‘જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ. (જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે-સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ.)’
ઓહો...! જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા અનંત શક્તિઓનો એક પિંડ છે. તેમાં જ્ઞાન-દર્શનની જેમ એક અકાર્યકારણત્વ શક્તિ છે. કેવી છે આ? તો કહે છે-‘જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્યકારણત્વ શક્તિ છે.’ શું કીધું આમાં? કે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને કોઈ પર વસ્તુ કરે નહિ તેથી આત્મા અકાર્ય છે, ને પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયને આત્મા કરે નહિ તેથી આત્મા અકારણ છે. ઓહો...! પરદ્રવ્ય સાથે કાર્ય-કારણભાવ રહિત આત્માનો આ અલૌકિક અકાર્યકારણત્વ સ્વભાવ છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ અહીં એમ કહે છે કે-આ તો દ્રવ્યની વાત છે, એમ કે દ્રવ્ય કોઈનું કારણ નહિ અને દ્રવ્ય કોઈનું કાર્ય નહિ એમ અહીં વાત કરી છે.
અરે ભાઈ! તારી આ સમજણ બરાબર નથી, કેમ કે પ્રસ્તુત વિષય દ્રવ્યની શક્તિને લગતો છે. અહા! શક્તિ જેની છે એવા શક્તિવાન, દ્રવ્યનો અનુભવ થતાં પર્યાયમાં પણ અકાર્યકારણ દશા પ્રગટ થઈ જાય છે. અહા! જે પર્યાય દ્રવ્યના આશ્રયે પ્રગટ થઈ તે પરનું-રાગનું કારણ નથી અને તે પરનું-રાગનું કાર્ય પણ નથી. જેમ દ્રવ્ય- ગુણ કોઈનું કારણ નથી અને કોઈનું કાર્ય પણ નથી તેમ તેની જે પર્યાય પ્રગટ થાય છે તે પર્યાય પણ કોઈ પરનું કારણ નથી ને કોઈ પરનું કાર્ય પણ નથી. આ અકાર્યકારણત્વ શક્તિ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપ્ત થઈ જાય છે. સમજાણું કાંઈ...?
દ્રવ્ય-ગુણ તો પરથી ન થાય, પણ પર્યાય પરથી થાય એમ માનવા તું પ્રેરાય છે, પણ ભાઈ! એમ વસ્તુ નથી. આ અકાર્યકારણ સ્વભાવ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા...! દ્રવ્ય અકાર્યકારણસ્વભાવમય, ગુણ અકાર્યકારણસ્વભાવમય અને પર્યાય પણ અકાર્યકારણસ્વભાવમય છે. અહો! જેમ દ્રવ્ય-ગુણ અન્ય વડે કરાય નહિ તેમ પર્યાય પણ અન્ય વડે કરાતી નથી એવો આ વસ્તુનો અલૌકિક સ્વભાવ છે. પર્યાય સમયે સમયે નીપજતું નવું કાર્ય છે એ બરાબર, પણ તેથી કાંઈ તે બીજા વડે કરાય છે એમ કયાંથી આવ્યું? કારણ વિના કાર્ય ન હોય એ ખરું, પણ તે કારણ પોતામાં હોય કે પરમાં? કાર્ય પોતામાં ને કારણ પરમાં-એમ છે નહિ, એ જિનમત નથી.
અરે ભાઈ! જો પોતાનું કાર્ય પર-બીજો કરે તો પરાધીન એવો પોતે પોતાનું હિત કેવી રીતે કરી શકે? અને જો પોતે પરનાં કાર્ય કરે તો પોતાનું કાર્ય કોણ કરે? ને કયારે કરે? ભાઈ! પોતાના કાર્યનું કારણ પોતામાં જ છે, પરની સાથે પોતાને કાર્યકારણપણું છે જ નહિ-આવો જ વસ્તુનો સ્વભાવ છે.
આચાર્યદેવે આ અકાર્યકારણત્વ શક્તિ ૭૨મી ગાથાની ટીકામાંથી કાઢી છે. અમે સમ્મેદશિખરજીની યાત્રામાં ગયેલા ત્યારે ત્યાં ૭૨મી ગાથા ઉપર પ્રવચનો થયેલાં. ભાઈ! આ અકાર્યકારણત્વ શક્તિ છે તે દ્રવ્ય-ગુણમાં તો ત્રિકાળ વ્યાપક છે જ, પણ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થતાં તે પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અહાહા...! દરેક ગુણની પરિણતિ પરનું કારણેય નહિ ને પરનું કાર્ય પણ નહિ-એમ આ શક્તિ છે તેનો વિકાસ-વિસ્તાર થાય છે. ભગવાનને જે કેવળજ્ઞાનની દશા પ્રગટ થઈ તે કાંઈ ચાર ઘાતીકર્મનો નાશ થયો માટે પ્રગટ થઈ છે એમ નથી. પં. ફુલચંદજીએ જૈન તત્ત્વમીમાંસામાં બરાબર ખુલાસો કર્યો છે કે-ચાર ઘાતીકર્મનો નાશ થઈને તેની અકર્મરૂપ દશા થઈ છે, જે કર્મરૂપ પર્યાય હતી તે અકર્મરૂપ પર્યાય થઈ. (કાંઈ કેવળ જ્ઞાનરૂપ થઈ છે એમ નથી) કેવળજ્ઞાન તો જીવના ગુણની દશા છે. તેથી ઘાતીકર્મના નાશથી કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ નથી.
તો શાસ્ત્રમાં એમ કહ્યું છે ને? એ તો નિમિત્તનું (નિમિત્તની મુખ્યતાથી) કથન છે ભાઈ! પં. શ્રી ફુલચંદજીએ ખાનિયા તત્ત્વચર્ચામાં દરેક વિષય બહુ સારી રીતે સ્પષ્ટ કર્યો છે. આ એક ઐતિહાસિક તત્ત્વચર્ચા બની છે. અરે ભાઈ! વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ સમજવાથી વિતરાગતા સિદ્ધ થાય છે; કાંઈ વાદ વિવાદે આ વાત પાર પડે એમ નથી. કોઈને જુઠા પાડવા અને પોતાની વાત સાચી માનવી એવી વાત અહીં નથી.