Pravachan Ratnakar (Gujarati). 15 Parinamya-ParinamaktvaShakti.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4001 of 4199

 

૮૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ એકલા દ્રવ્યની વાત છે; એમ કે પર્યાય તો નવી નવી ઉપજે છે માટે તેમાં તો પરનું કાર્ય-કારણપણું હોય.

અરે ભાઈ! તારી આ માન્યતા જૂઠી છે, કેમ કે દ્રવ્યની અકાર્યકારણત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. જેમ દ્રવ્ય અન્યથી કરાય નહિ, ગુણ અન્યથી કરાય નહિ તેમ તેની પ્રત્યેક પર્યાય પણ પરથી કરાતી નથી. અહાહા...! દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આખી વસ્તુ અહીં તો (પરના) અકાર્ય-કારણમય સિદ્ધ કરે છે. સ્વ-આશ્રયે જે આ સમ્યગ્દર્શનની પર્યાય થઈ તે પરથી (કર્મના ઉપશમાદિથી) કરાઈ નથી, તેમ તે પર્યાય પરમાં (કર્મમાં) કાંઈ કરે છે એમ નથી. અન્યનું કાર્ય અન્ય વડે કરાય એ જૈન સિદ્ધાંત નથી, અહા! આ કેવળજ્ઞાન થયું તો મોક્ષમાર્ગ કારણ અને કેવળજ્ઞાન તેનું કાર્ય એમ નથી, કેમ કે કેવળજ્ઞાનની પર્યાયમાં અકાર્યકારણત્વશક્તિ વ્યાપી છે. (અહીં પૂર્વ પર્યાય વર્તમાન કેવળજ્ઞાનની દશાનું પર છે). હવે આમ છે ત્યાં મનુષ્યપણું અને ઉત્તમ સંહનન છે માટે કેવળજ્ઞાન પ્રગટ થયું એ વાત કયાં રહી? એ તો બધાં નિમિત્તનાં કથન બાપુ! હવે આવી સૂક્ષ્મ વાત લોકોને કઠણ પડે છે, પરંતુ આ ન્યાયથી-લોજીકથી સિદ્ધ સત્ય વાત છે.

અહા! આત્માની પ્રત્યેક શક્તિમાં આ અકાર્યકારણસ્વભાવનું રૂપ છે. ચારિત્રની નિર્મળ પર્યાય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે દ્રવ્યના આશ્રયે તે ઉત્પન્ન થાય છે. તેથી પોતાના દ્રવ્યના આશ્રયથી (કારણપણાથી) ચારિત્રદશા પ્રગટ થઈ એમ કહીએ, પણ એ વ્યવહાર છે, કેમકે ખરેખર તો ચારિત્રની પર્યાયનું કારણ તે પર્યાય પોતે છે. તે પર્યાય પોતે જ ષટ્કારકરૂપ પરિણમીને તે-રૂપે થઈ છે. હવે આવી વાત છે ત્યાં વ્યવહાર રત્નત્રયનો રાગ કારણ અને ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટી તે કાર્ય એમ કયાં રહ્યું? એમ છે જ નહિ. સમય-સમયની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે શક્તિના કારણે પ્રગટે છે એમ કહીએ તે પણ વ્યવહાર છે, અહાહા...! એક સમયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ નિરાકુળ આનંદની અનુભૂતિની દશા પ્રગટી તે દશા-પર્યાયના સામર્થ્યનું શું કહેવું? અહાહા...! તે પર્યાય નિજ સામર્થ્યથી જ સ્વતંત્ર પ્રગટ થઈ છે, તે અન્યનું કાર્ય નથી, અન્યનું કારણ પણ નથી. અનુભવની નિર્મળ દશા થવા પહેલાં શુભભાવ હતો તો અનુભૂતિની દશા પ્રગટી છે એમ નથી. સમજાણું કાંઈ...?

અહાહા...! જ્ઞાનમાં, દર્શનમાં, આનંદમાં, ચારિત્રમાં, વીર્યમાં-એમ પ્રત્યેક ગુણમાં અકાર્યકારણપણાનો સ્વભાવ છે. ગુણ પ્રગટે તેમાં પરનું કાર્યકારણપણું કિંચિત્ નથી. આ અંતઃપુરુષાર્થ જાગૃત થાય તેમાં પરદ્રવ્ય (દેવ-ગુરુ-શાસ્ત્ર, કર્મ આદિ) નું કિંચિત્ કારણપણું નથી. ‘ભુદત્થમસ્સિદો ખલુ સમ્માદિટ્ઠી હવદિ જીવો’-ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે એમ કીધું છે ને? પણ એ ય વ્યવહાર છે. અહા! સમ્યગ્દર્શન પ્રગટ થવામાં જેમ પરદ્રવ્ય કારણ નથી. તેમ પોતાના દ્રવ્ય-ગુણ પણ ખરેખર કારણ નથી એવો પર્યાયનો અકાર્યકારણ સ્વભાવ છે. આવી સૂક્ષ્મ વાત ભાઈ!

અહા! આ અકાર્યકારણસ્વભાવ જેને અંતરમાં બેસી જાય તેની શી વાત! તેની તો મતિ અને ગતિ ફરી (સુલટી) જાય. ‘હું પરનું શું કરું? કાંઈ પણ ન કરું’-એમ જાણતો તે પરથી (પરના કરવાપણાથી) હઠી જાય છે અને સ્વ ભણી વળી ત્યાં સ્વસ્વરૂપમાં જ લીન-સ્થિર થાય છે; અને ત્યારે મને મારા કાર્ય (સમ્યગ્દર્શનાદિ) માટે પરની કોઈ ઓશિયાળ-અપેક્ષા નથી એવી તેને નિર્મળ પ્રતીતિ થાય છે. લ્યો, આવો સ્વાધીનતાનો મારગ અને આ ધર્મ! બાકી અજ્ઞાની જીવો અનાદિકાળથી પરમાં પોતાનું કાર્યકારણપણું માની સ્વકાર્ય માટે પરના ઓશિયાળા થઈ પરમાં જ પ્રવર્તે-રમે છે, પણ એ તો સંસારમાં રઝળવાનો દુઃખનો પંથ બાપુ! એ મિથ્યા પંથ ભાઈ! માટે પર વિના મને ન ચાલે અને પરનાં કામ હું કરી દઉં એ વાત જવા દે ભાઈ! એ ભ્રમ છોડી પરથી ખસી સ્વમાં સાવધાન થા, ને સ્વમાં વસ; કેમ કે તારે સદાય પર વગર જ ચાલી રહ્યું છે, અને પરનાં કામ કદીય તું કરે એવું તારું સ્વરૂપ જ નથી. અહો! આત્માનો અકાર્યકારણસ્વભાવ કહીને આચાર્યદેવે પરથી ભેદજ્ઞાન કરાવી સ્વાધીન સુખનો માર્ગ બતાવ્યો છે. લ્યો, -

-આ પ્રમાણે અકાર્યકારણત્વશક્તિ પૂરી થઈ.

*
૧પઃ પરિણમ્ય–પરિણામકત્વશક્તિ

‘પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જ્ઞેયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્ય-પરિણામકત્વશક્તિ. (પર જેમનાં કારણ છે એવા જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્ય-પરિણામકત્વશક્તિ)’.