અહીં તો કહે છે-આત્માનો એવો અકાર્યકારણ સ્વભાવ છે કે જેથી તેની સ્વાશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે રાગનું કાર્ય નથી. વ્યવહાર (વ્યવહાર રત્નત્રય) છે માટે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. વ્યવહાર રત્નત્રય કારણ ને નિશ્ચય રત્નત્રયની નિર્મળ પર્યાય કાર્ય એમ નથી. તેમ આત્મા (નિર્મળ પર્યાય) રાગનું-વિકારનું કારણેય નથી. આત્મા સંસારની ઉત્પત્તિનું કારણ નથી. આવી વસ્તુસ્થિતિની મર્યાદા છે ભાઈ! દ્રવ્ય સત્, ગુણ સત્ ને પર્યાય પણ સત્ છે; ત્રણે સ્વતંત્ર છે. તેથી નિશ્ચયે પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, કોઈ બીજું (અન્ય દ્રવ્ય) કારણ છે માટે તે ઉત્પન્ન થાય છે એમ છે નહિ.
નિશ્ચયથી તો એમ છે કે સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાનની જે પર્યાય ઉત્પન્ન થઈ તે તેની જન્મક્ષણ છે. તેની ઉત્પત્તિનો તે કાળ હતો માટે તે પર્યાય ત્યાં ઉત્પન્ન થઈ છે; તે તેની કાળલબ્ધિ છે. તે સમયે ભવ્યતાનો ભાવ ઉત્પન્ન થવાનો કાળ હતો માટે તે પર્યાય પોતાથી પ્રગટ થઈ છે, પરનું એમાં જરાય કારણપણું નથી. જુઓ, સ્વસ્વરૂપમાં લીન-સ્થિર થાય ત્યારે ચારિત્રમોહકર્મનો નાશ થાય છે. ત્યાં ચારિત્રમોહકર્મના નાશનું કાર્ય કાંઈ જીવનું કાર્ય નથી. (જીવનું કાર્ય તો સ્વરૂપલીનતા છે). તેમ ચારિત્રમોહકર્મનો અભાવ થયો તે કારણ અને સ્વરૂપલીનતારૂપ નિર્મળ ચારિત્ર તે કાર્ય એમ પણ નથી.
હા, પણ નિમિત્ત તો છે ને? અરે ભાઈ! નિમિત્ત છે એનો અર્થ શું? એ છે બસ એટલું જ, બાકી નિમિત્ત કાંઈ કરે છે એમ છે નહિ. જુઓને, આ ચોક્ખું તો કહ્યું છે કે-જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ ત્રિકાળ જીવદ્રવ્યમાં પડેલી છે. હવે આમ છે ત્યાં નિમિત્ત-પરવસ્તુ ઉપાદાનમાં શું કરે? કાંઈ જ ના કરે. વાસ્તવમાં એકેક સમયની પર્યાય પોતે જ પોતાના કારણ-કાર્યપણે વર્તે છે. પરમ શુદ્ધદ્રષ્ટિમાં તો કાર્ય- કારણના ભેદ જ નથી, ભેદ પાડવો તે વ્યવહાર છે.
અહીં દ્રવ્યની શક્તિની વાત કરી છે, પણ દ્રવ્યમાં જે શક્તિ છે તે પર્યાયમાંય વ્યાપે છે. અહાહા...! ત્રિકાળી શક્તિવાન નિજ દ્રવ્યનો જ્યાં સ્વાભિમુખપણે સ્વીકાર થયો ત્યાં શક્તિ પર્યાયમાં વ્યાપી જાય છે. તેથી પર્યાયમાં પણ પરનું કાર્ય-કારણપણું નથી અહાહા...! જેણે અકાર્યકારણરૂપ દ્રવ્ય સ્વભાવ સ્વીકાર્યો તે પર્યાય પણ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થયેલી છે, તેથી તે પર્યાય પણ પરનું કાર્ય-કારણ નથી. અહા! દ્રવ્યનો-દ્રવ્ય સ્વભાવનો જેમાં નિર્ણય થયો તે પર્યાય છે તે પ્રગટેલી પર્યાય એમ જાણે છે કે હું આનંદની મૂર્તિ ચિદાનંદઘન પ્રભુ રાગનું કારણેય નથી અને રાગનું કાર્ય પણ નથી. રાગ રાગના કારણે થયો છે અને આનંદ આનંદના કારણે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ કહે છે-રાગનું કારણ જડ કર્મ તો છે ને? તો એ વાત પણ નથી. જડ કર્મ નિમિત્ત હો, પણ નિમિત્ત નિમિત્તમાં સ્વતંત્ર છે અને રાગ રાગના કારણે સ્વતંત્ર થાય છે. અહા! ગજબ વાત છે ભાઈ! કોઈ જડની અવસ્થા કે રાગની અવસ્થાનું આત્મા કારણ નથી, કાર્ય પણ નથી. આવો વસ્તુસ્વભાવ છે.
સમયસારની ૭૨મી ગાથામાં આવે છે કે-આસ્રવો આકુળતાના ઉત્પન્ન કરનારા છે તેથી દુઃખના કારણ છે, અને ભગવાન આત્મા તો સદાય નિરાકુળ-સ્વભાવને લીધે કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય નથી. લ્યો, આમાંથી આચાર્યદેવે આ અકાર્યકારણત્વ શક્તિ કાઢી છે. કોઈ ઇશ્વર જગતને બનાવે એ વાત તો દૂર રહો, અહીં તો કહે છે- આત્મા પરદ્રવ્યને કરે અને પરદ્રવ્ય આત્માને કરે એવું પરસ્પર કાર્ય-કારણપણું નથી. ભાઈ! આ તો તું ન્યાલ થઈ જાય એવી વાત છે. અજ્ઞાની પણ પરનું કાંઈ કરે છે એમ નથી, એ તો હઠથી હું પરનું કરું છું એમ (મિથ્યા) માને છે બસ, બાકી વસ્તુનો અકાર્યકારણસ્વભાવ તો જેમ છે તેમ છે; એનો અંતરમાં સ્વીકાર કરે તે જ્ઞાની છે. આવી વાત!
પ્રશ્નઃ– તો તત્ત્વાર્થ રાજવાર્તિકમાં બે કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે એમ કથન છે ને? ઉત્તરઃ– એ તો કાર્ય થયું ત્યારે નિમિત્ત કોણ છે તેનું જ્ઞાન કરાવવા માટે ત્યાં એ વાત કરી છે. પર્યાય કોઈનું કારણ નહિ અને કાર્ય પણ નહિ એ મૂળ વાતને રાખીને પછી ત્યાં નિમિત્ત કોણ છે તેનું પ્રમાણજ્ઞાન કરાવવા બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું છે. નિશ્ચયથી પર્યાય પોતાથી પ્રગટ થાય છે, પર તેનું કારણ-કાર્ય નથી એ વાત રાખીને પ્રમાણ, નિમિત્તનું જ્ઞાન કરાવે છે; બાકી નિશ્ચયને જૂઠો માનીને (ઉડાડીને) નિમિત્તનું જ્ઞાન કરાવે તો તે સાચું પ્રમાણજ્ઞાન જ નથી, એ તો મિથ્યાજ્ઞાન છે. આવી વાત! સમજાણું કાંઈ...?
અકાર્યકારણત્વશક્તિની વ્યાખ્યામાં જે ‘એક દ્રવ્યસ્વરૂપ’ એવો શબ્દ છે તેથી કેટલાકને એમ લાગે છે કે આ તો