષ-એમ દરેક શક્તિ